સુરતમાં ચેતવણીના બેનરો છતાં જાહેરમાં કચરો ફેંકવાનું યથાવત : પાલમાં કબ્રસ્તાન પાસે ગંદકીના ઢગલાથી સ્થાનિકો ત્રાહિમામ, રોગચાળાની દહેશત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરતમાં ચેતવણીના બેનરો લગાવ્યા બાદ પણ જાહેરમાં કચરો ફેંકવાની માનસિકતા યથાવત રહેતાં પાલ ગામના લુહાર ફળિયા વિસ્તારમાં કબ્રસ્તાન પાસેનો જાહેર રસ્તો જાણે કચરાના ઉકરડામાં ફેરવાઈ ગયો છે. કબ્રસ્તાનની આસપાસ ઠેરઠેર એંઠવાડ અને કચરો ખડકાતાં અસહ્ય દુર્ગંધ સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકીના ઢગલાના કારણે મચ્છર-માખીનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
આવી પરિસ્થિતિમાં તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરી ભારે પેનલ્ટી વસૂલવામાં આવે અને સ્થળની નિયમિત સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે.
પાલ ગામના લુહાર ફળિયા વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનની બહાર જાહેર રસ્તા પર લાંબા સમયથી કચરો ઠલવાતો હોવાના કારણે સ્થાનિકો માટે આ સ્થળ માથાનો દુખાવો બની ગયું છે. કચરાના ઢગલામાં ઘરેલું કચરો, એંઠવાડ સહિતની ગંદકી ખડકવામાં આવતી હોવાના કારણે આસપાસનું વાતાવરણ પણ દુર્ગંધમય બની ગયું છે. ખાસ કરીને કબ્રસ્તાન જેવા સંવેદનશીલ સ્થળની બહાર જ આ પ્રકારની ગંદકીના ઢગલા સર્જાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કચરો જાહેરમાં ન ફેંકવા અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપતાં બેનરો પણ અહીં લગાવવામાં આવ્યા છે. જોકે, બેનરો પરની ચેતવણીને જાણે કચરો ફેંકનારાઓએ ઘોળીને પી લીધી હોય તેમ જાહેર રસ્તા પર કચરો ઠાલવવાનું બંધ થયું નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાલિકા દ્વારા નિયમિત સફાઈની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ સફાઈ થયા બાદ ફરીથી એ જ સ્થળે કચરો ઠલવાય તો સમગ્ર મહેનત વ્યર્થ જાય છે. તેથી કચરો ફેંકનારાઓને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.




