India

ભાજપ સાંસદ EDના રડારમાં: કરોડોના કૌભાંડમાં સમન્સ, 25 નવેમ્બરે થશે પૂછપરછ

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
ED દ્વારા ભાજપના રાજ્યસભા સાંસદ સતનામ સિંહ સંધૂને સમન્સ પાઠવી પંજાબની એક કંપની સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના 'ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડ' મામલે 25 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવાયા છે. ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર સંધૂ પર વ્યૂનો ગ્રુપ પાસેથી નાણાકીય વ્યવહારોનો આરોપ છે. આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ થઈ છે અને 2024થી PMLA હેઠળ તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપ સાંસદ EDના રડારમાં: કરોડોના કૌભાંડમાં સમન્સ, 25 નવેમ્બરે થશે પૂછપરછ

ED Summons BJP MP Satnam Singh Sandhu : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભાજપના રાજ્યસભા સાંસદ સતનામ સિંહ સંધૂને સમન્સ મોકલીને પૂછપરછ માટે હાજર થવા આદેશ કરાયો છે. આ સમગ્ર પ્રકરણ પંજાબની એક કંપની સાથે સંકળાયેલું છે, જેના પર રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. 57 વર્ષીય સતનામ સિંહ સંધૂ મોહાલી સ્થિત ખાનગી યુનિવર્સિટી, ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પણ કાર્યરત છે.

પ્રથમ સમન્સમાં ગેરહાજર રહ્યા બાદ હવે 25 નવેમ્બરે થશે પૂછપરછ

તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંધૂને અગાઉ 12 નવેમ્બરના રોજ પ્રથમ વખત ED સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે દિવસે તેઓ હાજર રહ્યા નહોતા. ત્યારબાદ હવે એજન્સીએ તેમને 25 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે, આ સમગ્ર મામલે સંધૂ તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

વ્યૂનો કંપનીના 'ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડ' સાથે જોડાયેલા તાર

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની આ તપાસ 'વ્યૂનો' નામની કંપની સાથે સંબંધિત છે. આ કંપની પર કરોડો રૂપિયાના 'ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડ' દ્વારા સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી પડાવી લેવાનો આરોપ છે. EDનો આક્ષેપ છે કે સાંસદ સંધૂ સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓને વ્યૂનો ગ્રુપની કંપનીઓ તરફથી ચોક્કસ નાણાકીય રકમ પ્રાપ્ત થઈ હતી.

નાણાકીય વ્યવહારોની તપાસ માટે તેડું, સીધી સંડોવણીનો ઇનકાર

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, સંધૂને આ નાણાકીય લેવડદેવડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ED એ જાણવા માંગે છે કે આ વ્યવહારો કયા પ્રકારના હતા અને તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો. જોકે, તપાસ અધિકારીઓએ એવું પણ ઉમેર્યું છે કે હાલના તબક્કે આ કૌભાંડમાં સંધૂની કોઈ 'સીધી ભૂમિકા' જણાઈ નથી.

કંપનીના CEO અને તેમના પત્ની સહિત કુલ 3 લોકોની ધરપકડ

આ છેતરપિંડી કેસમાં ED દ્વારા અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીઓમાં વ્યૂનો ગ્રુપના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુખવિંદર સિંહ ખરોર તેમજ તેમના પત્ની ડિમ્પલ ખરોરનો પણ સમાવેશ થાય છે.

વર્ષ 2024થી PMLA અને FEMA હેઠળ ચાલી રહી છે તપાસ

તપાસ એજન્સી ED વર્ષ 2024થી આ સમગ્ર કૌભાંડની તપાસ ચલાવી રહી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA - ધનશોધન નિવારણ કાયદો) અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA - વિદેશી હૂંડિયામણ વ્યવસ્થાપન કાયદો) હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.