જન્માષ્ટમી પહેલાં સુરતમાં કાન્હાના ‘મેકઅપ પાર્લર’ ધમધમ્યાં : લાલાને પણ હવે મેકઅપનો શોખ! સુરતમાં કાન્હાના શણગાર માટે આર્ટિસ્ટો પાસે ધસારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Janmashtami Special : જન્માષ્ટમી નજીક આવતાં સુરતમાં કાન્હાના ‘મેકઅપ પાર્લર’ જાણે ધમધમી ઊઠ્યાં છે! શુભ પ્રસંગે જેમ મહિલાઓ-પુરુષો શણગાર માટે પાર્લરમાં પહોંચે છે, તેમ હવે ભક્તોના ઘરના મંદિરમાં બિરાજતા લાલા પણ સજીધજીને જન્માષ્ટમી ઉજવવા તૈયાર થઈ રહ્યા છે. ક્યાંક કાન્હાની આંખોમાં નટખટપણું પેઇન્ટિંગથી ઉતારવામાં આવી રહ્યું છે, તો ક્યાંક કાજળ, વાળ અને કપાળે તિલકની બારીક કારીગરી થઈ રહી છે. ગળામાં હારની આભા પણ પીછીની એક-એક લકીરથી ઉપસાવવામાં આવી રહી છે. પીછીની કળાથી પ્રતિમાને જાણે જીવંત સ્વરૂપ આપતા આ કલાકારો માટે આ માત્ર કામ કે કમાણી નથી, પરંતુ ‘લાલાની સેવા’નો ભાવ છે. જન્માષ્ટમી પહેલાં કાન્હાના શણગારનો વધતો ક્રેઝ કલાકારોની ભક્તિ સાથે તેમની રોજીરોટીનું પણ કારણ બની રહ્યો છે.
સુરતના મોટા ભાગના હિન્દુ પરિવારોના ઘરમાં ઘરમંદિર હોય છે. તેમાં ઇષ્ટદેવ અને કુળદેવીની સાથે ભગવાન શ્રીકૃષ્ણની નાની પ્રતિમા પણ વર્ષોથી પૂજાતી આવી છે. જન્માષ્ટમીના પર્વે આ લાલાને વિશેષ રીતે શણગારવાની પરંપરા છે. જોકે હવે આ શણગાર માત્ર કપડાં, આભૂષણ કે ફૂલહાર પૂરતો રહ્યો નથી. ભક્તો પોતાના ઘરના લાલાની પ્રતિમા આર્ટિસ્ટો પાસે લઈ જઈને ચહેરા પર બારીક પેઇન્ટિંગ કરાવી રહ્યા છે. આર્ટિસ્ટો સૌપ્રથમ પ્રતિમાના સ્વરૂપ અને કદને ધ્યાનમાં રાખીને ચહેરાની રચના કરે છે. ત્યારબાદ આંખોની કારીગરી પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આંખોમાં યોગ્ય આકાર અને ભાવ આવે તે માટે પાતળી પીછીથી પેઇન્ટિંગ કરવામાં આવે છે. કાજળની રેખા, વાળની લટ, કપાળે તિલક અને ગળામાં હારની બારીક ડિઝાઇન પણ રંગોથી ઉપસાવવામાં આવે છે. આ નાનકડી-નાનકડી વિગતોના કારણે સામાન્ય પ્રતિમા પણ શણગાર બાદ વધુ આકર્ષક અને જાણે જીવંત દેખાવા લાગે છે.
પાલનપોર વિસ્તારમાં રહેતા સુરેશ કોરપે શ્રીજીની પ્રતિમા બનાવવાની સાથે આ દિવસોમાં કાન્હાની પ્રતિમાના શણગારમાં પણ વ્યસ્ત છે. તેઓના જણાવ્યા મુજબ, અગાઉ લોકો ભગવાનની પ્રતિમા પર આ પ્રકારનું પેઇન્ટિંગ કરાવવામાં અચકાતા હતા. ભગવાનની પ્રતિમાને રંગ-રોગાન કરાવવો યોગ્ય ગણાય કે નહીં તે અંગે પણ કેટલાક લોકો સંકોચ અનુભવતા હતા. જોકે કલાકારો પ્રતિમાની પવિત્રતા અને સ્વરૂપને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક શણગાર કરતા હોવાનો અનુભવ થયા બાદ હવે દર વર્ષે વધુ લોકો પોતાની પ્રતિમા લઈને આવી રહ્યા છે.
સુરેશ કોરપે કહે છે કે, “અમે ભગવાનની પ્રતિમાને સામાન્ય પેઇન્ટિંગની જેમ નથી જોતા. પ્રતિમાનું સ્વરૂપ જળવાઈ રહે અને કાન્હાના ચહેરા પર ભાવ ઊભરી આવે તેનું ધ્યાન રાખીએ છીએ. એક-એક આંખ અને તિલકમાં ખૂબ જ બારીક કામ કરવું પડે છે. જ્યારે શણગાર બાદ ભક્તોના ચહેરા પર સંતોષ જોવા મળે છે ત્યારે અમને પણ આનંદ થાય છે.”
મોટા વરાછા વિસ્તારમાં રહેતાં મનીષાબેન વાઘાણી પણ છેલ્લા ચાર વર્ષથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાનો શણગાર કરી રહ્યાં છે. શરૂઆતમાં તેમણે પોતાના ઘરના લાલાની પ્રતિમાનો શણગાર કર્યો હતો. ત્યાર બાદ તેમની કળાની જાણ થતાં અન્ય લોકો પણ પોતાની કાન્હાની પ્રતિમા લઈને તેમની પાસે આવવા લાગ્યા. કોઈ વિશેષ કોર્સ કે તાલીમ લીધા વિના માત્ર રસ અને અભ્યાસથી તેમણે આ કળા વિકસાવી છે.
