Surat

સુરત પાલિકાની નબળી કામગીરીથી હોટ ફિક્સ વેસ્ટ બેફામ, હવે કચરાના ઢગલામાં આગનો ભડકો

By GS Team
25 Aug 20263 mins read
TukuTouch Logo
સુરતમાં પુણા-વરાછા વિસ્તારમાં હોટ ફિક્સ વેસ્ટનો બેફામ નિકાલ હવે આગનું જોખમ બન્યો છે. રોજના 40 ટનથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ જાહેર રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ અને ખાડી કાંઠે ઠલવાઈ રહ્યો છે. તાજેતરમાં પુણામાં રસ્તા કિનારે ઠલવાયેલા પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં આગ ફાટી નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પાલિકાની સ્વચ્છતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની નબળી કામગીરીથી હોટ ફિક્સ વેસ્ટ બેફામ, હવે કચરાના ઢગલામાં આગનો ભડકો

Surat News : સુરત શહેરમાં હોટ ફિક્સ વેસ્ટનો બેફામ નિકાલ હવે માત્ર સ્વચ્છતા અને પર્યાવરણનો પ્રશ્ન રહ્યો નથી, પરંતુ આગના જોખમનું પણ કારણ બની રહ્યો છે. ખાસ કરીને હોટ ફિક્સ વેસ્ટના બેફામ નિકાલ માટે કુખ્યાત બનેલા પુણા-વરાછા વિસ્તારમાં જાહેર રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ અને ખાડી કાંઠે પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા જોવા મળી રહ્યા છે. રોજના 40 મેટ્રિક ટનથી વધુ હોટ ફિક્સ વેસ્ટ નીકળતો હોવા છતાં તેના નિકાલ અને નિયંત્રણની અસરકારક વ્યવસ્થા કરવામાં પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. દરમિયાન પુણા વિસ્તારમાં રસ્તા કિનારે ઠલવાયેલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં આગ ફાટી નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને હોટ ફિક્સ ન્યુસન્સને કડક હાથે ડામવા માટે માંગણી થઈ રહી છે.
સુરત પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં અગ્રેસર રહેવા માટે સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને વિવિધ અભિયાન તથા કામગીરી હાથ ધરી રહી છે. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં હોટ ફિક્સ વેસ્ટના બેફામ નિકાલને કારણે પાલિકાની સ્વચ્છતાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને પુણા અને વરાછા વિસ્તારમાં ટેક્સટાઇલ, એમ્બ્રોઇડરી અને હોટ ફિક્સના કામકાજમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. આ વેસ્ટના યોગ્ય નિકાલની વ્યવસ્થા અથવા જાહેર સ્થળોએ નિકાલ કરનારાઓ સામે અસરકારક કાર્યવાહીનો અભાવ હોવાથી કેટલાક તત્વો રસ્તાની બાજુ, ખુલ્લી જગ્યાઓ તેમજ ખાડી કાંઠે કચરો ઠાલવી રહ્યા હોવાના આક્ષેપો છે. પુણા-વરાછા વિસ્તાર હોટ ફિક્સ વેસ્ટના બેફામ નિકાલ માટે કુખ્યાત બની ગયો છે. મોડી રાતથી વહેલી સવાર દરમિયાન રસ્તાની બંને બાજુ તથા અવાવરું સ્થળોએ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવી દેવામાં આવતો હોવાની ફરિયાદો વચ્ચે કચરાના ઢગલા સતત વધતા જાય છે. રસ્તાની બાજુએ પડેલો આ વેસ્ટ માત્ર ગંદકી ફેલાવતો નથી, પરંતુ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને નુકસાન સાથે વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જોખમ ઊભું કરે છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે પુણા વિસ્તારમાં રસ્તાના કિનારે નિકાલ કરવામાં આવેલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો અને સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. રસ્તા નજીક જ આ પ્રકારના જ્વલનશીલ વેસ્ટનો મોટો જથ્થો પડેલો હોવાથી ભવિષ્યમાં આગની ઘટના વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેવી ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.
40 ટનથી વધુ વેસ્ટના નિકાલનો પ્રશ્ન
પુણા-વરાછા સહિતના વિસ્તારોમાં ટેક્સટાઇલ અને હોટ ફિક્સના એકમોમાંથી દરરોજ મોટા પ્રમાણમાં વેસ્ટ નીકળે છે. માત્ર વરાછા વિસ્તારમાંથી જ રોજ અંદાજે 40 મેટ્રિક ટનથી વધુ હોટ ફિક્સ વેસ્ટ નીકળતો હોવાનો અંદાજ છે. આટલા મોટા પ્રમાણમાં નીકળતા વેસ્ટના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા અને તેની દેખરેખ અત્યંત જરૂરી બની છે. પરંતુ જાહેર સ્થળોએ વેસ્ટ ઠાલવતા તત્વો સામે સતત અને કડક કાર્યવાહીનો અભાવ રહેતાં સમસ્યા યથાવત હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
કાયમી ન્યુસન્સ સામે કડક કાર્યવાહીની માંગ
હોટ ફિક્સ વેસ્ટના બેફામ નિકાલને કારણે પુણા-વરાછા વિસ્તારમાં લાંબા સમયથી ન્યુસન્સ સર્જાયું છે. રસ્તા, ખુલ્લી જગ્યાઓ અને ખાડી કાંઠે વેસ્ટના ઢગલા ખડકાતા સ્થાનિકોને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. સાથે જ પ્લાસ્ટિક વેસ્ટના કારણે પર્યાવરણને નુકસાન અને આગ જેવી ઘટનાઓનું જોખમ પણ વધી રહ્યું છે. પુણામાં આગની ઘટના બાદ હવે પાલિકા તંત્ર માત્ર કચરો ઉપાડવાની કાર્યવાહી પૂરતી સીમિત ન રહે, પરંતુ જાહેરમાં વેસ્ટ ઠાલવનાર તત્વોને શોધી કડક દંડાત્મક કાર્યવાહી કરે અને હોટ ફિક્સ વેસ્ટના કાયમી નિકાલ માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ ઉઠી છે.