સુરતમાં ભેળસેળખોરો ભગવાન સુધી પહોંચ્યા! : દીવાના ઘીમાં પણ ખેલ, 200 રૂપિયા લીટરનું વેચાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : શ્રાવણ માસમાં મંદિરો અને ઘરોમાં દીપ પ્રાગટ્ય માટે ઘીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અત્યાર સુધી ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળની ફરિયાદ સામે આવતી હતી, પરંતુ હવે ભગવાનની પૂજા માટે ઉપયોગમાં લેવાતા દીવાના ઘીના વેચાણમાં પણ શંકાસ્પદ પ્રોડક્ટ્સ બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદ બહાર આવી છે. સુરત સહિત ગુજરાતમાં કેટલીક દુકાનો અને રસ્તા પરના વેચાણ કેન્દ્રો પર ‘દીવાના ઘી’ અને ‘પૂજા ઘી’ના નામે એવી પ્રોડક્ટનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે, તેની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે.
શ્રાવણ માસ શરૂ થતાં જ મંદિરમાં પૂજા-અર્ચના અને ઘરોમાં ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય માટે ઘીની માંગમાં વધારો થાય છે. આ માંગને ધ્યાનમાં રાખીને બજારમાં વિવિધ બ્રાન્ડ અને નામથી ‘દીવાના ઘી’ ઉપલબ્ધ બન્યું છે. સામાન્ય ઘીની સરખામણીએ આવા ઘીના ભાવ ખૂબ ઓછા હોવાથી શ્રદ્ધાળુઓ પણ સસ્તા ભાવથી આકર્ષાઈને તેની ખરીદી કરી રહ્યા છે. કેટલાક સ્થળોએ એક લીટર ‘દીવાના ઘી’ આશરે 200 થી 220ના ભાવે વેચાતું હોવાનું જોવા મળી રહ્યું છે. સવાલ એ છે કે શુદ્ધ ઘીના ભાવની સરખામણીએ આટલા ઓછા ભાવે વેચાતી પ્રોડક્ટમાં ખરેખર ઘી છે કે અન્ય કોઈ ચરબીયુક્ત પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે? ગ્રાહક જ્યારે ‘દીવાના ઘી’ના નામે બોટલ કે ડબ્બો ખરીદે છે ત્યારે તેને તેમાં વપરાયેલા ઘટકો અને તેની વાસ્તવિક ગુણવત્તા અંગે કેટલી માહિતી મળે છે તે પણ તપાસનો વિષય છે. સસ્તા ભાવને કારણે આવી પ્રોડક્ટનું વેચાણ રસ્તા પરના સ્ટોલથી લઈને કેટલીક દુકાનો સુધી થઈ રહ્યું છે. ખાસ કરીને શ્રાવણ દરમિયાન ધાર્મિક વિધિ માટે ઘીની માંગ વધતી હોવાથી વેપારીઓ દ્વારા આ પ્રકારની પ્રોડક્ટનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો છે. બીજી તરફ, સામાન્ય ગ્રાહક માટે શુદ્ધ ઘી અને માત્ર દીપ પ્રાગટ્ય માટેની પ્રોડક્ટ વચ્ચેનો તફાવત સમજવો મુશ્કેલ બની શકે છે.
જો ‘દીવાના ઘી’ના નામે વેચાતી પ્રોડક્ટમાં ખરેખર ઘી સિવાયના પદાર્થોનો ઉપયોગ થતો હોય તો ગ્રાહકોને તેની સ્પષ્ટ માહિતી મળવી જરૂરી છે. પ્રોડક્ટની બનાવટ, તેમાં વપરાયેલા પદાર્થો અને તેની ગુણવત્તા અંગે યોગ્ય લેબલિંગ થાય છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. શ્રાવણ માસ દરમિયાન આવી પ્રોડક્ટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોવાથી પાલિકા અને સંબંધિત તંત્રએ બજારમાં વેચાતા ‘દીવાના ઘી’ અને ‘પૂજા ઘી’ના નમૂના લઈ તેની તપાસ કરવી જોઈએ. ખાસ કરીને 200ની આસપાસના ભાવે વેચાતી પ્રોડક્ટમાં ખરેખર શું વપરાય છે તે લેબોરેટરી તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ છે.
એક તરફ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ધાર્મિક ઉપયોગની વસ્તુઓના નામે ગુણવત્તા અંગે શંકા ઊભી કરતી પ્રોડક્ટનું વેચાણ થતું હોય તો તંત્રએ તેની ગંભીરતાથી નોંધ લેવી જરૂરી છે. શ્રદ્ધાળુઓ ભગવાન સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાની ભાવનાથી ખરીદી કરે છે. આવી સ્થિતિમાં તેમને ઘીના નામે શું વેચવામાં આવે છે તેની હકીકત બહાર લાવવી જરૂરી બની છે.
