89 રનમાં ઓલઆઉટ થતાં ભડક્યા હેડ કોચ ગૌતમ ગંભીર! રોહિત-વિરાટ સહિતના ખેલાડીઓનો લીધો ઉધડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gautam Gambhir On India Vs New Zealand 4th ODI : ન્યૂઝીલૅન્ડ સામેની ચોથી વનડે મેચમાં 244 રનના વિશાળ અંતરથી મળેલી કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમની બેટિંગને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
સીમ મુવમેન્ટ સામે ભારતીય બેટ્સમેનોની નબળાઈ ખુલ્લી પડી
ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, બેટ્સમેનોએ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાના રસ્તા જાતે જ શોધવા પડશે. આ મેચમાં 334 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર 89 રનમાં જ સમેટાઈ ગઈ હતી, જે વનડે ક્રિકેટમાં રનની દૃષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી હાર છે. ન્યૂઝીલૅન્ડની જીતમાં મેટ હેનરીએ 6 વિકેટ ઝડપીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સીમ મુવમેન્ટ સામે ભારતીય બેટ્સમેનોની નબળાઈ ખુલ્લી પાડી હતી.
બેટ્સમેનોના સંઘર્ષ અને બેટિંગ ઑર્ડર પર ચિંતા
વોબલ સીમ સામે ભારતના સંઘર્ષ અંગે પૂછવામાં આવતા ગંભીરે ટેકનિકલ પાસાઓમાં ઊંડા ઉતરવાનો ઇન્કાર કર્યો હતો અને સંપૂર્ણ જવાબદારી બેટ્સમેનો પર છોડી હતી. મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે કહ્યું હતું કે, ‘હું ટેકનિકલ વાતોમાં જતો નથી. મુવમેન્ટને રોકવી એ બેટ્સમેનનું કામ છે. સીમ કરતાં એરિયા અને લેન્થે અમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી. અમે ક્રીઝ પર ફસાઈ ગયા.’ તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે બેટિંગ ઑર્ડરનું વારંવાર ધરાશાયી થવું એ હવે સતત ચિંતાનો વિષય બની રહ્યું છે, કારણ કે અગાઉની મેચમાં પણ ભારતે 111 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.
માનસિક અને કૌશલ્યની દૃષ્ટિએ તૈયાર રહેવાની સલાહ
ગૌતમ ગંભીરે આગામી મેચમાં સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘પાછલી મેચમાં પણ અમે 111 પર 7 વિકેટ ગુમાવી ચૂક્યા હતા, આ થોડી ચિંતાની વાત છે. અમારે માનસિક અને કૌશલ્યની દૃષ્ટિએ તૈયાર રહેવું પડશે. આવી પરિસ્થિતિઓમાં 35-40 પર 0 ઠીક છે. અમારી પાસે અનુભવ છે અને આશા છે કે અમે છેલ્લી મેચમાં સારું રમી શકીશું.’
મેટ હેનરીની બોલિંગને 'અનપ્લેએબલ' માનવાનો ઇન્કાર
ગંભીરે મેટ હેનરીના બોલને 'અનપ્લેએબલ' (રમી ન શકાય તેવા) ગણાવવાનો પણ ઇન્કાર કર્યો હતો અને ભારતની અનુભવી બેટિંગ લાઇનઅપ આ પડકારનો સામનો કરવા સક્ષમ હોવી જોઈતી હતી તેમ જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ પણ બોલ અનપ્લેએબલ હોતો નથી. મેટ હેનરીએ સારા એરિયામાં બોલિંગ કરી, પરંતુ અમારે તેને રોકવામાં સક્ષમ હોવું જોઈએ. જ્યારે તમે 90 રન પર ઓલઆઉટ થઈ જાઓ છો ત્યારે હંમેશા ચિંતા હોય છે. આ વર્લ્ડ કપની નજીકની પરિસ્થિતિઓ છે. પાછલી મેચમાં પણ અમે સાત વિકેટ ગુમાવી હતી, આ ચિંતાની વાત છે.’
પ્રથમ ઓવરથી જ લખાઈ ગઈ હતી ભારતની હારની સ્ક્રિપ્ટ
આ મુકાબલામાં મેટ હેનરીની પ્રથમ ઓવરે જ ભારતની હારની સ્ક્રિપ્ટ લખી દીધી હતી. હેનરીએ ઘાતક બોલિંગ કરતાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને 0 રન પર આઉટ કરી દીધા હતા. ત્યારબાદ કાઈલ જેમીસને ઋતુરાજ ગાયકવાડને પેવેલિયન મોકલતા ભારતનો સ્કોર 9 રનમાં 4 વિકેટ થઈ ગયો હતો. ઈશાન કિશન અને અક્ષર પટેલે 44 રનની ભાગીદારી કરીને થોડો સમય ક્રીઝ પર ટકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હેનરીએ ફરી બોલિંગમાં આવીને કિશનને આઉટ કર્યો હતો અને 27 રન આપીને 6 વિકેટ ઝડપવાના આંકડા સાથે પોતાનો સ્પેલ પૂરો કર્યો હતો.




