Surat

સુરતની ગૃહિણીઓએ ઘરમાં બનાવેલા કાન્હાના વાઘાની વિદેશમાં ડિમાન્ડ : સોશિયલ મીડિયાએ સાત સમુદ્ર પાર પહોંચાડ્યા

By GS Team
24 Aug 20264 mins read
TukuTouch Logo
જન્માષ્ટમી પૂર્વે સુરતમાં કાન્હાના વાઘાની ખરીદી તેજ બની છે. પુણા અને કતારગામની 2 ગૃહિણીઓએ સોશિયલ મીડિયા થકી પોતાના હાથથી બનાવેલા વાઘાનો વ્યવસાય શરૂ કર્યો છે. આજે તેમના વાઘા અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયા સહિત 7 દેશોમાં પહોંચી રહ્યા છે. ગૃહિણીઓની કલા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતની ગૃહિણીઓએ ઘરમાં બનાવેલા કાન્હાના વાઘાની વિદેશમાં ડિમાન્ડ : સોશિયલ મીડિયાએ સાત સમુદ્ર પાર પહોંચાડ્યા

Surat News : જન્માષ્ટમી નજીક આવતાં સુરતમાં કાન્હાના વાઘાની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. કાન્હાને શણગારવા માટે એકથી એક આકર્ષક ડિઝાઈનના વાઘા બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ સુરતની ગૃહિણીઓના હાથની કારીગરી હવે માત્ર સુરત કે દેશના બજાર પૂરતી સીમિત રહી નથી. પુણા અને કતારગામની બે ગૃહિણીઓએ ઘરના મંદિરમાં કાન્હાના વાઘા બનાવવાથી શરૂ કરેલી સફરને સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યવસાયનું સ્વરૂપ આપ્યું છે અને આજે તેમના હાથના બનાવેલા વાઘાની માંગ અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, લંડન સહિત વિદેશના અનેક દેશોમાંથી આવી રહી છે. એક તરફ પરિવારની આર્થિક મુશ્કેલીમાં ગૃહિણીએ હાર ન માનીને કાન્હાના વાઘાને આવકનું સાધન બનાવ્યું, તો બીજી તરફ પોતાની કળાને ઓનલાઇન પ્લેટફોર્મ મળતાં બંને મહિલાની મહેનત હવે સાત સમુદ્ર પાર કાન્હાના શણગારમાં પહોંચી રહી છે.
જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ભગવાનના વાઘાના બજારમાં તેજી જોવા મળી રહી છે. કાન્હાને શણગારવા માટે પરંપરાગતથી લઈને ડિઝાઈનર અને આકર્ષક વાઘાની વિવિધ રેન્જ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે સુરતમાં ગૃહિણીઓ દ્વારા હાથથી તૈયાર કરવામાં આવતા કાન્હાના વાઘાની માંગ હવે માત્ર સ્થાનિક બજાર કે દેશના અન્ય શહેરો પૂરતી રહી નથી, પરંતુ વિદેશી ભક્તો પણ સુરતની આ કારીગરી પસંદ કરી રહ્યા છે.

