Surat

ખાડી પૂર પછી હવે લોકો ખોલી રહ્યા છે તંત્રની પોલ : વરિયાવની ખાડી બની બેદરકારીનો પુરાવો

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ખાડી પૂર બાદ હવે વરિયાવ-કોડીવાડ વિસ્તારના લોકો તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ખાડીની સફાઈ ન થતાં તે કચરાથી ભરાઈ ગઈ છે. પરિણામે, થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. જો તાત્કાલિક ડીસિલ્ટિંગ નહીં થાય તો ઉધનાની જેમ આ વિસ્તારમાં પણ ખાડી પૂરનો ખતરો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાડી પૂર પછી હવે લોકો ખોલી રહ્યા છે તંત્રની પોલ : વરિયાવની ખાડી બની બેદરકારીનો પુરાવો

Surat : સુરતમાં ખાડી પૂરની આફત બાદ હવે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી લોકો તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે. પાણી ભરાવાના કારણો પણ લોકો ખુદ જ સામે લાવી રહ્યા છે. વરિયાવ–કોડીવાડ વિસ્તારની ખાડી વર્ષોથી સાફ કરવામાં આવી નથી અને ગાદ તેમજ કચરાથી ભરાઈ ગઇ હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. તેના કારણે થોડો વરસાદ પડતાં જ પાણીનો નિકાલ અટકી જાય છે અને રસ્તા પર પાણી ફરી વળે છે. જો તાત્કાલિક ખાડીની સફાઇ અને ડીસિલ્ટિંગ નહીં કરવામાં આવે તો આગામી ભારે વરસાદમાં આ વિસ્તાર પણ ખાડી પૂર જેવી ગંભીર સ્થિતિનો ભોગ બની શકે છે.

સુરતના વરિયાવ વિસ્તારમાં કોળીવાડ બાજુમાં આવેલી ખાડીમાં સફાઈ વર્ષોથી થતી ન હોય ઉધના લિંયાયતની જેમ આ વિસ્તારમાં પણ ખાડી પૂર આવી શકે તેવી દહેશત લોકોએ વ્યક્ત કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરિયાવ–કોડીવાડ પાસેની ખાડીમાં વર્ષોથી ગાદ અને કચરો જમા થતો રહ્યો છે. વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાતાં પાણી ખાડીમાંથી બહાર આવી મુખ્ય માર્ગ પર આવી જાય છે તેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ખાડીની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. દર વર્ષે ચોમાસા પહેલાં સફાઈના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. વર્ષોથી જમા થયેલી ગાદ અને કચરો દૂર ન થતાં દર વરસાદે એ જ સમસ્યા ફરી ઊભી થાય છે.

ખાડીપૂરની તાજેતરની આફત બાદ વરિયાવ–કોડીવાડ વિસ્તારની સ્થિતિ ફરી એકવાર એ સવાલ ઊભો કરે છે કે જ્યારે સમસ્યા વર્ષોથી જાણીતી છે, ત્યારે તેનું કાયમી નિરાકરણ લાવવા માટે અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી? સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે જો હવે પણ તંત્ર જાગશે નહીં તો આગામી વરસાદમાં વરિયાવ પણ ખાડી પૂરનો ભોગ બનતા વાર નહીં લાગે.