Surat

સુરતમાં BRTS બસના ડ્રાઇવરની દાદાગીરી : 'ગરમી લાગે તો નીચે ઊતરી જાઓ’ કહી મુસાફરોને રસ્તે રઝળાવ્યા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતમાં BRTS બસના ડ્રાઇવરની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. રૂટ નંબર-17ની બસમાં ગરમી લાગતા મુસાફરોએ AC ચાલુ કરવા વિનંતી કરી. જોકે, ડ્રાઇવરે ‘ગરમી લાગતી હોય તો નીચે ઊતરી જાઓ’ તેમ કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. એક મહિલાએ વીડિયો બનાવતા AC ચાલુ કર્યું, પરંતુ ડ્રાઇવર વરાછા મિની બજાર પાસે બસ છોડીને જતો રહ્યો. પાલિકાએ ડ્રાઇવરને સસ્પેન્ડ કરી ઈજારદારને નોટિસ આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં BRTS બસના ડ્રાઇવરની દાદાગીરી : 'ગરમી લાગે તો નીચે ઊતરી જાઓ’ કહી મુસાફરોને રસ્તે રઝળાવ્યા

Surat BRTS Bus : સુરતની BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રૂટ નંબર-17ની બસમાં મુસાફરોને ગૂંગળામણ અને ગરમી લાગતી હોવા છતાં AC ચાલુ કરવાની વિનંતી કરવામાં આવી હતી. જોકે, મુસાફરોની રજૂઆત સાંભળવાને બદલે ડ્રાઇવરે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતાં ‘ગરમી લાગતી હોય તો નીચે ઊતરી જાઓ’ તેમ કહી દીધું હોવાની ફરિયાદ છે. અંતે એક મહિલા મુસાફરે મોબાઇલ કેમેરો ચાલુ કરતાં ડ્રાઇવરે AC ચાલુ કર્યું હતું.
મળતી માહિતી મુજબ રૂટ નંબર-17ની BRTS બસમાં મુસાફરી દરમિયાન બસમાં ભારે ગરમી અને ગૂંગળામણ થતાં મુસાફરોએ ડ્રાઇવરને AC ચાલુ કરવા વિનંતી કરી હતી. પરંતુ ડ્રાઇવરે શરૂઆતમાં મુસાફરોની રજૂઆતને ગંભીરતાથી લીધી ન હતી. મહિલાઓ સહિતના મુસાફરોએ વારંવાર વિનંતી કરી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતાં મામલો ઉગ્ર બન્યો હતો.
આ દરમિયાન એક મહિલા મુસાફરે મોબાઇલ ફોનનો કેમેરો ચાલુ કરી સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ શરૂ કરતાં ડ્રાઇવરે આખરે AC ચાલુ કર્યું હતું. જોકે, ત્યારબાદ પણ વિવાદનો અંત આવ્યો નહોતો. વરાછા મિની બજાર પાસે બસ પહોંચ્યા બાદ ડ્રાઇવર બસ છોડીને જતો રહ્યો હોવાનો આક્ષેપ છે. મુસાફરોની ઘણી આજીજી છતાં તેમને રસ્તા પર જ ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને મહિલા મુસાફરો સાથે બસના સ્ટાફ દ્વારા કરવામાં આવતું ગેરવર્તન ગંભીર બાબત હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. જાહેર પરિવહનની બસમાં મુસાફરો સાથે શિસ્તપૂર્વક અને જવાબદારીપૂર્વક વર્તવાની ફરજ હોવા છતાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
બસ સેવામાં કડક નિયંત્રણનો અભાવ?
સુરત પાલિકાની બસ સેવા માટે ઈજારદારોને જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ ડ્રાઇવર-કંડક્ટર દ્વારા મુસાફરો સાથે ગેરવર્તન, ઉદ્ધતાઈ અને મનમાનીની ફરિયાદો સમયાંતરે સામે આવી રહી છે. મુસાફરોનો આક્ષેપ છે કે આવી ઘટનાઓમાં તાત્કાલિક અને કડક કાર્યવાહીનો અભાવ રહેતો હોવાથી કેટલાક ડ્રાઇવર-કંડક્ટરો મુસાફરો સાથે મનસ્વી વર્તન કરતા ખચકાતા નથી.
આ ઘટનામાં પાલિકા તંત્રે કાર્યવાહી હાથ ધરીને બસ ચાલકને સસ્પેન્ડ કર્યો છે અને સંબંધિત ઈજારદારને નોટિસ ફટકારી છે. જોકે, મુસાફરોનું કહેવું છે કે માત્ર એક ઘટનામાં કાર્યવાહી પૂરતી નથી. બસ સેવામાં મુસાફરો સાથે ગેરવર્તન ન થાય તે માટે ડ્રાઇવર-કંડક્ટરની કામગીરી પર અસરકારક દેખરેખ અને ફરિયાદો સામે તાત્કાલિક કડક પગલાં જરૂરી છે.
જાહેર પરિવહનની સેવા આપતા કર્મચારીઓ દ્વારા ‘ગરમી લાગે તો નીચે ઊતરી જાઓ’ જેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે તે માત્ર શિસ્તનો ભંગ નથી, પરંતુ મુસાફરો પ્રત્યેની જવાબદારી સામે પણ ગંભીર સવાલ ઊભો કરે છે. પાલિકા દ્વારા હવે ઈજારદાર કંપનીઓને માત્ર નોટિસ આપવાને બદલે મુસાફરો સાથેના વર્તન અંગે સ્પષ્ટ જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.