સુરતમાં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું : ‘આપ’ના કોર્પોરેટરના સસ્પેન્શન બાદ વિપક્ષે હોટફિક્સનો કચરો મેયરના ઘર સામે ઠાલવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat AAP Protest : સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હીરપરાને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ‘આપ’એ આક્રમક વલણ અપનાવ્યું છે. સસ્પેન્શન બાદ રોષે ભરાયેલા ‘આપ’ના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટ ફિક્સ કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો.
સેમી-ઔદ્યોગિક એકમો અને હોટ ફિક્સના કારખાનાઓમાંથી નીકળતા કચરાનું પહાડો બની રહ્યા હોવા છતાં પાલિકા પાસે તેના એકત્રીકરણ અને કાયમી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરી ‘આપ’એ સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આ સમયગાળામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સુરતમાં રહેતા રાજ્યના આરોગ્ય મંત્રીના ઘર અને ઓફિસ બહાર પણ હોટ ફિક્સ કચરો ઠાલવી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે. મેયરના ઘર બહાર હોટ ફિક્સના કચરો નાખી દીધા બાદ આપના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં જ્યાં જુઓ ત્યાં હોટ ફિક્સ કચરાના પહાડો જોવા મળી રહ્યા છે, પરંતુ પાલિકા પાસે તેના એકત્રીકરણ અને નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. શહેરમાં આવેલા સેમી-ઔદ્યોગિક એકમો તથા હોટ ફિક્સના કારખાનામાંથી નીકળતા કચરાના નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકો રસ્તા અને જાહેર સ્થળોએ કચરો ઠાલવી રહ્યા છે. પરિણામે અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલા વધી રહ્યા છે.
મેયરના વૉર્ડ સહિત શહેરના અનેક વિસ્તારમાં કચરાની સ્થિતિ અંગે સવાલ ઉઠાવતા ભંડેરીએ જણાવ્યું હતું કે, માત્ર મેયરની સોસાયટી આસપાસની ગલીઓ સાફ રાખવાથી આખું સુરત સ્વચ્છ થઈ જતું નથી. મેયર સહિતના જવાબદાર અધિકારીઓએ એસી ચેમ્બર અને ગાડીમાંથી બહાર આવી શહેરના ગલીઓ-વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ જોવી જોઈએ. દરમિયાન, કોર્પોરેટર રચના હીરપરાએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં પ્રજાની સમસ્યાઓ રજૂ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોટફિક્સ કચરાની સમસ્યાનો 10 દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો આરોગ્ય મંત્રીના ઘર અને ઑફિસ બહાર પણ કચરો ઠાલવી વિરોધ કરવાની તૈયારી હોવાનું તેમણે જણાવ્યું હતું. પાલિકા શહેરને હોટફિક્સ કચરાના ઢગલામાંથી બહાર કાઢી કાયમી નિકાલની વ્યવસ્થા કરે તેવી માગ તેમણે કરી હતી.