6.jpg


પુણા ગામના હસ્તીનાપુર વિસ્તારમાં રહેતા નીતા સાવલિયાની વાત કરીએ તો કોરોના કાળ બાદ તેમના પરિવાર સામે આર્થિક મુશ્કેલી ઊભી થઈ હતી. સમય જતાં તેમણે કાન્હાના વાઘામાં નવી ડિઝાઈન અને અલગ-અલગ પૅટર્ન તૈયાર કરવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના બનાવેલા વાઘાની તસવીરો લોકો સુધી પહોંચવા લાગી અને ધીમે ધીમે વિદેશમાંથી પણ ઓર્ડર મળવા લાગ્યા. નીતા સાવલિયાના જણાવ્યા મુજબ અમેરિકા અને કેનેડામાં તેમના વાઘાની સારી માંગ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, લંડન અને આફ્રિકા જેવા દેશોમાંથી પણ વાઘાના ઓર્ડર મળ્યા છે. વિદેશમાં રહેતા ભક્તોને સુરતના વાઘા ખાસ પસંદ પડવાનું કારણ તેમની નવી ડિઝાઈન અને ગુણવત્તા છે. વિદેશી ગ્રાહકો સામાન્ય રીતે સિમ્પલ, સોબર અને રિચ લુક ધરાવતા વાઘા પસંદ કરે છે, જ્યારે કેટલાક ભક્તો ભરચક ડિઝાઈનના વાઘા પણ પસંદ કરે છે. ખાસ વાત એ છે કે વાઘાની કિંમત ભારતમાં જેટલી જ રાખવામાં આવે છે અને પાર્સલનો ખર્ચ ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવે છે. જેના કારણે વિદેશમાં રહેતા ભક્તોને સ્થાનિક બજારની સરખામણીમાં સારી ગુણવત્તાના વાઘા વધુ સસ્તા ભાવે મળી રહે છે.
બીજી તરફ કતારગામ વિસ્તારમાં રહેતી પીંકી બ્રહ્મભટ્ટ મૂળ ઉત્તર ગુજરાતના છે. તેમણે શરૂઆતમાં પોતાના ઘરના મંદિર માટે લાલાના વાઘા બનાવવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકો તેમના બનાવેલા વાઘા જોઈને ઓર્ડર આપવા લાગ્યા અને આ રીતે શોખ ધીમે ધીમે વ્યવસાયમાં ફેરવાઈ ગયો. છેલ્લા ચાર વર્ષથી તેઓ ભગવાનના વાઘાને આજીવિકાનું સાધન બનાવી રહ્યા છે. પીંકી બ્રહ્મભટ્ટે પણ સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાના બનાવેલા વાઘાની તસવીરો ઓનલાઈન મૂકવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ વિદેશમાંથી ઓર્ડર મળવા લાગ્યા. છેલ્લા બે વર્ષથી અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને લંડનથી લોકો તેમના બનાવેલા કાન્હાના વાઘા મંગાવી રહ્યા છે. ખાસ કરીને જન્માષ્ટમી પહેલાં ઓર્ડરની સંખ્યા વધી જાય છે, જેના કારણે આ સમયગાળો તેમના માટે વધારાની આવક મેળવવાનો મહત્વનો સમય બની રહે છે. પીંકીના આ કામમાં તેમની માતા જ્યોત્સનાબેન બ્રહ્મભટ્ટ પણ મદદ કરે છે. માતા-દીકરીની મહેનતથી હવે લાલજીના વાઘા બનાવવાનો વ્યવસાય પરિવારના બિઝનેસમાં ફેરવાઈ ગયો છે. આમ, સુરતની બે ગૃહિણીઓએ પોતાના ઘરના કાન્હા માટે શરૂ કરેલી નાનકડી કારીગરીને સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યવસાયમાં ફેરવી છે અને આજે તેમના હાથના બનાવેલા વાઘા દેશની સીમા વટાવીને સાત સમુદ્ર પાર રહેતા કાન્હાભક્તોને શણગારી રહ્યા છે.
દુકાન નહીં, મોબાઇલ બન્યો દુકાનનો શો-રૂમ : સોશિયલ મીડિયા પર વાઘાની તસવીર મૂકતા જ વિદેશથી ઓર્ડર : ઘરેથી ચાલે છે સુરતી ગૃહિણીઓનો વ્યવસાય
પુણાની નીતા સાવલિયા અને કતારગામની પીંકી બ્રહ્મભટ્ટે કાન્હાના શણગાર માટે પોતાના ઘરમાંથી શરૂ કરેલી કારીગરીને ધીમે ધીમે વ્યવસાયમાં ફેરવી. ખાસ વાત એ છે કે બંનેએ દુકાન કે મોટું રોકાણ કર્યા વગર સોશિયલ મીડિયાને પોતાનું બજાર બનાવ્યું. આજે મોબાઇલમાં મૂકેલી વાઘાની તસવીર વિદેશી ભક્તો સુધી પહોંચે છે અને ઓર્ડર સુરતના ઘરના દરવાજે આવી પહોંચે છે. આમ, જે કારીગરી એક સમયે માત્ર ઘરના કાન્હા પૂરતી હતી તે હવે વિદેશી કાન્હા સુધી પહોંચી છે.