સુરતમાં પાલ-હજીરા રોડ પર વગર વરસાદે ભુવો પડ્યો : તંત્રની બેદરકારી સામે સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરતમાં વરસાદ બંધ થયા બાદ શહેરમાં ભુવા પડવાની ઘટનામાં થોડો વિરામ આવ્યો હતો, પરંતુ હવે ફરી એક વખત ભુવા પડવાની શરૂઆત થતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પાલ-હજીરા રોડ પર રાજહંસ એલિટા આગળ મારવેલા હબ પાસે રસ્તાની વચ્ચોવચ મોટું બોગદું પડી જતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં હાલ વરસાદ ન હોવા છતાં ભુવો પડ્યો છે.
ગઈકાલે વહેલી સવારથી પાલ-હજીરા રોડ પર મુખ્ય રોડની બાજુમાં એક ભુવો પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે ડ્રેનેજ વિભાગ દ્વારા અગાઉ ખોદાણ કરવામાં આવ્યું હતું. કામગીરી પૂર્ણ થયા બાદ ખોદાણમાંથી નીકળેલી માટી અને અન્ય મટીરિયલ યોગ્ય રીતે ઉપાડવામાં કે સ્થળને વ્યવસ્થિત રીતે પૂર્વવત કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિણામે રસ્તાની વચ્ચોવચ જમીન બેસી જતાં ભુવો પડ્યો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. પાલ-હજીરા રોડ શહેરના મહત્વના માર્ગોમાંનો એક હોવાથી અહીં દિવસભર મોટા પ્રમાણમાં વાહનવ્યવહાર રહે છે. રસ્તાની વચ્ચોવચ પડેલા ભુવાના કારણે અકસ્માતની શક્યતા પણ વધી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો માટે આ સ્થળ વધુ જોખમી બની શકે છે.
સ્થાનિકોએ પાલિકા તંત્ર સમક્ષ સ્થળની તાત્કાલિક તપાસ કરાવી ભુવાનું કારણ શોધવા તેમજ ડ્રેનેજ વિભાગ દ્વારા કરાયેલા ખોદાણ અને ત્યારબાદની કામગીરીની તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ ભુવો તાત્કાલિક પુરાવી રસ્તો સલામત રીતે પૂર્વવત કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. વરસાદ બંધ થયા બાદ ફરી શરૂ થયેલી ભુવાની ઘટનાઓને પગલે પાલિકાના રોડ અને ડ્રેનેજ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.









