સુરતમાં મેયરની રાહમાં કતારગામનો 'સેવાસેતુ' કાર્યક્રમ અટક્યો : અંતે ધારાસભ્યોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સામાન્ય નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર જ ઝડપી ઉકેલ માટે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમના પ્રારંભે જ સુરત પાલિકાના વહીવટી અને રાજકીય સંકલન સામે સવાલો ઊભા થયા હતા. કતારગામના સિંગણપોર મલ્ટીપર્પઝ હોલ ખાતે સવારે 10 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ધારિત સમય હતો, પરંતુ મેયર માયા માવાણી સમયસર ન પહોંચતાં કર્મચારીઓ, લાભાર્થીઓ, કોર્પોરેટરો અને બંને ધારાસભ્યોને પણ તેમની રાહ જોવી પડી હતી. મેયર આવવામાં વધુ સમય લાગશે તેવી જાણ થયા બાદ કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા અને ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલરે દીપ પ્રાગટ્ય કરીને સેવાસેતુનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રજાલક્ષી કાર્યક્રમના પ્રારંભે જ સર્જાયેલી આ સ્થિતિ દિવસભર ચર્ચાનું કેન્દ્ર બની હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં સેવા સેતુની જાહેરાત કરવામાં આવી હતી અને 10 વાગ્યાનો સમય પણ જાહેર કરવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમ માટે પાલિકા કર્મચારીઓ સવારે 9 વાગ્યાની આસપાસ સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા અને ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલર પણ સવારે પોણા દસ વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા. કાર્યક્રમના નિર્ધારિત સમય સુધી મેયર ન પહોંચતાં હાજર સૌ તેમની રાહ જોતા રહ્યા હતા. મેયર કાર્યક્રમમાં આવી રહ્યા છે કે નહીં તે અંગે પ્રથમ ફોન કરવામાં આવ્યો હતો. મેયર માયા માવાણી આવી રહ્યા હોવાનું જણાવાતાં થોડો સમય વધુ રાહ જોવામાં આવી હતી. ત્યારબાદ પણ મેયર ન પહોંચતાં ફરી ફોન કરવામાં આવ્યો હતો. આ વખતે મેયરને આવવામાં હજુ સમય લાગશે તેમ જણાવ્યું હતું. પરિણામે વધુ રાહ જોવાને બદલે ધારાસભ્યો વિનોદ મોરડીયા અને કાંતિ બલરે દીપ પ્રાગટ્ય કરીને સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો.

મહત્વની બાબત એ હતી કે કાર્યક્રમને લઈને કોઈ રાજકીય વિવાદ ન થાય તે માટે સ્ટેજ તૈયાર ન કરવા અને ભાષણબાજી ન કરવાની સૂચના આપવામાં આવી હતી. સીધા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ છતાં પ્રારંભના સમયે જ મેયરની ગેરહાજરીને કારણે કાર્યક્રમ સ્થળે અનિશ્ચિતતા સર્જાઈ હતી.કાર્યક્રમ શરૂ થયા બાદ રાજકીય આગેવાનો અને અન્ય મહાનુભાવોએ નાસ્તો-પાણી કર્યા બાદ ગણતરીના સમયમાં સ્થળ છોડવાનું શરૂ કરી દીધું હતું. કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા જોકે થોડા કલાકો સુધી સ્થળ પર રહ્યા હતા. બીજી તરફ કેટલાક જવાબદાર અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હોવાનું જોવા મળ્યું હતું.સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્ય સરકારની લોક ઉપયોગી યોજનાઓ અને વિવિધ સેવાઓનો લાભ લોકોને એક જ સ્થળે મળી રહે તેમજ પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તેવો છે. આવા પ્રજાલક્ષી કાર્યક્રમના પ્રારંભ સમયે જ મેયરની ગેરહાજરીને લઈને હવે ચર્ચા શરૂ થઈ છે.

ખાસ કરીને કાર્યક્રમ માટે મેયરની રાહ જોવડાવવામાં આવી અને અંતે ધારાસભ્યોએ પ્રારંભ કરવો પડ્યો તે બાબત રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની છે. લોકોમાં પણ સવાલ ઉઠ્યો હતો કે સામાન્ય લોકો સાથે સીધો જોડાયેલો સેવાસેતુ કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થવાનો હોવા છતાં મેયર સમયસર કેમ ન પહોંચી શક્યા અને તેમને આવવામાં એવો તો કયો કાર્યક્રમ નડ્યો કે સેવાસેતુના પ્રારંભમાં હાજર રહી શકાયું નહીં. ધારાસભ્યોને પણ લાંબો સમય રાહ જોવી પડી તે બાબતે પાલિકાના રાજકીય સંકલન સામે ચર્ચા વધુ તેજ બની છે. આ ઉપરાંત એવા સવાલ ઉઠી રહ્યો છે કે પ્રજાના સીધા પ્રશ્નો સાથે જોડાયેલા સેવાસેતુના પ્રારંભ માટે મેયર પાસે સમય ન હતો તો એવો કયો અન્ય કાર્યક્રમ હતો, જેના કારણે તેઓ અહીં સમયસર હાજર રહી શક્યા નહીં? પ્રજાલક્ષી કાર્યક્રમ કરતાં અન્ય કાર્યક્રમને પ્રાધાન્ય મળ્યું હોવાની ચર્ચાએ પાલિકાના વર્તુળોમાં પણ સવાલો ઊભા કર્યા છે.




