Sports

સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન અને અનિરુદ્ધના ‘સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ’, જાણો શું છે આ અનોખી લગ્નપ્રથા

By GS Team
13 Nov 20264 mins read
TukuTouch Logo
લોકપ્રિય સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને 'સનરાઇઝર્સ હૈદરાબાદ'ના સહ-માલિક કાવ્યા મારને ગ્રીસમાં 11 નવેમ્બર 2026ના રોજ 'સ્વમાન લગ્ન' કર્યા. આ લગ્નમાં પંડિત કે ધાર્મિક વિધિઓ વિના, પરસ્પર સન્માન અને સમાનતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રજનીકાંત અને એમ.કે. સ્ટાલિન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 21 નવેમ્બર 2026ના રોજ ચેન્નાઈમાં રિસેપ્શન યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન અને અનિરુદ્ધના ‘સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ’, જાણો શું છે આ અનોખી લગ્નપ્રથા

Kavya Maran-Anirudh Marriage Self-Respect Marriage : લગ્ન એટલે બે લોકોનું મિલન, પણ જ્યારે તેમાં સમાનતા અને પરસ્પર સન્માનનો પાયો હોય, ત્યારે તે વધુ સુંદર બની જાય છે. ભારતીય સિનેમાના લોકપ્રિય સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને 'સનરાઈઝર્સ હૈદરાબાદ'ના સહ-માલિક કાવ્યા મારને 11 નવેમ્બર 2026ના રોજ ગ્રીસના સુંદર દરિયાકિનારે પ્રભુતામાં પગલાં પાડ્યા. જો કે, આ લગ્નમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત તેમની ભવ્યતા નહીં, પરંતુ તેમણે પસંદ કરેલી 'સ્વમાન લગ્ન' એટલે કે Self-respect marriage હતા. ધાર્મિક વિધિઓ અને પંડિતની મદદ વિના થયેલા આ લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.

ચાલો જાણીએ આ લગ્ન શું છે અને 'સ્વમાન લગ્ન' પાછળનો ઊંડો અર્થ શું છે.

ગ્રીસમાં યોજાયો અદ્ભુત સમારોહ, વર-વધુના પોશાક બન્યા ચર્ચાસ્પદ

10 નવેમ્બર 2026ના રોજ સગાઈ કર્યા બાદ 11 નવેમ્બર 2026ના રોજ ગ્રીસના એક અત્યંત સુંદર સ્થળે આ યુગલે લગ્ન કર્યા. આ સમારોહની સુંદર તસવીરો પ્રખ્યાત વેડિંગ ફોટોગ્રાફર 'હાઉસ ઓન ધ ક્લાઉડ્સ' (House On The Clouds) દ્વારા લેવાઈ હતી. આ ખાસ દિવસ માટે બંનેએ જાણીતા ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા તૈયાર કરાયેલા આકર્ષક ડ્રેસ પસંદ કર્યા હતા. અનિરુદ્ધે હાથીદાંતના રંગની પરંપરાગત લુંગી અને ચોકલેટ બ્રાઉન રંગનો ખાસ શર્ટ પહેર્યો હતો, જ્યારે કાવ્યાએ આછા ગુલાબી રંગનો 3D ફ્લોરલ ભરતકામ કરેલો સુંદર લહેંગા અને હીરાનો સેટ પહેર્યો હતો.

'સ્વમાન લગ્ન' એટલે શું?

આ લગ્નની તસવીરો સામે આવી ત્યારે તેમાં અનિરુદ્ધ કાવ્યાના ગળામાં એક સમાન પેન્ડન્ટવાળી ચેઇન પહેરાવતો જોવા મળ્યો. લોકોમાં આ વિધિ વિશે ઉત્સુકતા જાગી અને ત્યારબાદ ડીએમકે (DMK) આઇટી વિંગના સચિવ ડૉ. ટી.આર.બી. રાજાએ 'X' પર પુષ્ટિ કરી કે આ યુગલે સેલ્ફ રિસ્પેક્ટ મેરેજ પદ્ધતિ પસંદ કરી છે.

તમિલમાં આ પ્રથાને 'સુયમરિયાથાઈ થિરુમનમ' (Suyamariyathai Thirumanam) કહેવાય છે. તેની શરૂઆત 1925માં સમાજ સુધારક પેરિયાર ઈ.વી. રામાસામી દ્વારા શરૂ કરાયેલા 'સ્વમાન આંદોલન' એટલે કે Self-Respect Movement માંથી થઈ હતી.

