Surat

સુરત: માત્ર 6 કલાકમાં રેલવે ટ્રેક કાપીને દેશનો પહેલો હાઈટેક સ્ટીલ અંડરપાસ બનાવાશે! ગોઠવાશે રેડીમેડ ટનલ

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત 'સ્ટીલ આર્ચ ટેકનોલોજી' આધારિત પદયાત્રી અંડરપાસ બની રહ્યો છે. પશ્ચિમ રેલવે અને L&T દ્વારા સંયુક્ત રીતે વિકસાવેલો આ પ્રોજેક્ટ માત્ર 6 કલાકમાં પૂર્ણ થશે. 10 મીટરનો ટ્રેક હટાવી, ખાડો ખોદી, ફેક્ટરીમાં તૈયાર સ્ટીલ ટનલ ક્રેનથી ફિટ કરાશે, જે મુસાફરો માટે સુરક્ષિત માર્ગ પૂરો પાડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: માત્ર 6 કલાકમાં રેલવે ટ્રેક કાપીને દેશનો પહેલો હાઈટેક સ્ટીલ અંડરપાસ બનાવાશે! ગોઠવાશે રેડીમેડ ટનલ

Surat Railway Underpass Infrastructure: ભારતીય રેલવેના ઈતિહાસમાં ટેકનોલોજી અને અદભુત એન્જિનિયરિંગનો એક અનોખો ચમત્કાર સુરતના આંગણે આકાર લઈ રહ્યો છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા સુરતના અત્યંત ધમધમતા ઉધના રેલવે સ્ટેશન ખાતે દેશનો સૌથી પહેલો 'સ્ટીલ આર્ચ ટેકનોલોજી' આધારિત પદયાત્રી અંડરપાસ (પેડેસ્ટ્રિયન સબવે) બનાવવાની ઐતિહાસિક કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે, જે કામ પૂર્ણ કરવામાં મહિનાઓનો સમય નીકળી જતો હોય છે, તે કામ અહીં રેલવે તંત્ર અને L&T (લાર્સન એન્ડ ટુબ્રો)ની ટીમ દ્વારા માત્ર 6 કલાકના રેકોર્ડબ્રેક સમયમાં જ પૂરું કરવામાં આવશે.

શું છે આ પ્રોજેક્ટ અને તેની ખાસિયત?
આ કોઈ સામાન્ય બાંધકામ નથી, પરંતુ ભારતીય રેલવે અને દેશની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની L&T વચ્ચેના સંયુક્ત સંશોધન (R&D)નું એક અદભુત પરિણામ છે. રેલવેના ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોની ગતિ પ્રભાવિત ન થાય અને મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ હાઈટેક પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ અંડરપાસ બની જવાથી ઉધના સ્ટેશન પરથી પસાર થતા રોજના લાખો મુસાફરોને મોટો ફાયદો થશે.

WhatsApp Image 2026-07-17 at 3.50.20 PM.jpeg

6 કલાકની અંદર ઓપરેશન કેવી રીતે પાર પડાશે?
પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળના ડીઆરએમ (DRM) પંકજસિંહે આ પ્રોજેક્ટની ચોંકાવનારી ટેકનિકલ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, આ કામગીરી માટે બપોરે 12:00 થી સાંજના 6:00 વાગ્યા સુધીનો એક શોર્ટ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

WhatsApp Image 2026-07-17 at 5.52.55 PM.jpeg

આ 6 કલાક દરમિયાન-

  • ચાલુ ટ્રેકમાંથી બરાબર 10 મીટરનો આખો રેલવે ટ્રેક કાપીને બાજુ પર ખસેડી લેવાશે.
  • ત્યારબાદ જેસીબી અને આધુનિક હાઈટેક મશીનરીની મદદથી ગણતરીની મિનિટોમાં મોટો ખાડો ખોદવામાં આવશે.
  • આ ખાડામાં ફેક્ટરીમાંથી અગાઉથી જ આખી તૈયાર કરીને લાવવામાં આવેલી ગોળાકાર સ્ટીલની ટનલ (આર્ચ)ને ક્રેન વડે સીધી જ ફિટ કરી દેવામાં આવશે.
  • આ ટનલ ગોઠવાઈ ગયા બાદ તુરંત જ માટી પુરાણ કરી તેના પર ફરીથી રેલવે ટ્રેક ગોઠવી દઈ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરી દેવાશે.
WhatsApp Image 2026-07-17 at 5.52.56 PM (1).jpeg

L&Tના નિષ્ણાતોએ તૈયાર કરી ખાસ ડિઝાઇન

આ ક્રાંતિકારી પ્રયોગની સફળતા ચકાસવા માટે ભારતીય રેલવે મંત્રાલય દ્વારા દેશભરમાંથી સુરતના ઉધના સ્ટેશનની ખાસ પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના ડિઝાઇનિંગથી લઈને છેક એક્ઝિક્યુશન સુધીની તમામ જવાબદારી દિગ્ગજ કંપની L&Tને સોંપાઈ છે. L&Tના દેશના શ્રેષ્ઠ એન્જિનિયરો અને મેટલ એક્સપર્ટ્સની ટીમે રાત-દિવસ એક કરીને આ અત્યાધુનિક સ્ટીલ આર્ચ સબવેનું મોડેલ તૈયાર કર્યું છે. રેલવેના ઈતિહાસમાં માઈલસ્ટોન બનનારા આ શક્તિશાળી પ્રોજેક્ટને પ્રત્યક્ષ નિહાળવા માટે હાલ રેલવે બોર્ડ અને L&Tના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો સુરત ખાતે આવી પહોંચ્યો છે.