Surat

સુરતની પાલિકા શાળામાં દારૂની મહેફિલ, સિક્યોરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શનને નોટિસ, ચાર લોકોની ધરપકડ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના ભેસ્તાન વિસ્તારમાં મનપા સંચાલિત શાળા નં. 77 અને 248ના વર્ગખંડમાં સિક્યોરિટી ગાર્ડે સાગરીતો સાથે દારૂની મહેફિલ માણી. બાળકો જ્યાં ભણે છે ત્યાં જ દારૂ પીતા વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. શિક્ષણ સમિતિએ ગાર્ડને હટાવી, 'શક્તિ પ્રોટેક્શન' એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. આ ઘટનાથી વાલીઓમાં રોષ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતની પાલિકા શાળામાં દારૂની મહેફિલ, સિક્યોરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શનને નોટિસ, ચાર લોકોની ધરપકડ

Surat News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વર્ગખંડમાં જ દારૂની મહેફિલ માણી હોવાનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. શાળાની સુરક્ષાની પોલ ખુલતાં જ તંત્ર દોડતું થયું છે. શિક્ષણ સમિતિએ સંબંધિત સિક્યોરિટી ગાર્ડને ફરજ પરથી હટાવી દીધો છે અને સિક્યોરિટીનું સંચાલન કરતી ‘શક્તિ પ્રોટેક્શન’ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

વર્ગખંડમાં દારૂ પીતા વીડિયો વાઈરલ થતાં વાલીઓમાં આક્રોશ

ભેસ્તાનના સિદ્ધાર્થનગર વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 77 અને 248માં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પોતાના સાગરીતો સાથે મળીને રાત્રિના સમયે વર્ગખંડમાં દારૂની મહેફિલ માણી હતી. બાળકો જ્યાં અભ્યાસ કરે છે તે જ વર્ગખંડમાં કેટલાક શખસો બેસીને દારૂ પીતા નજરે પડતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે. હાલ સુરક્ષા કર્મી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શાળાની સુરક્ષા અને ચાવીઓના મોનિટરિંગ સામે ગંભીર પ્રશ્નો

જે ગાર્ડને શાળાના પરિસર અને મિલકતની રખેવાળી સોંપાઈ હતી તેણે જ વર્ગખંડનો ઉપયોગ દારૂ અડ્ડા તરીકે કરતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાળા બંધ હોય કે રજાના દિવસે પરિસરમાં પ્રવેશ કોના આદેશથી અપાય છે? વર્ગખંડોની ચાવીઓ કોની પાસે રહે છે? સિક્યુરિટી એજન્સી ગાર્ડની હાજરી અને કામગીરીનું મોનિટરિંગ કેવી રીતે કરે છે?

એજન્સી સામે કડક પગલાં લેવા માંગ

લોકોના આક્ષેપ મુજબ, શાળાઓમાં સિક્યુરિટીની ગંભીર બેદરકારીઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. પરંતુ તંત્ર માત્ર ગાર્ડને હટાવી કે એજન્સીને સામાન્ય દંડ અને નોટિસ આપીને સંતોષ માની લે છે, જેના કારણે આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. માત્ર એક ગાર્ડને બરતરફ કરવાથી કે કાગળ પર નોટિસ આપવાથી મામલો પતી જશે કે કેમ તે સામે સવાલો ઊઠ્યા છે. બાળકોની સુવિધાઓ અને સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર મામલે 'શક્તિ પ્રોટેક્શન' એજન્સી સામે કડકમાં કડક કાર્યવાહી કરી જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.