વિશ્વના અમીર દેશોમાં સ્થાયી થવાની યાદીમાં ભારત ફરી નંબર-1, 5 વર્ષમાં 9.25 લાખે ભારત છોડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indians Top OECD Citizenship List Over Five Years: વિશ્વના સમૃદ્ધ અને વિકસિત દેશોની નાગરિકતા મેળવવાના મામલે ભારતીય નાગરિકોએ ફરી એકવાર પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન દ્વારા જાહેર કરાયેલા તાજેતરના 'ઇન્ટરનેશનલ માઇગ્રેશન આઉટલુક – 2026’ રિપોર્ટ અનુસાર, વર્ષ 2020થી 2024 દરમિયાન અંદાજે 9.25 લાખ ભારતીયોએ OECD સભ્ય દેશોની નાગરિકતા પ્રાપ્ત કરી છે.
આ આંકડો વર્ષ 2015-2019 દરમિયાન નોંધાયેલા 6.5 લાખ ભારતીયોની સરખામણીમાં 41 ટકા વધુ છે. OECDના 38 સભ્ય દેશો (જેમાં અમેરિકા, બ્રિટન, યુરોપિયન દેશો, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન અને દક્ષિણ કોરિયા સામેલ છે)માં 2020-2024 દરમિયાન કુલ 87 લાખ નવા નાગરિકો બન્યા હતા, જેમાં એકલા ભારતીયોની હિસ્સેદારી અંદાજે 10 ટકા રહી છે. આ યાદીમાં ભારત પછી સીરિયા અને મેક્સિકોના અંદાજે 5.9 લાખ નાગરિકોએ વિદેશી નાગરિકતા મેળવી છે.
વર્ષ 2024ના મુખ્ય આંકડા: કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ભારતીયો
રિપોર્ટમાં વર્ષ 2024 દરમિયાન વિદેશી નાગરિકતા સ્વીકારનારા ભારતીયોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે:
- એકલા વર્ષ 2024માં જ 2.30 લાખ ભારતીયોએ OECD દેશોની નાગરિકતા લીધી છે, જે વર્ષ 2023ના 2.25 લાખના આંકડા કરતાં વધુ છે.
- વર્ષ 2024માં સૌથી વધુ ભારતીયોએ કેનેડા (87,320), ત્યારબાદ અમેરિકા (48,820) અને ઓસ્ટ્રેલિયા(28,969)ની નાગરિકતા સ્વીકારી છે.
- સમગ્ર 2020થી 2024ના પાંચ વર્ષના સમયગાળામાં કેનેડામાં કુલ 2.61 લાખ ભારતીયોને નાગરિકતા મળી છે, જે અગાઉના પાંચ વર્ષની તુલનામાં 150 ટકા જેટલો જંગી ઉછાળો દર્શાવે છે.
- રિપોર્ટ મુજબ, વિદેશોમાં ભારતીય સમુદાયોના વિસ્તાર અને પ્રવાસીઓ દ્વારા કાયમી ધોરણે સ્થાયી થવાના વલણને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે.
પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો છતાં ભારત સૌથી મોટો સ્ત્રોત દેશ
નાગરિકતા ઉપરાંત નવા પ્રવાસીઓ અને વૈશ્વિક રોજગાર બજાર અંગે પણ રિપોર્ટમાં મહત્ત્વપૂર્ણ તારણો રજૂ કરાયા છે. વર્ષ 2024માં પણ OECD દેશોમાં જનારા નવા પ્રવાસીઓ માટે ભારત સૌથી મોટો સ્ત્રોત દેશ બની રહ્યો છે, જોકે કુલ સંખ્યામાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે (2023માં 6.07 લાખથી ઘટીને 2024માં 4.94 લાખ). OECDના મહાસચિવ માથિયાસ કોર્મનના જણાવ્યા અનુસાર, OECD દેશોના કુલ રોજગારમાં પ્રવાસીઓનો હિસ્સો 16 ટકા છે. વૃદ્ધ થતી વસ્તી અને ધીમી ઉત્પાદકતા વૃદ્ધિને પહોંચી વળવા વિકસિત દેશોએ પ્રવાસીઓની કુશળતાનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે.
STEM (સાયન્સ, ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) ક્ષેત્રોમાં વિદેશી મૂળના સ્નાતકોની ભાગીદારી અને ઇનોવેશનમાં પ્રવાસીઓનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. આગામી વર્ષોમાં ઘણા દેશોની કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે અસ્થાયી કામદારો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, પરંતુ કાયમી નાગરિકતા મેળવવાની રેસમાં ભારતીયો હજુ પણ મોખરે રહેશે તેવી પૂરી શક્યતા છે.




