મુહૂર્ત કરતાં પરિવારનું મિલન સાચું મુહૂર્ત : સુરતીઓ બળેવની તારીખ સાથે પણ ‘એડજસ્ટ’ થઈ ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Raksha Bandhan Special : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલે શુક્રવારે બળેવની ઉજવણી થશે, પરંતુ સુરતમાં બળેવ માત્ર એક દિવસનો તહેવાર નથી. તારીખ અને મુહૂર્ત કરતાં પરિવારના સભ્યો એકસાથે મળી સ્નેહ અને લાગણી સાથે બળેવ ઉજવી શકે તે ‘સાચું મુહૂર્ત’ માનીને સુરતીઓએ તહેવારને પણ પોતાના આગવા અંદાજમાં ‘એડજસ્ટ’ કરી દીધો છે.
રક્ષાબંધનના દિવસે જ રાખડી બાંધવાની પરંપરાને બદલે સુરતમાં બળેવના આગળ-પાછળના દિવસોમાં પરિવારની અનુકૂળતા મુજબ રાખડી બાંધવાની ઉજવણી થઈ રહી છે. કોઈ પરિવાર NEET-PGની પરીક્ષાને ધ્યાનમાં રાખી એક અઠવાડિયું વહેલું બળેવ ઉજવી દીધું છે, તો ક્યાંક ભાઈ-બહેન અલગ શહેરોમાં રહેતા હોવાથી અગાઉથી જ રાખડી બંધાઈ રહી છે. પરિણામે સુરતમાં એક દિવસ નહીં, પરંતુ બળેવની આસપાસના લગભગ પાંચથી સાત દિવસ સુધી ભાઈ-બહેનના પ્રેમ અને પરિવારના મિલનની ઉજવણીનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં તહેવારની ઉજવણી પણ પોતાની આગવી પરંપરા અને લાગણીનો રંગ ધરાવે છે. અહીં બળેવ માત્ર એક દિવસનો તહેવાર નથી, પરંતુ પરિવારની અનુકૂળતા પહેલા ધ્યાને રાખવામાં આવી રહી છે. જેના કારણે તારીખ કરતાં સંબંધ વધુ મહત્વ આપતા સુરતીઓની આ પરંપરા તહેવારને માત્ર ઉજવણી નહીં, પરંતુ લાગણી અને પરિવારને જોડતો પર્વ બનાવી રહી છે.
સુરતના મોઢ વણિક સમાજના કેયુર ચપટવાલાએ જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં રક્ષાબંધનની ઉજવણી ગત રવિવારે જ કરવામાં આવી હતી. આગામી રવિવારે NEET-PGની પરીક્ષા હોવાથી પરિવારના એક સભ્યની પરીક્ષામાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવે અને તે સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે બળેવના દિવસે ઉજવણી કરવાને બદલે પરિવારના તમામ સભ્યોની અનુકૂળતા મુજબ એક અઠવાડિયું વહેલું જ રાખડી બાંધીને તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તેમના મતે, પરિવારનો કોઈ સભ્ય તહેવારથી વંચિત ન રહે અને પરીક્ષાની તૈયારી કે અન્ય કોઈ મહત્વની જવાબદારીમાં ખલેલ ન પડે તે માટે આ રીતે તારીખ સાથે ‘એડજસ્ટમેન્ટ’ કરવું વધુ યોગ્ય છે.
આવી જ રીતે ધિયારા ઠક્કરના મામા મુંબઈમાં રહે છે. રક્ષાબંધનના દિવસે ધિયારા પોતાની મમ્મી સાથે મુંબઈ જવાની હોવાથી સુરતમાં રહેતા તેના ભાઈઓને રાખડી બાંધવાનું શક્ય ન બને તેમ હતું. તેથી તેણે બુધવારે જ પોતાના ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આમ, બળેવની તારીખની રાહ જોવાને બદલે ભાઈ-બહેન સાથે મળી શકે તે દિવસને જ પરિવાર માટે રક્ષાબંધનનો દિવસ બનાવી દેવામાં આવ્યો. સુરતમાં આવા એક-બે નહીં પરંતુ અનેક પરિવારોમાં બળેવની ઉજવણીને લઈને આ પ્રકારનું ‘એડજસ્ટમેન્ટ’ જોવા મળી રહ્યું છે. કોઈ બહેન લગ્ન બાદ અન્ય શહેરમાં રહે છે, તો કોઈ ભાઈ નોકરી-ધંધાના કારણે સુરતની બહાર રહે છે. ક્યાંક પરિવારના સભ્યની પરીક્ષા છે, તો ક્યાંક નોકરી કે અન્ય જવાબદારીના કારણે બળેવના દિવસે સૌનું એકસાથે મળવું શક્ય નથી. આવી સ્થિતિમાં પરિવારો તહેવારની તારીખને વળગી રહેવાને બદલે સૌની અનુકૂળતા મુજબ દિવસ નક્કી કરી રહ્યા છે.
