સુરતના ગણેશોત્સવમાં નવી પેઢીને પૌરાણિક વારસાથી જોડવાનો પ્રયાસ : 'જળમગ્ન દ્વારકા નગરી'ની થીમ પર ગણેશ પંડાલમાં બાપ્પા બિરાજમાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ganeshotsav : મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં નવી પેઢી પોતાની પૌરાણિક સંસ્કૃતિ અને વારસાથી દૂર ન થાય તે માટે સુરતના ગણેશ મંડપો હવે માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ સંસ્કૃતિ અને ઇતિહાસની પાઠશાળા બનતા જોવા મળી રહ્યા છે. નાનપુરા સેઇલર યુવક મંડળે આ વર્ષે ગણેશ મંડપમાં જળમગ્ન દ્વારકા નગરીનું વિશાળ મોડલ તૈયાર કરી સ્ટુડન્ટ અને ઝેન-જી યુવાઓને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી દ્વારકાની કથા અને પૌરાણિક વારસાની ઓળખ કરાવવાનો પ્રયાસ કર્યો છે. ચારથી પાંચ મહિનાના આયોજન અને 25 દિવસની મહેનત બાદ તૈયાર થયેલી આ થીમ જોવા માટે કેટલીક શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓને મંડપમાં લઈ આવી રહ્યા છે અને મોડલના માધ્યમથી તેમને દ્વારકા નગરીનો ઇતિહાસ સમજાવી રહ્યા છે.
નાનપુરા સેઇલર યુવક મંડળ દ્વારા છેલ્લા 43 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશજીની સ્થાપના સાથે દર વર્ષે ધાર્મિક અને પૌરાણિક વિષયને કેન્દ્રમાં રાખીને મંડપની થીમ તૈયાર કરવામાં આવે છે. ગત વર્ષે સમુદ્રમંથનની થીમ રજૂ કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીનું મોડલ ગણેશ ભક્તો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મંડળના આયોજક મયંક સારંગે જણાવ્યું હતું કે, મંડળ દ્વારા દર વર્ષે ધાર્મિક થીમને આધારે ગણેશજીની સ્થાપના સાથે મંડપ તૈયાર કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી બાળકો અને યુવાનોમાં પોતાની સંસ્કૃતિ અંગેની જાણકારી ઓછી થતી જોવા મળે છે. તેથી ગણેશોત્સવના માધ્યમથી નવી પેઢીને હિન્દુ સંસ્કૃતિ અને પૌરાણિક વારસાથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દ્વારકા નગરી દરિયામાં ડૂબી હોવાની કથા પણ અનેક બાળકો માટે અજાણી હોવાથી આ વર્ષે જળમગ્ન દ્વારકાની થીમ પસંદ કરવામાં આવી છે.
મંડળના સભ્ય કેયુર ખલાસીએ જણાવ્યું હતું કે, જળમગ્ન દ્વારકાની થીમ માટે ચારથી પાંચ મહિના પહેલાંથી આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે મોડલને વાસ્તવિક સ્વરૂપ આપવામાં આશરે 25 દિવસનો સમય લાગ્યો હતો. મોડલ તૈયાર કરવાનો મુખ્ય હેતુ માત્ર ગણેશ ભક્તોને આકર્ષવાનો નહીં, પરંતુ બાળકોને ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા અંગે જાણકારી આપવાનો પણ છે. કેટલીક શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓને આ મંડપમાં લઈ આવી રહ્યા છે અને મોડલ બતાવી દ્વારકાની પૌરાણિક કથા તથા તેના મહત્વ અંગે માહિતી આપી રહ્યા છે. મોડલ સામે ઊભા રહીને શિક્ષકો વિદ્યાર્થીઓને દ્વારકા નગરી અંગે સમજાવતા હોવાથી બાળકોને પણ વિષયને દૃશ્ય સ્વરૂપે સમજવાની તક મળી રહી છે. પુસ્તકમાં વાંચેલી પૌરાણિક કથા જ્યારે વિશાળ મોડલના સ્વરૂપમાં નજર સામે આવે છે ત્યારે બાળકોમાં પણ તેના વિશે જાણવાની ઉત્સુકતા જોવા મળી રહી છે. આ રીતે ગણેશ મંડપ ભક્તિ સાથે જ્ઞાન અને સંસ્કૃતિના સંદેશનું માધ્યમ બની રહ્યો છે.
અન્ય આયોજક જય સારંગે જણાવ્યું હતું કે, ગણેશોત્સવના આયોજનમાં માત્ર યુવકોની જ નહીં પરંતુ મહિલાઓની પણ મહત્વની ભૂમિકા છે. શેરીમાં થ્રીડી રંગોળી સહિતની સજાવટમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાય છે. આ ઉપરાંત પૂજા અને પ્રસાદની વ્યવસ્થામાં પણ મહિલાઓ મહત્વની જવાબદારી સંભાળે છે. ગણેશોત્સવને સમગ્ર સમાજ સાથે મળીને ઉજવવાનો પ્રયાસ કરવામાં આવે છે. નાનપુરા સેઇલર યુવક મંડળના 43 વર્ષના ગણેશોત્સવમાં દર વર્ષે અલગ ધાર્મિક થીમ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે જળમગ્ન દ્વારકાની થીમ દ્વારા ગણેશજીની ભક્તિની સાથે ભગવાન કૃષ્ણની નગરી અને પૌરાણિક વારસાની ઓળખ નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો છે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ મંડપની મુલાકાત લઈ રહ્યા હોવાથી ગણેશોત્સવ દરમિયાન તૈયાર થયેલું આ મોડલ નવી પેઢી માટે સંસ્કૃતિના પાઠ નું માધ્યમ બની રહ્યું છે.
મંડપના આયોજનમાં મહિલાઓની પણ મહત્વની ભૂમિકા : થ્રીડી રંગોળીથી પૂજા-પ્રસાદ સુધી મહિલાઓ સક્રિય
ગણેશોત્સવને સફળ બનાવવા નાનપુરા સેઇલર યુવક મંડળના યુવકો સાથે મહિલાઓ પણ ખભે ખભો મિલાવીને કામગીરી કરી રહી છે. ગણેશ મંડપની થીમ તૈયાર કરવા ઉપરાંત શેરીની સજાવટમાં પણ મહિલાઓની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે. ખાસ કરીને થ્રીડી રંગોળી તૈયાર કરીને શેરીને આકર્ષક બનાવવામાં મહિલાઓનો મોટો ફાળો છે. આ ઉપરાંત ગણેશજીની પૂજા, પ્રસાદની વ્યવસ્થા સહિતની કામગીરીમાં પણ મહિલાઓ જવાબદારી સંભાળી રહી છે. આમ, ગણેશોત્સવના આયોજનમાં મહિલાઓની ભાગીદારી માત્ર સહયોગ પૂરતી નહીં પરંતુ આયોજનના વિવિધ તબક્કે મહત્વપૂર્ણ બની રહી છે.