  • મુખ્ય ઉદ્દેશ્ય: આ પ્રથાનો ઉદ્દેશ્ય જાતિગત ભેદભાવ, પિતૃસત્તાક માનસિકતા અને જટિલ ધાર્મિક વિધિઓને દૂર કરવાનો હતો.
  • કેવી રીતે થાય છે?: પરંપરાગત હિન્દુ લગ્ન સમારોહથી વિપરીત, આ લગ્નમાં કોઈ પંડિત કે સંસ્કૃત મંત્રોની આવશ્યકતા હોતી નથી. તેમાં માત્ર યુગલની પરસ્પર સંમતિ, સમાનતા અને સાક્ષીઓની હાજરી પર ભાર મૂકાય છે. યુગલ એકબીજા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવીને હાર પહેરાવી શકે છે અથવા તો ચેઇન કે વીંટીની આપ-લે કરે છે.
  • કાયદાકીય માન્યતા: 1967માં તમિલનાડુમાં 'હિન્દુ લગ્ન અધિનિયમ'માં સુધારો કરીને, તેની કલમ 7-A (Section 7-A) હેઠળ આ પ્રથાને કાયદેસરની માન્યતા અપાઈ હતી.

રજનીકાંત અને એમ.કે. સ્ટાલિને હાજરી આપી

આ લગ્નમાં પરિવાર અને મિત્રોની વિશેષ હાજરી હતી. અનિરુદ્ધના મામા રજનીકાંત અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન મુખ્ય મહેમાનોમાં સામેલ હતા. રજનીકાંતે કાવ્યાને ચેઇન આપી અને એમ.કે. સ્ટાલિને અનિરુદ્ધને ચેઇન આપી. ત્યારબાદ વર-વધૂએ એકબીજાને હાર પહેરાવ્યા અને આ ચેઇનની આપ-લે કરી. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન કાવ્યાના પિતા કલાનિધિ મારન સાથે પારિવારિક સંબંધ ધરાવે છે.

આ ઉપરાંત રજનીકાંતના પત્ની લતા રજનીકાંત, પુત્રી ઐશ્વર્યા, નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન, કલાનિધિ મારન, કાવેરી મારન, દયાનિધિ મારન અને નિર્માતા એ.વી. સુરેશ પણ આ ઉજવણી માટે ગ્રીસ પહોંચ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

લોકોની નજરોથી દૂર રહેલી પ્રેમકથા

કાવ્યા અને અનિરુદ્ધે તેમના અંગત જીવન અને પ્રેમકથાને મોટાભાગે લોકોની નજરોથી દૂર રાખ્યા છે. તેઓ ક્યારે મળ્યા અને મિત્રતા પ્રેમમાં ક્યારે બદલાઈ તે વિશે કોઈ માહિતી નથી. વર્ષ 2025માં યુકે સ્થિત ટ્રાવેલ વ્લોગરે ન્યૂયોર્કની શેરીઓમાં આ બંનેને સાથે ચાલતા કેમેરામાં કેદ કર્યા, ત્યારે તેમના ડેટિંગની અટકળો શરૂ થઈ હતી. આ ફૂટેજ વાયરલ થઈ ગયું હતું. જૂન 2025માં અનિરુદ્ધે સોશિયલ મીડિયા 'X' પર આ અફવાઓને હળવાશથી નકારી કાઢતાં લખ્યું હતું કે, ‘લગ્ન ? હાહા… શાંત થઈ જાઓ મિત્રો. મહેરબાની કરીને અફવાઓ ફેલાવવાનું બંધ કરો.’

પરંતુ ઑક્ટોબર 2026માં જ્યારે કાવ્યાના માતા-પિતા (કલાનિધિ અને કાવેરી મારન) તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીને મળ્યા અને તેમને લગ્નના રિસેપ્શન માટે આમંત્રણ આપ્યું, ત્યારે આ સંબંધની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ.

ચેન્નાઈમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

ગ્રીસમાં લગ્ન બાદ હવે 21 નવેમ્બર 2026ના રોજ ચેન્નાઈની પ્રખ્યાત 'આઇટીસી ગ્રાન્ડ ચોલા' (ITC Grand Chola) હોટલમાં એક ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરાશે, જેમાં ફિલ્મ ઉદ્યોગ, રાજકારણ, બિઝનેસ અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

'3', 'જેલર', 'વિક્રમ', 'લિયો' અને 'જવાન' જેવી ફિલ્મોના લોકપ્રિય સંગીતકાર અનિરુદ્ધ તથા 'સન ગ્રૂપ'ના મીડિયા વ્યવસાયની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને 'સનરાઇઝર્સ હૈદરાબાદ'ની સહ-માલિક કાવ્યાના ‘સ્વમાન’ અને ‘સમાનતા’ સાથે થયેલા આ લગ્નએ સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.