Surat

સુરતના કોટ વિસ્તારમાં લોકમાન્ય ટિળકના લોકજાગૃતિના વિચારને સેવાનું સ્વરૂપ : ગણેશ મંડળોનો વિધવાઓને સહાય અને રાશન કીટ પહોંચાડવાનો સંકલ્પ

By GS Team
23 Sep 20264 mins read
TukuTouch Logo
સુરતના કોટ વિસ્તારમાં રાણા સમાજના યુવા સંગઠને ગણેશોત્સવને ધર્મ અને સેવાનો સંગમ બનાવ્યો છે. ગણેશ મંડળો પાસેથી ₹1000ની સહાય એકત્ર કરીને, હાલ 150 જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને દર મહિને રાશન કીટ પહોંચાડવામાં આવી રહી છે. આ પહેલથી ઉત્સવની ભવ્યતા સાથે સમાજ પ્રત્યેની જવાબદારીનો સંદેશ અપાયો છે, જેનો વ્યાપ હવે 250 મહિલાઓ સુધી વધારવાનો લક્ષ્યાંક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના કોટ વિસ્તારમાં લોકમાન્ય ટિળકના લોકજાગૃતિના વિચારને સેવાનું સ્વરૂપ : ગણેશ મંડળોનો વિધવાઓને સહાય અને રાશન કીટ પહોંચાડવાનો સંકલ્પ

