Surat

સુરત પાલિકાની નબળી કામગીરી વધુ એક કિસ્સો : ડ્રેનેજ કામગીરી બાદ નવો રસ્તો ધસી પડ્યો, ડમ્પર ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામ

By GS TEAM
17 Jun 20262 mins read
TukuTouch Logo
સુરતના લિંબાયત ઝોનના ડિંડોલી વિસ્તારમાં ડ્રેનેજ કામગીરી બાદ તાજેતરમાં બનેલા રસ્તાની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. માનસી રેસીડેન્સી સામે પાણીની ટાંકી નજીક રસ્તામાં તિરાડો પડતાં ડમ્પર ફસાઈ ગયું હતું. યોગ્ય પુરાણ વિના રસ્તો બનાવતા, પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. પાલિકાની બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે લોકોમાં રોષ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની નબળી કામગીરી વધુ એક કિસ્સો : ડ્રેનેજ કામગીરી બાદ નવો રસ્તો ધસી પડ્યો, ડમ્પર ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામ

Surat Corporation : સુરત પાલિકાના લિંબાયત ઝોનના ડિંડોલી વિસ્તારમાં ડ્રેનેજ કામગીરી બાદ હાલમાં જ બનાવાયેલા રસ્તાની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. માત્ર થોડા જ સમયમાં રસ્તામાં તિરાડો અને ધસારો પડતાં ડમ્પર ફસાઈ જવાની ઘટના સર્જાઈ હતી, જેના કારણે પીક અવર્સમાં સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. કલાકો સુધી ટ્રાફિક જામ થતા લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
લિંબાયત ઝોન હેઠળ આવેલી માનસી રેસીડેન્સીની સામે પાણીની ટાંકી નજીક થોડા સમય પહેલાં જ ડ્રેનેજ કામગીરી પૂરી કરવામાં આવી હતી. આ કામગીરી પૂરી થતા યોગ્ય પુરાણ કર્યા વિના જ રોડ બનાવી દેવામાં આવ્યો હતો. તેની અસર આજે સવારે અચાનક જોવા મળી હતી. માર્ગ પર સવારે અચાનક મોટી તિરાડો દેખાઈ આવી હતી. થોડી જ ક્ષણોમાં રસ્તાનો એક ભાગ બેસી જતા ડમ્પર તેમાં ફસાઈ ગયું હતું. પરિણામે પીક અવર્સ દરમિયાન સમગ્ર વિસ્તાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો અને નોકરી-ધંધે જતા હજારો વાહન ચાલકો અટવાઈ ગયા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડ્રેનેજ કામગીરી પૂર્ણ થયા બાદ જ આ રસ્તો બનાવવામા આવ્યો છે પરંતુ ટ્રેન્ચ પુરવામાં પાલિકા તંત્રએ બેદરકારી દાખવી છે. યોગ્ય પુરાણ કર્યા વિના અને ટેકનિકલ ધોરણનું પાલન યોગ્ય રીતે ન થતા રસ્તો થોડા જ સમયમાં બેસી જવા પામ્યો હતો. કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાતા સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાનું તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું અને તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. છતાં પણ તાજી બનેલી રોડ કામગીરીની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે.