1 વર્ષ ટેક્સ માફી, 1 લાખ સુધીની સહાય અને રાહતભરી લોન... સુરતના પૂરપીડિત વેપારીઓ માટે સરકારની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરત શહેરમાં ગત 6 જુલાઈના રોજ પડેલા ધોધમાર વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની ભયાનક સ્થિતિને પગલે હજારો વેપારીઓ અને નાના ધંધાર્થીઓ પાયમાલ થઈ ગયા હતા. દુકાનો અને ગોડાઉનોમાં પૂરના પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનો માલ-સામાન નાશ પામ્યો હતો. આ વિકટ પરિસ્થિતિમાં સુરતના વેપારીઓને રાહત માટે રાજ્ય સરકારે એક વિશેષ અને રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંતર્ગત પૂરગ્રસ્ત વેપારીઓને રૂ. 7,500 થી લઈને રૂ. 1,00,000 (1 લાખ) સુધીની સીધી આર્થિક સહાય આપવામાં આવશે.

રૂ. 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયનો મોટો ટેકો
પૂરના કારણે જેમનો ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, તેવા વેપારીઓ પોતાનો વ્યવસાય નવેસરથી શરૂ કરી શકે તે માટે સરકારે માત્ર રોકડ સહાય જ નહીં, પરંતુ લોનની પણ મોટી જાહેરાત કરી છે. આ રાહત પેકેજ હેઠળ પ્રભાવિત વેપારીઓને પોતાનો રોજગાર પુનઃ શરૂ કરવા માટે રૂ. 30,00,000 (30 લાખ) સુધીની લોન અત્યંત રાહત દરે પૂરી પાડવામાં આવશે અને તેના પર ખાસ વ્યાજ સહાય પણ આપવામાં આવશે. આ નિર્ણયથી વીમા સુરક્ષા ન ધરાવતા હજારો નાના કેબિનધારકો અને લારી-ગલ્લાવાળાઓને પણ રાહત મળશે.

પ્રથમ માળે રહેતા અને નોકરી ગુમાવનારા નાગરિકોને પણ કેશ ડોલ ચૂકવાઈ
સરકારી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં સુરત શહેરના 19,000 થી વધુ નાગરિકોને કેશ ડોલ (રોજિંદી સહાય) અને ઘરવખરી નુકસાનીના વળતરની ચૂકવણી સીધી બેંક ખાતામાં કરી દેવામાં આવી છે. જે લોકો પ્રથમ માળે રહેતા હતા અને તેમના ઘરમાં પાણી ભરાયું ન હતું, પરંતુ પૂરના કારણે કામધંધો બંધ રહેતા નોકરીએ જઈ શક્યા ન હતા અને રોજગાર ગુમાવવો પડ્યો હતો, તેવા જરૂરિયાતમંદ પરિવારોને પણ સરકારે આ સહાય અંતર્ગત આવરી લીધા છે.









