સુરતમાં ફૂડ ચેકિંગની ઝુંબેશ વચ્ચે ડી માર્ટની બેદરકારીનો સિલસિલો યથાવત્ : બદામમાંથી જીવાત નિકળતા વિવાદ, 5 હજારનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Food Safety : સુરતમાં ફુડ પોઈઝનીંગ બાદ આરોગ્ય વિભાગની ઝેપટમાં બીજીવાર ડી માર્ટ આવ્યું છે. આગાઉ એક્સપાયરી ડેટના બ્રેડ મળી આવ્યા બાદ ગોડાદરાની ડી માર્ટેમાંથી એક યુવતીએ બદામ ખરીદી તેમાં ઈયળ નીકળી છે. યુવતીએ ઘટનાનો વીડિયો બનાવતાં સ્ટાફ દ્વારા વીડિયો બંધ કરાવવા દબાણ કર્યાનો પણ આક્ષેપ થયો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાલિકા આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી અને ટીમની હાજરીમાં પેકેટ ખોલવામાં આવતા તેમાં જીવાત મળી આવી હતી. જેના પગલે ડી માર્ટને નોટિસ સાથે 5 હજારનો દંડ ફટકાર્યો હતો.
ગોડાદરા વિસ્તારમાં આવેલા ડી માર્ટમાંથી 26 ઓગસ્ટના રોજ એક યુવતી કાજુ-બદામની ખરીદી કરવા પહોંચી હતી. યુવતીએ બદામનું પેકેટ ખરીદ્યા બાદ તેમાં જીવાત જોવા મળતાં તાત્કાલિક ડી માર્ટના મેનેજર અને સ્ટાફનું ધ્યાન દોર્યું હતું. બદામના પેકેટમાંથી જીવાત નીકળતી હોવાની સમગ્ર ઘટનાનો યુવતીએ વીડિયો બનાવવાનું શરૂ કરતાં સ્ટાફ દ્વારા વીડિયો રેકોર્ડિંગ બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો હતો. જોકે, યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પાલિકા આરોગ્ય વિભાગને કરતાં મામલો તંત્ર સુધી પહોંચ્યો હતો.ફરિયાદ મળતાં જ પાલિકા આરોગ્ય વિભાગની ટીમ ડી માર્ટ ખાતે પહોંચી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમાં સંબંધિત બદામનું પેકેટ ખોલીને તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પેકેટમાંથી જીવાત મળી આવતાં તંત્રની ટીમ પણ ચોંકી ઉઠી હતી. ખાદ્યસામગ્રીમાં જીવાત મળી આવતાં આરોગ્ય વિભાગે ડી માર્ટને નોટિસ ફટકારી હતી અને 5 હજારનો વહીવટી દંડ વસૂલ્યો હતો.
ચોંકાવનારી બાબત એ છે કે ડી માર્ટ સામે આ પ્રકારની કાર્યવાહી પહેલી વખત થઈ નથી. અગાઉ અડાજણ ખાતેના ડી માર્ટમાંથી એક્સપાયરી ડેટની ફૂગ લાગેલી બ્રેડનું પેકેટ મળી આવ્યું હતું. આ ઉપરાંત ગત 22 ઓગસ્ટના રોજ ડી માર્ટમાં સફાઈના અભાવ સહિતની ખામીઓ અને એક્સપાયરી ડેટનો માલ મળી આવતાં આરોગ્ય વિભાગ દ્વારા 75 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ ગણતરીના દિવસોમાં જ ગોડાદરાના ડી માર્ટમાંથી બદામના પેકેટમાં જીવાત મળી આવતાં ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સંગ્રહ વ્યવસ્થા સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં ખાદ્ય એકમોની તપાસના દાવા કરવામાં આવી રહ્યા છે અને અખાદ્ય ખોરાકનો નાશ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ એક જ બ્રાન્ડના સ્ટોરમાંથી વારંવાર એક્સપાયરી માલ અને જીવાતવાળી ખાદ્યસામગ્રી મળી આવવી ચિંતાજનક બાબત બની છે. માત્ર દંડ ફટકારીને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે કે પછી ખાદ્યસામગ્રીના સંગ્રહ, ગુણવત્તા અને વેચાણ વ્યવસ્થાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તે હવે જોવાનું રહેશે.

વરાછામાં એક્સપાયરી ડેટની કોલ્ડડ્રિંક્સ ગ્રાહકે પકડી પાડી
પ્રખ્યાત કૈલાશ રેસ્ટોરન્ટમાં કાજુ કતરીમાં ફૂગ જોવા મળતા સ્થાનિક કોર્પોરેટરે તાત્કાલિક પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ રવિવારે વરાછા વિસ્તારમાં પણ જાગૃત ગ્રાહકની નજર એક્સપાયરી ડેટ વીતી ગયેલી કોલ્ડડ્રિંક્સની બોટલ પર પડી હતી. વરાછાના ઘનશ્યામ નગર શેરી નં.20માં આવેલા ‘જય માં ખોડલ’ નામના પાન-કોલ્ડડ્રિંક્સ ના ગલ્લા પરથી ગ્રાહકે કોલ્ડડ્રિંક્સ ની બોટલ ખરીદી હતી. બોટલની એક્સપાયરી ડેટ વીતી ગયેલી હોવાનું ધ્યાનમાં આવતાં ગ્રાહકે તેનો ફોટો અને વીડિયો બનાવી સમગ્ર મામલો પાલિકાના ફૂડ વિભાગના ધ્યાન પર મૂક્યો હતો. ફરિયાદ મળતાં પાલિકાની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને નિયમોનું ઉલ્લંઘન જણાતા દુકાનદાર સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. સતત બે દિવસમાં સામે આવેલી આ બંને ઘટનાઓ દર્શાવે છે કે પાલિકાની તપાસ ઝુંબેશની સાથે હવે નાગરિકો પણ ખાદ્યસામગ્રીના ગુણવત્તા અંગે પહેલાં કરતાં વધુ સજાગ બન્યા છે.




