સુરતમાં ખાડીપૂરની આફત બાદ તાપી કિનારે તૂટેલા પાળાથી નવી ચિંતા, મોટા વરાછામાં જોખમ વધ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : ખાડી પૂરની આફત બાદ સુરત સામે હવે વધુ એક જોખમ ઊભું થયું છે. મોટા વરાછામાં તાપી નદીના કિનારે સંરક્ષણ પાળો ત્રણ સ્થળે તૂટી જતાં નદીકાંઠાના ધોવાણ વધ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તૂટેલા પાળાથી માત્ર 45થી 50 ફૂટ દૂર હાઇરાઇઝ બિલ્ડિંગના બાંધકામ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. 7 જુલાઈના ભારે વરસાદ દરમિયાન તાપી નદીના કાંઠે સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા સંરક્ષણ પાળાને ભારે નુકસાન પહોંચ્યું હતું. પાણીના જોરદાર પ્રવાહના કારણે પાળો ત્રણ અલગ-અલગ સ્થળે તૂટી ગયો છે, જ્યારે તેની બાજુમાં આવેલી જાહેર ફૂટપાથનો પણ મોટો ભાગ જમીનમાં ધસી પડ્યો છે. હાલ આ વિસ્તારમાં પગપાળા અવરજવર કરવી પણ જોખમી બની ગઈ છે. જોખમને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ સ્થળ પર ચેતવણીના બેનરો લગાવી લોકોને દૂર રહેવાની સૂચના આપી છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે માત્ર ચેતવણીના બેનરો લગાવવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. સતત વધી રહેલા ધોવાણને કારણે નદીકાંઠાની જમીન નબળી પડી રહી છે અને સમયસર મજબૂત સમારકામ નહીં કરવામાં આવે તો વધુ મોટું નુકસાન થવાની ભીતિ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તૂટેલા પાળાની નજીક ચાલી રહેલા હાઈરાઈઝ બાંધકામ ઉપરાંત આસપાસની રહેણાંક સોસાયટી માટે પણ આ સ્થિતિ ચિંતાજનક છે. આગામી દિવસોમાં ફરી ભારે વરસાદ પડે અથવા તાપી નદીમાં પાણીની આવક વધે તો ધોવાણ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં નિર્માણાધીન ઈમારત તેમજ આસપાસના વિસ્તારમાં જાનમાલને નુકસાનની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.સ્થાનિક રહીશોએ સુરત મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગને સંયુક્ત રીતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાળાનું કાયમી અને મજબૂત સમારકામ, નદીકાંઠાના ધોવાણને રોકવા માટે રક્ષણાત્મક કામગીરી તેમજ જોખમી બનેલી ફૂટપાથ નું પુનઃનિર્માણ તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.









