સુરતમાં રાતોરાત મકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ: પ્રક્રિયા વગર તોડફોડ કરી તો આપવું પડશે નવું ઘર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Nasirnagar Demolition: સુરતના નાસીરનગરના રાતોરાત ડિમોલિશનના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સુરત મહાનગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે સાથે સાથે એવી પણ ટકોર કરી હતી કે, એકપણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના તોડી શકાય નહીં.
પીડિતોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડશે
જો સુરત મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ ડિમોલિશન કરવામાં આવ્યું હશે, તો તેની સીધી જવાબદારી મનપા અને તેના સંબંધિત અધિકારીઓની રહેશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમને ઘર અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડશે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે સત્તાવાળાઓ પાસે જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.
કેસમાં કયા-કયા પક્ષકારોને જોડવામાં આવ્યા?
સુરતના વિવાદાસ્પદ નાસીરનગર ડિમોલિશન મામલે કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા ઉપરાંત સુરત પોલીસ કમિશનર, સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ટોરેન્ટ પાવર સહિતના તમામ સંબંધિત પક્ષકારોને જોડવામાં આવ્યા છે અને તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.
નોટિસ આપ્યા વિના જ રાતોરાત 150થી વધુ મકાનો જમીનદોસ્ત!
અરજદારપક્ષ તરફથી કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કે, ગત 30 મે, 2026ના રોજ સુરત મનપાના સત્તાવાળાઓ અને અધિકારીઓએ ભારે મનસ્વી વલણ અપનાવ્યું હતું. સ્થાનિક રહીશોને કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના, આગોતરી જાણ કર્યા વિના કે પંચનામું કર્યા વિના રાતોરાત 150થી વધુ મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હતા. રહીશોને પોતાની રજૂઆત કરવાની કે સામાન હટાવવાની સહેજ પણ તક આપવામાં આવી નહોતી.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટમાં બે વિમાન અથડાતા રહી ગયા! DGCAનો તપાસનો આદેશ
હાઇકોર્ટના વેધક સવાલો અને અરજદારના ચોંકાવનારા ખુલાસા
આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારપક્ષને એક મહત્ત્વનો સવાલ કર્યો હતો કે, 'આ ડિમોલિશન સુરત મનપા દ્વારા જ કરાયું છે તેવું તમે કઈ રીતે કહી શકો?' જેના જવાબમાં અરજદારે જણાવ્યું કે, જ્યારે ડિમોલિશનની આ આખી કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ત્યાં સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓ સહિત 20થી 25 જેટલા પોલીસ અધિકારીઓનો મોટો કાફલો રૂબરૂ હાજર હતો.
ત્યારબાદ જસ્ટિસ નિખિલ કેરીયલે પણ કડક વલણ અપનાવી પૃચ્છા કરી હતી કે, 'ડિમોલિશનની ડ્યુટીમાં જે મશીનરી અને માણસો રોકાયા હતા તે કોના હતા?' અરજદારે આ અંગે કોર્ટને ચોંકાવનારી માહિતી આપતા કહ્યું કે, ડિમોલિશન કરનાર એજન્સી સુરત મનપાની જ છે. આ સિવાય, ડિમોલિશન શરૂ થાય તે પહેલાં જ ટોરેન્ટ પાવર દ્વારા ત્યાંનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો અને પાલિયા બિલ્ડરના આદેશ પર 'શ્રી રામ એજન્સી' દ્વારા આ આખી કામગીરી પાર પાડવામાં આવી હતી. આટલું જ નહીં, ઘટનાસ્થળે આર્કિટેક્ટ રજનીકાંત પણ હાજર હોવાનો ગંભીર આરોપ અરજદારપક્ષે લગાવ્યો છે.
કોર્ટમાં અરજી કરવામાં કેમ મોડું થયું?
હાઇકોર્ટે અરજદારોને એવો પણ પ્રશ્ન કર્યો હતો કે, 'જો 30મી મેના રોજ જ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, તો પછી કોર્ટના દ્વાર ખખડાવવામાં આટલો વિલંબ કેમ થયો?' તેના ખુલાસામાં પીડિતોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ડિમોલિશન બાદ તેઓ સૌથી પહેલા ન્યાયની આશાએ સુરત મનપા કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, ત્યાં કમિશનરે એવો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેમના તરફથી આવો ડિમોલિશનનો કોઈ જ ઓર્ડર આપવામાં આવ્યો નથી! આ સાંભળીને અરજદારોએ સ્થાનિક પોલીસ મથકે જઈને ગુનો નોંધાવવાનો અને પોલીસ ફરિયાદ કરવાનો પણ પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમની ફરિયાદ લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આ તમામ સરકારી તંત્રોના ધક્કા ખાધા બાદ આખરે ન્યાય મેળવવા માટે તેમને હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.