શ્રાવણ માસમાં ‘દીવાના ઘી’ અને ‘પૂજા ઘી’ના નામે વેચાતી પ્રોડક્ટ અંગે માત્ર ફરિયાદોના આધારે નહીં, પરંતુ નમૂના લઈને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે તો જ ભેળસેળ છે કે નહીં તેની સચોટ હકીકત સામે આવી શકે. ભક્તોની આસ્થાને વેપાર અને નફાનો વિષય બનાવવામાં આવી રહ્યો છે કે નહીં તે હવે તંત્રની તપાસનો વિષય બન્યો છે.
દીવાના ઘીના નામે વેચાતી પ્રોડક્ટ પર ચોંકાવનારી નોંધઃ દીપ પ્રાગટ્ય, ધાર્મિક પૂજા, હોળી અને હવન માટે જ ઉપયોગની સૂચના
દીવાના ઘી અને પૂજા માટેના ઘીના નામે બજારમાં વેચાતી કેટલીક પ્રોડક્ટના પેકિંગ પર જ ‘માનવ વપરાશ માટે નથી’ એવી સ્પષ્ટ નોંધ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પેકિંગ પર આ ઉત્પાદન માનવ વપરાશ માટે ન હોવાથી ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ’ની કોઈ જોગવાઈ લાગુ પડતી નથી તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. પ્રોડક્ટના ઉપયોગ અંગે પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે તેનો ઉપયોગ માત્ર દીપ પ્રજ્વલન, ધાર્મિક પૂજા, હોળી અને હવન સામગ્રી માટે જ કરવાનો છે. આમ, એક તરફ પ્રોડક્ટના નામમાં ‘ઘી’ શબ્દનો ઉપયોગ થાય છે, જ્યારે બીજી તરફ તે માનવ વપરાશ માટે યોગ્ય ન હોવાનું પેકિંગ પર જ દર્શાવવામાં આવે છે.
આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય ગ્રાહક આવી પ્રોડક્ટને કેવી રીતે સમજે? ‘દીવાના ઘી’ કે ‘પૂજા ઘી’ના નામે વેચાતી વસ્તુમાં વપરાયેલા પદાર્થોની સંપૂર્ણ માહિતી ગ્રાહકને આપવામાં આવે છે કે નહીં? માત્ર ‘માનવ વપરાશ માટે નથી’ એવું લખી દેવાથી તેની ગુણવત્તા, બનાવટ અને વેચાણની પદ્ધતિ અંગેની જવાબદારીમાંથી ઉત્પાદક કે વેપારી છટકી શકે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે.
ખાસ કરીને શ્રાવણ માસમાં આવી પ્રોડક્ટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોવાથી સંબંધિત તંત્ર દ્વારા આવા ઘીના નમૂના લઈ તેની બનાવટ અને ગુણવત્તાની તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે. લેબલ પાછળ કાયદાની છટકબારી છે કે ખરેખર ધાર્મિક ઉપયોગ માટેની અલગ પ્રોડક્ટ છે? તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.
ભેળસેળિયા માફિયાઓથી સાવચેત રહેવા અપીલ
પૂજા માટે બજારમાં મળતા સસ્તા ઘીનો ઉપયોગ ટાળવા અને સ્વીટ બરફીના નામે વેચાતા સસ્તા માવાથી દૂર રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ટકોર શ્રાવણ માસના તહેવારો બાદ ગણેશોત્સવ અને નવરાત્રી જેવા તહેવારોને પગલે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ભેળસેળિયા તત્વોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ખાસ કરીને પૂજા માટે બજારમાં મળતા સસ્તા ઘીનો ઉપયોગ ટાળવા લોકોને અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ બજારમાં પૂજા માટે વેચાતા કેટલાક સસ્તા ઘીમાં કેમિકલ અને પામ ઓઈલ જેવા તત્વોનો ઉપયોગ થતો હોવાની બાબત સામે આવી છે.
આરોગ્ય મંત્રીએ નાગરિકોને આવી નકલી કે શંકાસ્પદ પ્રોડક્ટનો બહિષ્કાર કરવા તેમજ માત્ર સસ્તા ભાવને ધ્યાનમાં રાખીને ખરીદી ન કરવા જણાવ્યું છે. બીજી તરફ શ્રાવણ બાદ ગણેશોત્સવ અને નવરાત્રી દરમિયાન પ્રસાદ તથા મીઠાઈમાં વપરાતા માવા અંગે પણ તેમણે સાવચેતી રાખવા ટકોર કરી છે. ખાસ કરીને ‘સ્વીટ બરફી’ના નામે વેચાતા સસ્તા માવાનો ઉપયોગ ટાળવા તેમણે અપીલ કરી છે, કારણ કે આવા માવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા છે.









