સુરતમાં ખાડી પૂર પછી હવે ડ્રેનેજમાં જમા થયેલા કાદવની ચિંતા : સ્ટ્રોમ ડ્રેનેજનું સિલ્ટિંગથી વધ્યું જોખમ, પાલિકાએ મશીનથી શરૂ કરી સફાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : ખાડી પૂર દરમિયાન પાણીના નિકાલ માટે ખોલવામાં આવેલા સ્ટ્રોમ ડ્રેનેજ હવે કાદવ અને કચરાથી છલકાઈ રહ્યા છે. પૂરનું પાણી ઉતર્યા બાદ ડ્રેનેજમાં મોટા પ્રમાણમાં સિલ્ટિંગ થતાં આગામી વરસાદમાં ફરી પાણી ભરાવાની શંકા ઉભી થઈ છે. તેથી પાલિકા તંત્રએ વરાછા, ઉધના અને લિંબાયત જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મશીનરી દ્વારા કાદવ, પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી છે, જેથી આગામી વરસાદ પહેલાં ડ્રેનેજ વ્યવસ્થા ફરી કામ કરતી થઈ જાય તેવી કવાયત શરૂ કરી છે.
સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂર દરમિયાન શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં ડ્રેનેજના ઢાંકણા ખોલવાની ફરજ પડી હતી. પાણી સાથે કાદવ, માટી, પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો અને અન્ય કચરો પણ ડ્રેનેજમાં ધસી ગયો હતો. તેના કારણે ડ્રેનેજની અંદર કાદવનો મોટો થર જમા થઈ ગયો છે, જેના કારણે વરસાદી પાણીના નિકાલ માટે મુશ્કેલી થઈ શકે છે. પૂર પહેલાં પણ શહેરમાં સ્ટ્રોમ ડ્રેનેજની સફાઈ પૂરતી ન થતી હોવાની ફરિયાદ થઈ હતી. ભારે વરસાદ સામે ડ્રેનેજ વ્યવસ્થા પણ નબળી સાબિત થઈ હતી અને અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. હવે પૂરનું પાણી ઉતરી ગયા બાદ ડ્રેનેજમાં જમા થયેલો કાદવ નવી સમસ્યા બની છે. પાલિકા દ્વારા હાલ ખાસ મશીનોની મદદથી ડ્રેનેજમાંથી કાદવ અને કચરો બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
સફાઈ દરમિયાન ઘણા ડ્રેનેજ ચેમ્બરમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરો પણ મળી આવ્યો છે, જે પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો કરી રહ્યો હતો. પાલિકાના જણાવ્યા મુજબ હાલમાં વરાછા, ઉધના અને લિંબાયત વિસ્તારમાં સફાઈને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડ્રેનેજની સફાઈ કરવામાં આવશે. પાલિકાનું કહેવું છે કે આગામી વરસાદ પહેલાં ડ્રેનેજમાંથી કાદવ અને કચરો દૂર કરવો જરૂરી છે. જો આ કામગીરી સમયસર પૂર્ણ નહીં થાય તો ફરી ભારે વરસાદમાં પાણીના નિકાલ ધીમો પડી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી હાલ યુદ્ધના ધોરણે સ્ટ્રોમ ડ્રેનેજને ફરી કાર્યક્ષમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.









