Surat

સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરની કબુલાત : તેમના વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા અને માથાભારે દબાણ કરનારા છે, લોકોને હાલાકી થાય છે

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા અને માથાભારે દબાણોની ફરિયાદ કરી. ગેરકાયદે લારીઓથી રસ્તા સાંકડા બનતા ટ્રાફિકની સમસ્યા વકરી છે. 5 જુલાઈએ કાર્યવાહીની ચીમકી છતાં દબાણો યથાવત રહેતા, ફરી રજૂઆત કરવી પડી. સત્તાપક્ષના કોર્પોરેટરની રજૂઆત પણ નિષ્ફળ જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરની કબુલાત : તેમના વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા અને માથાભારે દબાણ કરનારા છે, લોકોને હાલાકી થાય છે

Surat Corporation : સુરત પાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ ભાજપના જ કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા અને માથાભારે દબાણ કરનારાઓનો ત્રાસ હોવાની કબૂલાત કરતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વરાછા વિસ્તારમાં ગેરકાયદે ફૂટલારીઓ, શાકભાજીની લારીઓ સહિતના દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બનતા ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 5 જુલાઈએ સાત દિવસમાં કડક અને કાયમી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી, પરંતુ સમય વીતી ગયો છતાં દબાણો યથાવત્ છે. હવે ફરી સામાન્ય સભામાં રજૂઆત કરવાની ફરજ પડી છે. સત્તાપક્ષના કોર્પોરેટરોની ચીમકી પણ જો અધિકારી તંત્ર સામે અસરકારક સાબિત ન થતી હોય તો સામાન્ય પ્રજાની ફરિયાદોનું શું થતું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
ભાજપ સબ સલામતની વાત કરે છે તો બીજી તરફ ભાજપના જ કેટલાક કોર્પોરેટરો તેમના વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓની સમસ્યા માઝા મુકી રહી છે અને તેમના વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા છે તેવી રજૂઆત પાલિકાની સામાન્ય સભામાં કરી રહ્યાં છે. પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ સામાન્ય સભામાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં માથાભારે તત્વોના દબાણ છે અને અસામાજિક તત્વોના અડ્ડા છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ ગંભીર બની રહી છે. વધુમાં કહ્યું હતું, વરાછા રોડ પર ધારૂકા કોલેજથી ચીકુવાડી સુધીનો માર્ગ દબાણોના કારણે દિવસેને દિવસે વધુ સાંકડો બની રહ્યો છે. રસ્તાની બંને તરફ ફૂટલારીઓ, શાકભાજીની લારીઓ અને અન્ય પ્રકારના ગેરકાયદે દબાણો વધી રહ્યા છે. પરિણામે વાહનચાલકોને ટ્રાફિકમાં ફસાવું પડે છે, જ્યારે રાહદારીઓ માટે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.
આ સમસ્યા માટે તેઓએ 5 જુલાઈએ પોલીસ કમિશનરને પત્ર લખીને સાત દિવસમાં કડક અને કાયમી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, નિર્ધારિત સમયમર્યાદામાં પરિણામ નહીં મળે તો પ્રજાને સાથે રાખીને વરાછાના હિતમાં સ્વયંભૂ કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ આપવામાં આવી હતી પણ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી જેથી ગઈકાલની સામાન્ય સભામાં તેઓએ ફરી રજુઆત કરી છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો કટાક્ષએ છે કે સામાન્ય નાગરિક નહીં, પરંતુ સત્તાપક્ષ ભાજપના કોર્પોરેટર પોતે પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વો અને માથાભારે દબાણોની ફરિયાદ કરી રહ્યા છે. અગાઉ ચીમકી આપવામાં આવી, સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી, છતાં દબાણો દૂર થયા નથી. જો સત્તાપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિની રજૂઆત અને ચીમકી બાદ પણ અધિકારી તંત્ર હરકતમાં આવતું ન હોય તો સામાન્ય નાગરિકની ફરિયાદની તાકાત કેટલી હશે તે અંગે પ્રજામાં સવાલ ઉઠે તે સ્વાભાવિક છે.