સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણનો અમલ કર્યો હોત તો સુરત ડૂબ્યું ન હોત! 20 વર્ષથી ધૂળ ખાઈ રહી છે ફાઈલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Flood Justice Sugnaben Bhatt Committee Report : વર્ષ 2006માં સુરતમાં આવેલા વિનાશક ખાડીપૂર બાદ રચેલી ન્યાયમૂર્તિ સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની મહત્વપૂર્ણ ભલામણોનો અમલ કરવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ રહી છે. સમિતિની ભલામણોનો અમલ કરાયો હોત તો આજે સુરતની આ દુર્દશા ન થઈ હોત. બે દાયકા જેટલો સમય વીતી જવા છતાં સરકારે આ ગંભીર આપત્તિમાંથી કોઈ બોધપાઠ લીધો નથી.
માનવસર્જિત પરિબળોએ વધારી પૂરની ગંભીરતા
વર્ષ 2006નું સુરત પૂર માત્ર કુદરતી આપત્તિ નહોતું. તેમાં ભારે વરસાદ ઉપરાંત ખામીયુક્ત ડેમ સંચાલન, અપૂરતું આયોજન, પૂર્વચેતવણીનો અભાવ અને પૂરપ્રવણ વિસ્તારોમાં બેફામ થયેલા વિકાસ જેવા માનવસર્જિત પરિબળો જવાબદાર હતા. ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળવા સુજ્ઞાબેન ભટ્ટ સમિતિએ વૈજ્ઞાનિક આયોજન અને અસરકારક વહીવટી સંકલન પર ભાર મૂક્યો હતો. તેમ છતાં, સરકારે ફ્લડ ફોરકાસ્ટિંગ વ્યવસ્થામાં કોઈ સુધારો કર્યો નથી. સુરત માટે પૂર જોખમ અભ્યાસ કે ફ્લડપ્લેઇન ઝોનિંગનો અમલ પણ અધ્ધરતાલ રહ્યો છે.
અનિયંત્રિત શહેરીકરણ અને તંત્રની બેદરકારી
સુરતમાં વર્ષોથી અનિયંત્રિત શહેરીકરણ, ગેરકાયદેસર બાંધકામો અને વરસાદી પાણીના કુદરતી માર્ગો પર આડેધડ દબાણો થતાં રહ્યા છે. ટાઉન પ્લાનિંગનો અભાવ અને ડ્રેનેજ વ્યવસ્થાની ભારે ખામીઓના કારણે આજે સુરતીલાલાઓ મૂળભૂત સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. પૂરપ્રવણ વિસ્તારોમાં વિકાસ પર કોઈ નિયંત્રણ નથી કે ગેરકાયદેસર બાંધકામો પર કોઈ કડકાઈ દાખવવામાં આવી નથી. આ પૂર તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ફળ આયોજનશક્તિનું જીવંત ઉદાહરણ છે.
શ્વેતપત્ર જાહેર કરવા અને વળતર આપવા માંગ
આજે હજારો પરિવારો પોતાના ઘર, વેપાર, વાહનો અને જીવનભરની કમાણી ગુમાવીને બેઠા છે અને કરોડોની જાહેર-ખાનગી સંપત્તિ ખાખ થઈ ગઈ છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ વહીવટી નિષ્ફળતા માટે જવાબદાર કોણ? પ્રજામાં એવી ઉગ્ર માંગ ઊઠી છે કે ન્યાયમૂર્તિ સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણોના અમલીકરણ અંગે સરકાર તાત્કાલિક શ્વેતપત્ર જાહેર કરે. આ સાથે જ પાણીના કુદરતી માર્ગો પરના દબાણો હટાવી કડક કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારો તેમજ વેપારીઓને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે.









