સુરત ભાજપના શહેર કારોબારી સભ્યનો પાલિકાની જમીન પર 10 વર્ષથી કબજો, ભાડે આપી કમાણીનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat BJP Leader Land Grab Allegation: સુરત પાલિકાની જાહેર હેતુ માટે અનામત રાખવામાં આવેલી કિંમતી જમીન પર દસ વર્ષથી કબજો જમાવી તેને ભાડે આપી ખાનગી કમાણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પાલિકાની કરોડોની કિંમતી જમીન પર દસ વર્ષથી કબજો જમાવી તેને ભાડે આપીને ખાનગી કમાણી કરવાનો ખેલ ચાલતો હોવાની ગંભીર ફરિયાદ થઈ છે. આક્ષેપ મુજબ, ભાજપના કારોબારી સભ્યો પાલિકાની માલિકીના બંને પ્લોટ પર લાંબા સમયથી કબજો જમાવી તેનો અન્ય લોકોને ભાડે આપી નિયમિત ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. પાલિકાની જમીન પર કબજો, ઉપરથી ભાડાની કમાણી અને તંત્રને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
સુરત ભાજપના શહેર કારોબારી સભ્યનો પાલિકાની જમીન પર 10 વર્ષથી કબજો
ફરિયાદમાં સમગ્ર મામલે તાત્કાલિક તટસ્થ વિજિલન્સ તપાસ કરી દસ વર્ષ દરમિયાન થયેલા બાંધકામ અને ઉપયોગની તપાસ કરવા, પાલિકાને થયેલા આર્થિક નુકસાનની ગણતરી કરી જવાબદાર પાસેથી વસુલાત કરવા તેમજ રિઝર્વેશન પ્લોટ પરથી કબજો દૂર કરી જમીન પાલિકા હસ્તક લેવાની ઉગ્ર માગ કરવામાં આવી છે.

સુરત શહેરમાં પાલિકાની જાહેર હેતુ માટે અનામત જમીન પરના ગેરકાયદે કબજાઓ સામે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે પુણામાં પાલિકાની જ રિઝર્વેશન જમીન વર્ષોથી ખાનગી ઉપયોગમાં લેવાતી હોવાની ફરિયાદથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ટી.પી. સ્કીમ નં. 60 (પુણા)ના ફાઇનલ પ્લોટ નં. આર-20 (SEWS) અને આર-23 અંગે મ્યુ. કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, બંને પ્લોટ પર છેલ્લા 10 વર્ષથી કબજો જમાવી તેનો અન્ય લોકોને ભાડે આપી નિયમિત ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.
ભાડે આપી કમાણીનો આક્ષેપ
ફરિયાદ મુજબ, પાલિકાની માલિકીની જમીનનો કથિત રીતે ખાનગી અને વ્યવસાયિક ઉપયોગ થવાથી એક તરફ જાહેર હેતુ માટે અનામત જમીનનો ઉપયોગ અટકે છે, તો બીજી તરફ પાલિકાને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. સામાન્ય નાગરિકો પાસેથી મિલકત વેરા સહિતની વિવિધ વસૂલાતમાં પાલિકા કડકાઈ રાખે છે, ત્યારે તેની પોતાની કિંમતી જમીનનો વર્ષોથી કથિત રીતે ખાનગી ઉપયોગ થતો હોવાના આક્ષેપે તંત્રની દેખરેખ સામે પણ પ્રશ્નો ઊભા કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે, જો પાલિકાની જમીન પર ખરેખર 10 વર્ષથી કબજો હતો અને તેનો ભાડે ઉપયોગ થતો હતો તો આટલાં લાંબા સમય સુધી તંત્રની નજર કેમ ન પડી? રિઝર્વેશન પ્લોટ હોવા છતાં તેના ઉપયોગ સામે અગાઉ કોઈ કાર્યવાહી થઈ હતી કે નહીં, તેની પણ તપાસ જરૂરી બની છે. દસ વર્ષ દરમિયાન કબજામાં કોઈ બાંધકામ કરવામાં આવ્યું હતું કે નહીં અને જમીનનો ઉપયોગ કયા હેતુ માટે થતો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે.
તટસ્થ વિજિલન્સ તપાસની માગ
ફરિયાદી બી.કે. પટેલે સમગ્ર મામલે તાત્કાલિક અને તટસ્થ વિજિલન્સ તપાસ કરવાની માગ કરી છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન પ્લોટ પર થયેલા બાંધકામ અને ઉપયોગની સ્થિતિ જાણવા સેટેલાઇટ તસવીરોના આધારે તપાસ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ બંને રિઝર્વેશન પ્લોટ પરથી કથિત ગેરકાયદે કબજો તાત્કાલિક દૂર કરી જમીન પાલિકા હસ્તક લેવાની, પાલિકાને થયેલા આર્થિક નુકસાનની ગણતરી કરી જવાબદાર પાસેથી વસૂલાત કરવાની તથા સરકારી મિલકતનો કથિત ગેરકાયદે ઉપયોગ કરનાર સામે કડક કાયદેસરની અને ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
ફરિયાદ સાથે સંબંધિત ટી.પી. પ્લાનની નકલ પણ રજૂ કરવામાં આવી છે. હવે ફરિયાદ બાદ પાલિકા તંત્ર સ્થળ તપાસ, દસ્તાવેજોની ચકાસણી અને સેટેલાઇટ રેકોર્ડના આધારે હકીકત બહાર લાવે છે કે નહીં તે જોવાનું રહેશે. ખાસ કરીને દસ વર્ષથી કથિત કબજો હોવા છતાં તંત્ર અજાણ રહ્યું કે આંખ આડા કાન કરતું રહ્યું? તે સવાલનો જવાબ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.