Surat Ganeshotsav : લોકમાન્ય ટિળકે ગણેશોત્સવને માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રાખી લોકજાગૃતિ અને સમાજમાં એકતાની ભાવના જગાવવાના હેતુથી તેને જાહેર ઉત્સવનું સ્વરૂપ આપ્યું હતું. સુરતના કોટ વિસ્તારમાં રાણા સમાજના યુવા સંગઠને આ વિચારને એક કદમ આગળ લઈ જઈ ધર્મ અને સેવાનો સંગમ સર્જવાનો પ્રયાસ કર્યો છે. ગણેશોત્સવમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય ત્યારે સમાજના ગણેશ મંડળો પાસેથી માત્ર એક હજારની સહાય એકત્ર કરી સમાજની જરૂરિયાતમંદ વિધવા મહિલાઓ માટે દર મહિને રાશન કીટ પહોંચાડવાનો સંકલ્પ લેવાયો છે. હાલ 150 વિધવા મહિલાઓને રાશન કીટ આપવામાં આવી રહી છે અને ફંડ વધે તેમ વધુ જરૂરિયાતમંદ મહિલાઓને સહાય પહોંચાડવાની કવાયત હાથ ધરાઈ છે. ઉત્સવની ભવ્યતા સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નો સંદેશ આપતી આ પહેલને કોટ વિસ્તારના અનેક ગણેશ મંડળોનો પ્રતિસાદ મળી રહ્યો છે.
સુરતના કોટ વિસ્તારમાં નવાપુરા, ગોલવાડ, મહિધરપુરા સહિતના વિસ્તારોમાં રાણા સમાજ દ્વારા દર વર્ષે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના, શણગાર અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ઉત્સવ પાછળ મોટી રકમનો ખર્ચ થાય છે. આવી ભવ્ય ઉજવણીની સાથે સમાજના જરૂરિયાતમંદ વર્ગ માટે પણ કંઈક કરવામાં આવે તે વિચાર રાણા યુવક સમાજ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો છે.
રાણા યુવક સમાજના પ્રમુખ નિખિલ રાણાના જણાવ્યા મુજબ, સમાજની જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને દર મહિને રાશન કીટ આપવામાં આવે છે. અત્યાર સુધી 150 મહિલાઓને આ સેવાનો લાભ મળી રહ્યો છે. સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવે છે. જોકે, સમાજમાં હજુ અનેક વિધવા મહિલાઓ એવી છે કે જેમને નિયમિત સહાયની જરૂરિયાત છે. સામે ફંડ મર્યાદિત હોવાથી વધુ મહિલાઓ સુધી સેવા પહોંચાડવામાં મુશ્કેલી પડતી હતી.
આથી ગણેશોત્સવને સેવા સાથે જોડવાનો વિચાર કરવામાં આવ્યો હતો. સમાજના દરેક ગણેશ મંડળ પાસેથી માત્ર એક હજારની સહાય લેવામાં આવે તો પણ મોટી રકમ એકત્ર થઈ શકે અને તેનો ઉપયોગ સમાજની જ જરૂરિયાતમંદ મહિલાઓ માટે થઈ શકે તેવો વિચાર રજૂ કરાયો હતો. આ પહેલને અનેક ગણેશ મંડળોએ આવકારી સહયોગ આપવાનું શરૂ કર્યું છે. ગણેશોત્સવ દરમિયાન મળેલા દાનથી હવે સેવા કાર્યનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. હાલ 150 મહિલાઓને દર મહિને રાશન કીટ આપવામાં આવે છે, પરંતુ મંડળો અને સમાજના દાતાઓ તરફથી મળતા સહયોગને કારણે હવે વધુ 100 મહિલાઓને આ સેવામાં જોડીને કુલ 250 જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને નિયમિત રાશન કીટ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આમ, ગણેશોત્સવની ઉજવણીમાંથી મળેલી સહાય સીધી સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ સુધી પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પહેલ માત્ર એક વખતની સહાય પૂરતી સીમિત ન રહે તે માટે દર મહિને રાશન કીટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે ગણેશોત્સવ દરમિયાન કરવામાં આવતું દાન વર્ષભર સમાજની મહિલાઓને સહારો આપતું રહેશે. એક તરફ ગણેશજીની આરાધના અને બીજી તરફ જરૂરિયાતમંદ મહિલાઓની સેવા આ બંને પ્રવૃત્તિઓને સાથે જોડવાનો પ્રયાસ રાણા સમાજના ગણેશોત્સવને સામાજિક જવાબદારીનું નવું સ્વરૂપ આપી રહ્યો છે.
ધર્મ સાથે સેવાનો વિચાર વધુ મંડળો સુધી પહોંચે તે જરૂરી’
કોટ વિસ્તારના વડવાળી શેરીના શ્રી સ્વામી સમર્થ ગણેશ મંડળના રવિ રાણાએ રાણા યુવક સમાજ દ્વારા રજૂ કરવામાં આવેલા વિધવા સહાયના વિચારને આવકાર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો તો કરવામાં આવે જ છે, પરંતુ તેની સાથે સમાજના જરૂરિયાતમંદ લોકો માટે કંઈક કરવાની ભાવના પણ હોવી જોઈએ. રવિ રાણાએ જણાવ્યું હતું કે, રાણા યુવા સમાજ દ્વારા ગણેશ મંડળો પાસેથી વિધવા મહિલાઓની સહાય માટે રૂ. 1 હજારનું યોગદાન લેવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો, જે મહત્વપૂર્ણ અને આવકારદાયક છે. તેમના મંડળે પણ આ વિચારને સ્વીકારી સહયોગ આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર એક મંડળ કે એક સંગઠન પૂરતું આ કાર્ય સીમિત ન રહે, પરંતુ રાણા સમાજના વધુમાં વધુ ગણેશ મંડળો આ વિચાર અપનાવે તે માટે પ્રયાસ થવો જોઈએ. ગણેશોત્સવમાં શ્રદ્ધા સાથે સેવા જોડાય તો ઉત્સવનો સામાજિક સંદેશ વધુ વ્યાપક બની શકે છે. સમાજની વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓને નિયમિત સહાય મળી રહે તે માટે અન્ય મંડળો પણ આગળ આવે તે જરૂરી છે. રવિ રાણાના મતે, ગણેશોત્સવ દરમિયાન થતી ઉજવણીની સાથે સમાજના લોકો માટે ઉપયોગી બને તેવા સેવા કાર્યને પ્રોત્સાહન આપવાથી યુવા પેઢીમાં પણ સામાજિક જવાબદારીની ભાવના વિકસશે.