સુરતમાં ગણેશોત્સવમાં બ્રાહ્મણો વ્યસ્ત : ગણેશજીની સ્થાપના માટે સમય મેળવવો મુશ્કેલ, બ્રાહ્મણોની ડિમાન્ડમાં ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ganeshotsav : સુરતમાં 80 હજારથી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના થતાં કર્મકાંડી બ્રાહ્મણની ડિમાન્ડમાં જોરદાર વધારો થયો છે. ગણેશજીની સ્થાપના માટે મનગમતા બ્રાહ્મણ પાસે અગાઉથી સમય બુક કરાવવો પડ્યો હતો અને કેટલાક સ્થળે સમય આપ્યો હોવા છતાં બ્રાહ્મણ બીજા મંડપમાં પૂજા કરાવતા હોવાથી ભક્તોએ રાહ જોવી પડી હતી. શ્રીજીની પ્રતિમા મંડપમાં પહોંચી ગઈ, શણગાર પણ થઈ ગયો અને બાપ્પાની સ્થાપના માટે ભક્તો પૂજા સામગ્રી સાથે તૈયાર થઈ ગયા, પરંતુ અનેક મંડપમાં હવે નજર બ્રાહ્મણની રાહ જોઈ રહી હતી. ગણેશોત્સવના મુખ્ય દિવસે અનેક બ્રાહ્મણોનું આખું દિવસનું શેડ્યૂલ અગાઉથી ભરાઈ ગયું હતું. એક બ્રાહ્મણને દિવસ દરમિયાન 8થી 10 જેટલી ગણેશ સ્થાપના કરાવવાની હોવાથી સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પૂજાની દોડ રાતના 9 વાગ્યા સુધી ચાલે તેવું આયોજન છે.
ઉત્સવપ્રિય સુરતમાં ગણેશોત્સવ દરમિયાન ઘરો ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા પણ મોટી સંખ્યામાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. દરેક સ્થળે શુભ મુહૂર્તમાં વિધિપૂર્વક સ્થાપના કરાવવા માટે કર્મકાંડી બ્રાહ્મણની જરૂરિયાત રહેતી હોવાથી આ વખતે તેમની વ્યસ્તતા ખાસ જોવા મળી હતી. ખાસ કરીને જે આયોજકો વર્ષોથી એક જ બ્રાહ્મણ પાસે ગણેશજીની સ્થાપના કરાવે છે તેઓએ આ વખતે પણ અગાઉથી સંપર્ક કરી સમય નક્કી કર્યો હતો. એક જ બ્રાહ્મણને અલગ અલગ વિસ્તારમાં આવેલા મંડપોમાં પહોંચવાનું હોવાથી દિવસ દરમિયાન સ્થળાંતરનું પણ મોટું આયોજન કરવું પડ્યું હતું. એક સ્થળે પૂજા પૂરી થયા બાદ બીજા સ્થળે પહોંચવામાં વાહનવ્યવહાર કે અન્ય કારણસર થોડો વિલંબ થાય તો તેની અસર આગળના કાર્યક્રમના સમય પર પડતી હતી.
