જિલ્લામાં સતત વરસાદથી ફરી ખાડી પૂરનો ભય, બીજા દિવસે પણ વરસાદનો કહેર યથાવત, સુરતમાં જનજીવન ફરી અસ્તવ્યસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain: સુરત શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદે તોફાની બેટિંગ ચાલુ રાખતાં જનજીવન ફરી અસ્તવ્યસ્ત બની ગયું છે. શહેરના અનેક મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા, રેલવે ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો ભારે હાલાકીમાં મુકાયા હતા. બીજી તરફ સતત વરસાદને કારણે જિલ્લામાં ફરી ખાડી પૂરનો ભય ઊભો થયો છે. અનેક વિસ્તારમાં ગટરના પાણી બેક મારતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વરસાદની આગાહી હોવા છતાં પાણીના ઝડપી નિકાલમાં પાલિકા ફરી નિષ્ફળ જતાં વરસાદ પહેલાની તૈયારી અને કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.ગઈકાલે સવારથી ધીમીધારે શરુ થયેલો વરસાદ મોડી રાત્રી અને આજે સવારે પણ યથાવત જોવા મળ્યો હતો. આ વરસાદ દિવસભર અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ રહેતા શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અઠવાલાઈન્સ, ઉધના, ભટાર, અડાજણ, કતારગામ, વરાછા, પાંડેસરા, લિંબાયત સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ વાહનો પાણીમાં ધીમે ધીમે પસાર થતા જોવા મળ્યા હતા.
અઠવાલાઇન્સ વિસ્તારમાં સાઇબર ક્રાઇમ કચેરી અને શિક્ષણ સમિતિની શાળા બહાર પણ પાણી ભરાઈ જતાં સરકારી કચેરીઓ અને શાળામાં આવનજાવન મુશ્કેલ બની હતી. વરસાદના કારણે શહેરના મોટાભાગના રેલવે ગરનાળાઓ ફરી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી હતી.સતત વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ બેક મારતાં ગંદુ પાણી રસ્તા અને રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું હતું. ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે. વરસાદ દરમિયાન વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોએ દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. મુખ્ય માર્ગો પર લાંબા ટ્રાફિક જામ સર્જાતા નોકરી-ધંધે જતાં લોકો, વિદ્યાર્થીઓ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ ટ્રાફિકમાં ફસાયા હતા. બીજી તરફ જિલ્લામાં સતત વરસાદને પગલે ખાડીઓના જળસ્તરમાં વધારો નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ફરી ખાડી પૂરનો ભય ફેલાયો છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે લોકો પણ સાવચેતી રાખી રહ્યા છે. સતત બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અને ગટરના પાણી બેક મારતાં પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉધના મેઇન રોડ પર લાલ પાણીથી ચકચાર સુરતમાં વરસાદી પાણીનો ગેરલાભ લઈ કેમિકલયુક્ત પાણી છોડાયું
સુરતમાં વરસી રહેલા સતત વરસાદ વચ્ચે કેટલાક ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો ગેરલાભ ઉઠાવી કેમિકલયુક્ત પાણી છોડી દીધું હોવાથી આ ચોમાસામાં પણ ગત ચોમાસાની જેમ ઉધના મેઇન રોડ પર વરસાદી પાણી સાથે લાલ રંગનું પાણી વહેતું જોવા મળતા સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. રસ્તા પર લાલ પાણીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા.સ્થાનિકોનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન ડ્રેનેજ અને વરસાદી પાણીની લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાથી આવા દૃશ્યો વારંવાર જોવા મળે છે. વરસાદને કારણે કેમિકલયુક્ત પાણી ઝડપથી વહેતું થઈ જતું હોવાથી જવાબદાર એકમોને શોધવામાં પણ મુશ્કેલી પડતી હોવાનું કહેવાય છે.આ ઘટના સામે આવ્યા બાદ પણ પાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) તરફથી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કે સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જેના કારણે પ્રદૂષણ ફેલાવનારા તત્વોને જાણે ખુલ્લું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.અગાઉ પણ આવા બનાવો સામે આવતા પાલિકા અને જીપીસીબીએ જવાબદાર એકમો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જોકે, ફરી એકવાર લાલ પાણી રસ્તા પર જોવા મળતાં તે દાવા માત્ર કાગળ પૂરતા જ રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે.









