Surat

પી.પી.સવાણી હોસ્ટેલમાં ‘ફૂડ પોઈઝનિંગ’ની ઘટનામાં પાલિકાને મોડી જાણ : કેન્ટીનમાંથી 10 નમૂના લેવાયા, નોટિસ સાથે એક લાખનો વહીવટી ખર્ચ વસૂલાયો

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતના પી.પી. સવાણી સ્કૂલની હોસ્ટેલમાં શનિવારે રાત્રે 88 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી, જેમાંથી 12ને હોસ્પિટલમાં દાખલ કરાયા. પાલિકાને મોડી જાણ કરાતા, રવિવારે કેન્ટીનની તપાસ કરી 10 નમૂના લેવાયા. મોડી જાણ બદલ સંસ્થાને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટનાથી સંસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પી.પી.સવાણી હોસ્ટેલમાં ‘ફૂડ પોઈઝનિંગ’ની ઘટનામાં પાલિકાને મોડી જાણ : કેન્ટીનમાંથી 10 નમૂના લેવાયા, નોટિસ સાથે એક લાખનો વહીવટી ખર્ચ વસૂલાયો

Surat News : સુરતના પી.પી. સવાણી સ્કૂલના 2200 જેટલા વિદ્યાર્થીઓ રહેતા હોસ્ટેલમાં શનિવારે રાત્રે 88 વિદ્યાર્થીઓની એકસાથે તબિયત લથડી અને 12 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છતાં પાલિકાના આરોગ્ય વિભાગને ઘટનાની જાણ તાત્કાલિક કરવામાં આવી ન હતી. ગંભીર ઘટનાને પગલે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ પણ પાલિકા સુધી માહિતી પહોંચતા રવિવાર થઈ ગયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ થયેલી હોવા છતાં આરોગ્ય તંત્રને સમયસર જાણ ન કરવી સંસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. ઘટનાની જાણ થતાં પાલિકાએ કેન્ટીનની તપાસ કરી 10 નમૂના લીધા હતા અને મોડી જાણ બદલ સંસ્થાને નોટિસ ફટકારી એક લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલ્યો છે.

3.jpg


સુરતના અબ્રામા ખાતે પી.પી સવાણી હોસ્ટેલમાં શનિવારે સાંજ બાદ એક પછી એક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદો શરૂ થઈ હતી. સ્થિતિ એવી બની હતી કે 88 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. તેમાંથી 12 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક આરોગ્ય તંત્રને જાણ કરી તપાસ અને જરૂરી તબીબી વ્યવસ્થા કરાવવી જરૂરી હતી, પરંતુ પાલિકાને આ અંગે રવિવારે જાણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકસાથે અસરગ્રસ્ત બન્યા બાદ પણ પાલિકાને મોડી જાણ થતાં આરોગ્ય વિભાગની તપાસ અને દેખરેખની કામગીરી ઘટનાના બીજા દિવસે શરૂ થઈ હતી. પાલિકાની મોબાઇલ ટીમે હોસ્પિટલ સાથે સંકલન કરી સારવાર હેઠળના વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
હોસ્ટેલમાં અન્ય કોઈ વિદ્યાર્થીને પણ તકલીફ થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઓ.પી.ડી. સેવા પણ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ઘટનાના પગલે તા.13 સપ્ટેમ્બરે પાલિકાના ઝોન અને ફૂડ વિભાગની ટીમ હોસ્ટેલની કેન્ટીનમાં પહોંચી હતી. ટીમે કેન્ટીનમાં રાખવામાં આવતી ખાદ્યસામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજિનની ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોના કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા. નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને તેના પરિણામ બાદ ખાદ્યસામગ્રીની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે.
સૌથી મહત્વની બાબત એ છે કે ઘટનાની જાણ પાલિકાના આરોગ્ય વિભાગને સમયસર ન કરવા બદલ સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાએ સંસ્થાને નોટિસ ફટકારીને એક લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલ્યો છે. એટલે કે 2200 જેટલા વિદ્યાર્થીઓ રહેતા હોસ્ટેલમાં એકસાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની તબિયત લથડવાની ઘટના બની હોવા છતાં આરોગ્ય વિભાગને મોડેથી જાણ કરવી પાલિકા તંત્રએ ગંભીરતાથી લીધી છે. હવે પાલિકાની નજર કેન્ટીનમાંથી લેવામાં આવેલા 10 નમૂનાના પરીક્ષણ અહેવાલ પર છે. જો નમૂનામાં કોઈ ખામી સામે આવશે તો નિયમ મુજબ વધુ કાર્યવાહી થઈ શકે છે. જોકે, નમૂનાના પરિણામ આવે તે પહેલાં વિદ્યાર્થીઓની તબિયત લથડવા પાછળનું ચોક્કસ કારણ નક્કી કરી શકાય તેમ નથી.