Surat

મતાધિકારના રક્ષણ માટે ઇન્ડિયા ગઠબંધનની રેલી : સુરતમાં 8મીએ ‘લોકશાહી બચાવો, મતાધિકાર બચાવો’ના નારા સાથે જનરેલી

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં 'વોટ ચોરી' અને મતદાર યાદીમાં ગેરરીતિના મુદ્દે INDIA ગઠબંધન 8 ઑક્ટોબરે જનરેલી યોજશે. સવારે 10 વાગ્યે વનિતા વિશ્રામથી શરૂ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી, કલમ 326નું પઠન કરી આવેદનપત્ર અપાશે. AAP અને BSP પણ રેલીને સમર્થન આપશે. લોકશાહી અને મતાધિકારના રક્ષણ માટે નાગરિકોને જોડાવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મતાધિકારના રક્ષણ માટે ઇન્ડિયા ગઠબંધનની રેલી : સુરતમાં 8મીએ ‘લોકશાહી બચાવો, મતાધિકાર બચાવો’ના નારા સાથે જનરેલી

Surat News : ‘વોટ ચોરી’ના આક્ષેપો અને મતદાર યાદીમાં અનિયમિતતાના મુદ્દે દેશભરમાં ચાલી રહેલા વિરોધના પડઘા સુરતમાં પણ સંભળાશે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતાધિકારના રક્ષણની માંગ સાથે ઇન્ડિયા ગઠબંધન 8 ઑક્ટોબરે જનરેલી યોજશે. વનિતા વિશ્રામથી શરૂ થનારી રેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ કલમ 326નું પઠન કરી આવેદનપત્ર આપવામાં આવશે. પત્રકાર પરિષદમાં આપ અને બસપા પણ રેલીના સમર્થનમાં જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં રેલીની વિગતો જાહેર કરવામાં આવી હતી.

આગેવાનોએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નાગરિકોના મતાધિકારના રક્ષણની માંગ સાથે 8 ઑક્ટોબરે સવારે 10 વાગ્યે વનિતા વિશ્રામથી જનરેલી પ્રસ્થાન કરશે. રેલી વિવિધ માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે. કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રગીત બાદ બંધારણની કલમ 326નું પઠન કરવામાં આવશે. ત્યારબાદ ગઠબંધનના પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતાધિકારના રક્ષણ અંગે રજૂઆત કરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં કોંગ્રેસ, સીપીઆઇ, એનસીપી અને સીપીએમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને બસપા પણ રેલીને સમર્થન આપશે તેવી માહિતી આપવામાં આવી હતી. આ આયોજનના સંદર્ભે કોંગ્રેસ, સીપીઆઇ, એનસીપી અને સીપીએમ સહિતના પક્ષોના અગ્રણીઓએ સુરતના લોકશાહીપ્રેમી નાગરિકો, યુવાનો અને મહિલાઓને 'લોકશાહી બચાવો મતાધિકાર બચાવો'ના સંકલ્પ સાથે 8 ઑક્ટોબરે સવારે 10:00 કલાકે વનિતા વિશ્રામ ખાતે એકત્રિત થઈને આ રેલીમાં સક્રિયપણે સહભાગી બનવા અનુરોધ કર્યો છે.