મનીષાબેન કહે છે, “પહેલા તો મારા ઘરના લાલાનો શણગાર કરતી હતી. ધીમે ધીમે બીજા લોકોની પ્રતિમા પણ આવવા લાગી. ભગવાનની પ્રતિમા પર કામ કરતી વખતે મનમાં અલગ જ ભાવ હોય છે. આ માત્ર પેઇન્ટિંગ નથી લાગતું, જાણે લાલાની સેવા કરી રહ્યાં હોઈએ તેવું લાગે છે. હું આ કળા માટે રાધારાણીની કૃપા માનું છું. ભગવાનની કૃપાથી ભક્તિ સાથે રોજીરોટી પણ મળી રહી છે.”
જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં આવા કલાકારો પાસે કાન્હાની પ્રતિમા લઈને પહોંચતા ભક્તોની સંખ્યા વધી રહી છે. કેટલાક ભક્તો વર્ષોથી પોતાના લાલાનો શણગાર કરાવતા આવ્યા છે, જ્યારે કેટલાક પરિવારો આ વર્ષે પ્રથમ વખત કાન્હાની પ્રતિમાને પેઇન્ટિંગથી નવું સ્વરૂપ અપાવી રહ્યા છે. આમ, જન્માષ્ટમી પહેલાં સુરતમાં એક તરફ ઘરના મંદિરોમાં લાલાને સજાવવાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ આ અનોખી કળા અનેક કલાકારો માટે ભક્તિની સાથે રોજગારીનું સાધન પણ બની રહી છે.
કાન્હાની આંખમાં ‘ભાવ’ શોધે છે ભક્તો!
ઘરના મંદિરમાં વર્ષોથી બિરાજતા લાલાને જન્માષ્ટમી પહેલા નવું રૂપ આપવાની ભક્તોમાં જાણે હોડ લાગી છે. કોઈને કાન્હાની આંખો વધુ મોટી અને આકર્ષક જોઈએ છે તો કોઈને નટખટ ભાવ ગમે છે. કોઈ તિલકને ખાસ ડિઝાઇનમાં કરાવે છે તો કોઈ ગળાના હારને પેઇન્ટિંગ થી જ ઉપસાવે છે. આર્ટિસ્ટ માટે પડકાર માત્ર સુંદર ચહેરો બનાવવાનો નહીં, પરંતુ ભક્તને ગમે તેવો ‘કાન્હાનો ભાવ’ પ્રતિમાના ચહેરા પર ઉતારવાનો હોય છે.
કાન્હાની આંખ’માં જ આખું કામ!
કાન્હાની પ્રતિમાના શણગારમાં સૌથી નાજુક અને મહત્વનું કામ આંખોનું પેઇન્ટિંગ ગણાય છે. પ્રતિમા નાની હોવાથી પીંછીથી આંખની આકૃતિ, કાજળ અને આંખોમાં ભાવ ઉપસાવવાનું કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવું પડે છે. આંખનો આકાર થોડો પણ બદલાય તો પ્રતિમાના સમગ્ર ચહેરાનો દેખાવ બદલાઈ શકે છે. તેથી કલાકારો પાતળી પીછીનો ઉપયોગ કરી ધીમે-ધીમે આંખોને આકાર આપે છે. ત્યારબાદ કાજળ, ભ્રમર, તિલક અને વાળની બારીકીઓ કરવામાં આવે છે. અંતે ગળાના હાર સહિતના શણગારને રંગોથી ઉપસાવી કાન્હાને મનમોહક સ્વરૂપ આપવામાં આવે છે. આથી જ આ કામમાં કલાકારની પેઇન્ટિંગની કુશળતા જેટલો જ ભક્તિભાવ પણ જરૂરી બને છે.
નાનકડા કાન્હાના માથે પાઘડી બાંધવી પણ નાની વાત નથી!
કાન્હાની નાનકડી પ્રતિમાને સજાવતી વખતે માત્ર આંખ-કાજળ અને તિલક જ નહીં, માથે બાંધવામાં આવતી પાઘડી પણ શણગારનો મહત્વનો હિસ્સો બની છે. ખાસ વાત એ છે કે નાનકડા લાલાના માથાના માપ પ્રમાણે પાઘડી તૈયાર કરી તેને યોગ્ય રીતે બાંધવાની કળા પણ હવે સુરતની મહિલાઓ નિપુણતાથી કરી રહી છે. જન્માષ્ટમી પહેલા મહિલાઓ કાન્હા માટે અલગ-અલગ ડિઝાઇન, રંગ અને આકારની પાઘડીઓ તૈયાર કરી રહી છે. નાની પ્રતિમા માટે નાની પાઘડી તૈયાર કરવી અને તેને માથે એવી રીતે બાંધવી કે કાન્હાના ચહેરા સાથે તેનો તાલમેલ બેસે, એ પણ એક આગવી કારીગરી છે. કોઈ પાઘડીમાં મોરપિચ્છનો સ્પર્શ હોય છે તો કોઈમાં મોતી, ઝરી, ગોટા અને વિવિધ આભૂષણોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રતિમા નાની હોવાથી પાઘડીનું કાપડ, ગાંઠ અને શણગાર પણ ખૂબ જ ઝીણવટથી કરવો પડે છે.




