સુરત: મચ્છી માર્કેટનું નામ 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ' અપાતા ભારે વિવાદ! પૂર્વ મંજૂરી વગર જ બોર્ડ મારી દેવાયાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત શહેરના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત નવી માછીવાડ ફિશ માર્કેટના નામકરણને લઈને નવો વિવાદ સર્જાયો છે. મનપાની કોઈપણ કાયદાકીય પ્રક્રિયા કે મંજૂરી વિના જ આ નવી ફિશ માર્કેટના મુખ્ય પ્રવેશદ્વાર પર 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ' લખેલું મોટું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું.
નિયમો નેવે મૂકી બારોબાર કરાયું નામકરણ
મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકાના નિયમ મુજબ કોઈપણ જાહેર મિલકત, માર્કેટ કે બ્રિજનું નામકરણ કરવા માટે મનપાની સાંસ્કૃતિક સમિતિ અને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો અનિવાર્ય હોય છે. પરંતુ આ કિસ્સામાં પાલિકા તંત્ર કે શાસક પક્ષની જાણ બહાર જ બારોબાર બોર્ડ લગાવી દેવાતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જોકે, તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ બોર્ડ સ્થાનિક વેપારી મંડળ 'ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિયેશન' દ્વારા મૂકવામાં આવ્યું હતું.
મનપાની ટીમ પહોંચતા વિવાદાસ્પદ બોર્ડ ઉતારાયું
શાકાહારી જીવનશૈલી ધરાવતા દેશના વડાપ્રધાનના નામનો ઉપયોગ માછલીના વેચાણ સ્થળ માટે કરાતાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં પણ અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની ટીમ ગેરકાયદે બોર્ડ દૂર કરવા તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. મનપાની જાહેર મિલકત પર શાસકોની જાણ બહાર આ બોર્ડ કોની પરવાનગીથી લાગ્યું તે અંગે આંતરિક તપાસ શરૂ થાય તેવી શક્યતા છે.