ખાસ કરીને નણંદ-ભાભી અને ભાઈ-બહેનના સંબંધોમાં પણ આ પ્રકારનું ‘એડજસ્ટમેન્ટ’ જોવા મળે છે. એક જ દિવસે અલગ-અલગ પરિવારના કાર્યક્રમો હોય ત્યારે સૌની અનુકૂળતા મુજબ અગાઉ કે પછીના દિવસે રાખડી બાંધવામાં આવે છે. કેટલાક પરિવારો શુક્રવારે બળેવ હોવા છતાં શનિવાર-રવિવારના વીકએન્ડમાં પરિવારના સભ્યોને એકઠા કરીને રક્ષાબંધનની ઉજવણી કરવાના છે. એટલે બળેવની ઉજવણી હવે માત્ર કેલેન્ડરની એક તારીખ પૂરતી રહી નથી, પરંતુ પરિવારના સભ્યોને સાથે લાવવાનો અવસર બની રહી છે. સુરતીઓ માટે રક્ષાબંધનના મુહૂર્તનું ધાર્મિક મહત્વ પોતાની જગ્યાએ છે, પરંતુ પરિવારના દરેક સભ્યની લાગણી અને હાજરી પણ એટલી જ મહત્વની બની છે. ‘બધા સાથે મળી શકીએ એ જ સાચું મુહૂર્ત’ એવી લાગણી સાથે અનેક પરિવારો બળેવના આગળ-પાછળના દિવસોમાં ઉજવણી કરી રહ્યા છે. તેથી જ સુરતમાં બળેવની ઉજવણી એક દિવસની નહીં, પરંતુ સંબંધો અને લાગણીને સાચવતા પાંચથી સાત દિવસના અનોખા ‘સુરતી બળેવ રંગ’માં રંગાઈ રહી છે. તહેવારની તારીખમાં એક-બે દિવસનું ‘એડજસ્ટમેન્ટ’ થઈ શકે છે, પરંતુ ભાઈ-બહેનના સંબંધોમાં રહેલો સ્નેહ અને પરિવાર સાથે મળીને ઉજવણી કરવાની લાગણીમાં કોઈ ‘એડજસ્ટમેન્ટ’ નથી. સુરતીઓની આ જ આગવી રીત બળેવને માત્ર ધાર્મિક તહેવાર નહીં, પરંતુ પરિવારને એકસાથે લાવતો લાગણીનો પર્વ બનાવી રહી છે.
88 વર્ષ પહેલાંની કરુણ ઘટનાની આજે પણ જીવંત છે યાદ : બળેવના દિવસે તાપીમાં હોડી પલટી, 80થી વધુનાં મોત : દુર્ઘટના બાદ સુરતમાં શરૂ થયો ‘વાસી બળેવ’
સુરતમાં બળેવ સાથે જોડાયેલી ‘વાસી બળેવ’ની પરંપરા પાછળ એક એવી કરુણ ઘટના છે, જેને 86 વર્ષ વીતી ગયા છતાં સુરતીઓ ભૂલ્યા નથી. 12 ઓગસ્ટ, 1938ના રોજ બળેવના દિવસે તાપી નદીના ડક્કા ઓવારે મોટી સંખ્યામાં લોકો હોડીમાં સવાર થઈ નદી વિહાર માટે નીકળ્યા હતા. હોડીમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકો સવાર થતાં હોડી તાપીના પાણીમાં પલટી ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં 80થી વધુ લોકોનાં કરુણ મોત થયા હતા અને સમગ્ર સુરત શોકમાં ગરકાવ થઈ ગયું હતું.આ દુર્ઘટનાએ બળેવના આનંદને શોકમાં ફેરવી નાખ્યો હતો. ઘટનાની કરુણ યાદને જીવંત રાખવા તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેટલાક મૂળ સુરતી પરિવારોમાં બળેવના દિવસે રક્ષાબંધનની ઉજવણી ન કરીને બીજા દિવસે બળેવ ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. સમય જતાં આ પરંપરા ‘વાસી બળેવ’ તરીકે ઓળખાવા લાગી. આજે પણ મોઢ વણિક, રાણા અને ક્ષત્રિય સહિતના કેટલાક પરિવારોમાં આ પરંપરા પેઢી દર પેઢી જળવાઈ રહી છે. તહેવારની ખુશી સાથે ઇતિહાસની કરુણ સ્મૃતિને પણ જીવંત રાખતી ‘વાસી બળેવ’ની પરંપરા સુરતની આગવી ઓળખ બની છે.




