ચોરી ઉપર સીનાજોરી! સુરતમાં ભાજપ નેતાઓના ₹19 લાખના કથિત સેટલમેન્ટની ચેટનો વિવાદ, શહેર પ્રમુખે મીડિયાને આપી 'નોટિસ'ની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: 'ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે' આ કહેવત હવે ખરેખર અર્થમાં સુરત ભાજપે સાબિત કરી દીધી છે. સુરતમાં ગેરકાયદે બાંધકામમાં 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટની ચર્ચા કરતી કથિત વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. જેમાં ભાજપના જ કાર્યકરો અને નેતાઓ એકબીજા સામે તોડકાંડના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમાં એક્શન લેવાને બદલે ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે મીડિયા પર દોષનો ટોપલો ઢોળી નોટિસ ફટકારવાની ધમકી આપી છે.
કથિત સેટલમેન્ટ પર તપાસને બદલે મીડિયાને નોટિસની ધમકી!
ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલની અણસમજ કહો કે દાદાગીરી! ભાજપના અંદરનો ડખો ઉજાગર કરતી મીડિયા કથિત સેટલમેન્ટ પર સવાલો ઊભા કરે છે તે સ્વાભાવિક છે, તેથી ભાજપ શહેર પ્રમુખની પેટમાં તેલ રેડાય છે. તે જવાબદારીમાં છટકી ભાજપના જ કાર્યકરોએ કરેલા આરોપને અવગણી મૂકે છે અને સમગ્ર મામલે મીડિયાને જવાબદાર ઠેરવી કહે છે કે-
તેના માટે નોટિસ આપવામાં આવી છે. આ સમાચાર ખોટા છે. જે જે લોકોએ પ્રસારણ કર્યું છે, તેના વિરુદ્ધમાં, નોટિસ તેમને મળી જશે ત્રણ-ચાર દિવસની અંદર જ. જેણે જેણે પ્રસારણ કર્યું, તેને જવાબ આપવા માટે જવું પડશે. જેણે કઈ પ્રસારણ કર્યું તેણે સાચી હકીકત જાણી કે નહીં? એણે જાણવી જોઈએ ને! પ્રૂફ વગર કેવી રીતે તમે પ્રૂવ કરો? કાલે તમે મારા નામે કહી દેશો કે પરેશ પટેલ પાંચ કરોડ લઈ ગયા. તો હવે એ તો આવશે ને, જેને જવાબ આપવાનો આવશે તે આપશે. એમની પાસે પ્રૂફ હશે ને, એ બધા પ્રૂફ આપશે અને પુરવાર કરશે. વોટ્સએપ ચેટ તો કોઈ પણ કાર્યકર્તા, તમે પણ વોટ્સએપ પર મારા નામની ચેટ કરી તો શું? કોણ જવાબદાર?
જાણ્યા જોયા વગર ક્લીન ચીટ આપવાનું કારણ શું?
અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ભાજપ શહેર પ્રમુખ કેમ કથિત સેટલમેન્ટને જાણ્યા જોયા વગર ક્લીન ચીટ આપી રહ્યા છે અને નોટિસની ધમકી આપી મીડિયા પર દબાણ લાવી રહ્યા છે ? કે પછી વ્હાલા દવલાની નીતિ રાખી કથિત તોડકાંડ કરનારનું મનોબળ વધારી રહ્યા છે. કહેવાય છે કે ભાજપ શિસ્ત બધ્ધ પાર્ટી છે, ભ્રષ્ટાચાર સામે ગુજરાત સરકાર ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવે છે તો શું તે નીતિમાંથી ભાજપ નેતાઓની બાદબાકી છે! શહેર પ્રમુખના નિવેદનથી તો એવું લાગી રહ્યું છે કે ભાજપનો પટ્ટો કોઈ નેતાએ પહેરી લીધો હોય તો તેની સામે ભલે ગંભીર આરોપ હોય તો પણ સબૂત હશે તો જ કહેવાતી તપાસ થશે નહીંતર ગોળગોળ જવાબ આપી કાંતો મુદ્દાને મરોડી નખાશે અથવા તો બધો આરોપ મીડિયા પર નાખી હાથ ખંખેરી નખાશે.
શું છે સમગ્ર મામલો?
ગત 18 નવેમ્બરના રોજ સુરત ભાજપમાં આંતરિક ખેંચતાણ અને એકબીજાની સામે આક્ષેપબાજીનો એક વિવાદ સામે આવ્યો હતો. જેમાં ગેરકાયદે બાંધકામમાં 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટની ચર્ચા કરતી વોટ્સએપ ચેટ વાઈરલ થતાં શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. ખાનગી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામના મામલે 19 લાખ રૂપિયાનો તોડ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. એટલું જ નહીં, વૉર્ડ નંબર 27ના દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યા હોવાની ચર્ચાએ વિવાદને વધુ ગંભીર બનાવ્યો હતો.

ગેરકાયદે બાંધકામમાં કથિત સેટલમેન્ટને લઈ નેતાઓ શંકાના ઘેરામાં
વાઈરલ થયેલી ચેટમાં ગેરકાયદે બાંધકામના કથિત સેટલમેન્ટથી માંડીને નાણાંની વહેંચણી સુધીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં લિંબાયત ઝોનની ભૂમિકા પણ શંકાના ઘેરામાં હોવાનું કહેવાય છે. બીજી તરફ ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયા કોણ લઈ ગયું તેની પણ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. આ વિવાદમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે કોર્પોરેટરના મોબાઇલમાંથી ચેટના મેસેજ વાઈરલ થયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તે ભાઈદાસ પાટીલે પોતાના મોબાઇલમાંથી આવા મેસેજ મોકલ્યા હોવાનો ઇન્કાર કર્યો છે. તેમણે સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ આક્ષેપ કરનાર કાર્યકરોએ શહેર ભાજપને સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ભાજપના કાર્યકરો દ્વારા પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો સામે ખુલ્લેઆમ આક્ષેપ
ગંભીર ફરિયાદ કરનારા મનીષ નાયકના જણાવ્યા પ્રમાણે, એક ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. આ પ્રકરણમાં ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો સામે ખુલ્લેઆમ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અન્ય વિસ્તારોમાં પણ કેટલાક કોર્પોરેટરો દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાની ચર્ચાઓએ વિવાદને વધુ વેગ આપ્યો છે. જોકે, આ આક્ષેપોની સત્યતા તપાસનો વિષય છે.
સવાલ એ પણ છે કે 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટની હકીકત શું છે, નાણાંની વહેંચણી થઈ હતી કે કેમ, ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયાની ચર્ચા પાછળનું સત્ય શું છે અને ગેરકાયદે બાંધકામના મામલે લિંબાયત ઝોનના અધિકારીઓની કોઈ ભૂમિકા હતી કે કેમ? વાઈરલ ચેટની સત્યતા અને નાણાકીય વ્યવહારની તપાસ થાય તો જ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાશે.