કર્મકાંડી બ્રાહ્મણ રૂપેશ પંડ્યાના જણાવ્યા મુજબ ગણેશોત્સવ દરમિયાન અનેક ગણેશ મંડળો દ્વારા સ્થાપના માટે અગાઉથી બ્રાહ્મણનો સંપર્ક કરવામાં આવે છે. સુરતમાં મોટી સંખ્યામાં ગણેશ સ્થાપના થતી હોવાથી તેની સરખામણીએ કર્મકાંડી બ્રાહ્મણોની સંખ્યા ઓછી છે. પરિણામે એક બ્રાહ્મણને દિવસ દરમિયાન 8થી 10 જેટલી ગણેશ સ્થાપના કરાવવી પડે છે. તેમણે સવારે 7 વાગ્યાથી સ્થાપના શરૂ કરી હતી અને રાતના 9 વાગ્યા સુધી અલગ અલગ સ્થળે સ્થાપના કરાવવાનું આયોજન કર્યું હતું. કર્મકાંડી બ્રાહ્મણ હાર્દિક ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સવારે કેવડા ત્રીજની વિધિ પૂર્ણ થયા બાદ ગણેશ સ્થાપનાનો દોર શરૂ થયો હતો. દિવસ દરમિયાન અલગ અલગ મંડપ અને ઘરોમાં અગાઉથી નક્કી કરેલા સમય પ્રમાણે પહોંચીને સ્થાપના કરાવવાની હતી. એક જ દિવસે અનેક સ્થળે સ્થાપના કરાવવાની હોવાથી સમયનું આયોજન કરીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું પડ્યું હતું. દરમિયાન, કેટલાક મંડપમાં બ્રાહ્મણ પહોંચે ત્યાં સુધી ભક્તો પૂજા સામગ્રી સાથે તૈયાર જોવા મળ્યા હતા. નિર્ધારિત સમય થોડો આગળ વધ્યો હોવા છતાં ભક્તોએ બાપ્પાની સ્થાપના માટે ધીરજપૂર્વક રાહ જોઈ હતી. બ્રાહ્મણોની વ્યસ્તતા વચ્ચે પણ ગણેશભક્તોના ઉત્સાહ અને શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો.
બાપ્પાની સ્થાપના સાથે સત્યનારાયણ કથા માટે પણ બ્રાહ્મણ ‘હાઉસફુલ’
સુરતમાં ગણેશોત્સવના દિવસોમાં શ્રીજીની સ્થાપના ઉપરાંત સત્યનારાયણ કથાનું આયોજન કરવાનો પણ રિવાજ છે. ગણેશોત્સવ દરમિયાન એક દિવસ કથા રાખવામાં આવતી હોવાથી કર્મકાંડી બ્રાહ્મણોની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. ખાસ કરીને રવિવારે કથા કરાવવાનો આગ્રહ વધુ રહેતો હોવાથી આ દિવસે બ્રાહ્મણોનું અગાઉથી બુકિંગ કરાવવું પડી રહ્યું છે. ગણેશ મંડળો અને મહોલ્લાઓમાં રવિવારે કથા યોજવાનું વધુ પસંદ કરવામાં આવે છે. રજાનો દિવસ હોવાથી મંડળના સભ્યો ઉપરાંત પરિવારજનો અને આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં કથામાં જોડાઈ શકે છે. પરિણામે રવિવારે એક જ દિવસે અનેક જગ્યાએ કથાનું આયોજન થતું હોવાથી બ્રાહ્મણોની વ્યસ્તતા વધી જાય છે. કર્મકાંડી બ્રાહ્મણોના જણાવ્યા મુજબ એક કથા માટે સામાન્ય રીતે બે કલાક જેટલો સમય ફાળવવો પડે છે. ઉપરાંત એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટેનો સમય પણ જરૂરી હોવાથી એક બ્રાહ્મણ રવિવારે વધુમાં વધુ ત્રણથી ચાર કથા જ કરાવી શકે છે. તેથી કથા માટેનો સમય અગાઉથી નક્કી કરાવવો પડે છે. ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન કથા કરાવવાની માંગ રહેતી હોવાથી ઘણા આયોજકો અગાઉથી બ્રાહ્મણનો સંપર્ક કરીને દિવસ અને સમય નક્કી કરી રહ્યા છે. ખાસ કરીને રવિવારના કાર્યક્રમો માટે વહેલી બુકિંગ થઇ જતી હોવાથી છેલ્લી ઘડીએ કથા માટે બ્રાહ્મણ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. શ્રીજીની સ્થાપના અને સત્યનારાયણ કથા બંનેના કાર્યક્રમો વધતાં કર્મકાંડી બ્રાહ્મણો માટે ગણેશોત્સવના દિવસો અત્યંત વ્યસ્ત બની ગયા છે.




