વેસુમાં નવો રોડ પણ ન ટક્યો, કેનાલ રોડ પર ભુવો પડતા પાલિકાની પોલ ખુલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત શહેરમાં ભુવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. શહેરના વેસુ વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર મંગળવારે અચાનક ભુવો પડતાં વાહનચાલકોમાં દોડધામ મચી હતી. રસ્તાના મધ્યભાગમાં પડેલા ભુવાને કારણે અકસ્માતની શક્યતા ઊભી થતાં સુરત મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સમારકામની કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જે રસ્તા પર ભુવો પડ્યો છે તે થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. નવો રસ્તો હોવા છતાં આ પ્રકારની ઘટના બનતાં રસ્તાના નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં વારંવાર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, છતાં આવી સમસ્યાઓ અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
ભુવાની જાણ થતાં પાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે સ્થળને બેરિકેડિંગ કરીને વાહનવ્યવહારને નિયંત્રિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભુવો પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, માત્ર સમારકામથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે નહીં તે અંગે લોકોમાં શંકા વ્યક્ત થઈ રહી છે.
શહેરમાં એક પછી એક રસ્તા ધસી પડવાની ઘટનાઓને કારણે પાલિકાના ગુણવત્તા નિયંત્રણ અને દેખરેખની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો રોડના નિર્માણ દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં આવી હોત અને ગુણવત્તાનું કડક નિરીક્ષણ કરવામાં આવ્યું હોત તો આવી પરિસ્થિતિ સર્જાઈ ન હોત.
વરસાદી મોસમ દરમિયાન શહેરમાં ભુવા પડવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા તમામ નવા રસ્તાઓનું તકનીકી નિરીક્ષણ કરવામાં આવે તેમજ જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.









