રશિયાની મિસાઈલ ચુકી નિશાન: યુક્રેનના બદલે પોલેન્ડના ગામમાં મિસાઈલ પહોંચતા થયો મોટો વિસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russian Missile Enters Poland Airspace: યુક્રેન પર રશિયન હુમલા દરમિયાન એક રશિયન KH-101 ક્રૂઝ મિસાઈલ નાટો (NATO) સભ્ય દેશ પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી. પોલેન્ડના ચ્મિએલેક (Chmielek) ગામ નજીક સુરક્ષા કેમેરામાં એક તેજ ચમક અને વિસ્ફોટ રેકોર્ડ થયો હતો. આ સ્થળ યુક્રેનની સરહદથી આશરે 46 કિલોમીટર દૂર આવેલું છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ રશિયાની KH-101 મિસાઈલ હતી, જે યુક્રેનના લવીવ (Lviv) વિસ્તાર તરફથી આવી હતી.
લુબલિન અને પોડકાર્પાકીમાં એલર્ટ, એરપોર્ટ પર ફ્લાઈટ્સ રોકાઈ
સુરક્ષા એલર્ટ અને એર ડિફેન્સ સક્રિય: ઘટના બાદ પોલેન્ડના સરકારી સુરક્ષા કેન્દ્રે લુબલિન (Lublin) અને પોડકાર્પાકી (Podkarpackie) વિસ્તારોમાં લોકોને સુરક્ષિત આશ્રય લેવાની સલાહ આપતું એલર્ટ જારી કર્યું હતું. એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી હતી અને યુક્રેનને સહાય પહોંચાડવાના મુખ્ય કેન્દ્ર ગણાતા રેસઝો (Rzeszow) એરપોર્ટ પર ફ્લાઈટ્સનું સંચાલન અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું હતું.
કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નહીં: નજીકના એક ખેતરમાં સળગતી વસ્તુના અવશેષો મળી આવ્યા હતા, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે તેનાથી સ્થાનિક નાગરિકોને કોઈ ખતરો નથી. થોડા સમય બાદ એલર્ટ હટાવી લેવામાં આવ્યું હતું અને આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
નાટો અને પોલેન્ડ દ્વારા તપાસ શરૂ
KH-101 એક લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલ છે, જેનો ઉપયોગ રશિયા યુક્રેનમાં લક્ષ્યોને ભેદવા માટે કરે છે. નિષ્ણાતોના મતે, યુદ્ધ દરમિયાન ઘણીવાર મિસાઈલ પોતાના લક્ષ્ય પરથી ભટકી જાય છે. પોલેન્ડ સરકાર અને નાટો સહયોગી દેશો આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે મિસાઈલ તકનીકી ખામીને કારણે ભટકી હતી કે કેમ, જેથી ભવિષ્યમાં આવી ઘૂસણખોરી અટકાવી શકાય.
પોલેન્ડના PM અને સંરક્ષણ મંત્રીના આકરા આરોપો
ઉશ્કેરણીજનક કાર્યવાહીની આશંકા: પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું કે, "રશિયન મિસાઈલનું ક્રેશ થવું કદાચ જાણીજોઈને ઉશ્કેરણી કરવાની કાર્યવાહી હતી." સંરક્ષણ મંત્રી વ્લાડિસ્લાવ કોસિનિયાક-કામિશે પણ આ ઘટનાના સમય (Timing) પર સવાલ ઉઠાવતા કહ્યું કે હાલમાં પોલેન્ડમાં યુરોપિયન દેશોની સેનાઓ સૈન્ય અભ્યાસ કરી રહી છે, તેવા સમયે આ ઘટના બની છે.
ઉચ્ચસ્તરીય બેઠક: ઘટનાના પ્રતિસાદમાં PM ડોનાલ્ડ ટસ્કે મંત્રીઓ, સૈન્ય કમાન્ડરો અને સુરક્ષા એજન્સીઓના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
યુક્રેન સરહદથી 60 કિમી દૂર મળ્યો સંભવિત કાટમાળ
શાળાઓ બંધ, રેસ્ક્યુ ટીમ તૈનાત: મિસાઈલ ક્રેશ થવાનું સંભવિત સ્થળ પોલેન્ડના નોવી લિપોવિએટ્સ (Nowy Lipowiec) ગામ નજીક જણાવાયું છે, જે યુક્રેનની સરહદથી આશરે 60 કિલોમીટર દૂર છે. પોલિશ સમાચાર એજન્સી મુજબ, સાવચેતીના ભાગરૂપે આસપાસની શાળાઓમાં દિવસભર રજા જાહેર કરાઈ હતી. CCTV અને મોબાઈલ વીડિયોમાં જંગલ નજીક તેજ પ્રકાશ સાથે મોટો ધડાકો થતો દેખાયો હતો, ત્યારબાદ સૈન્ય હેલિકોપ્ટર, રેસ્ક્યુ ટીમ અને પોલીસે ઘટનાસ્થળને ઘેરી લઈ તપાસ હાથ ધરી છે.
સૈન્ય અભ્યાસ વચ્ચે વધ્યો તણાવ: આ ઘટના યુક્રેન પર રશિયન હુમલાઓ દરમિયાન બની છે, જેમાં 3 લોકોના મોત અને 9 લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળથી આશરે 75 કિમી દૂર હજારો યુરોપિયન સૈનિકો યુદ્ધ સમાપ્ત થયા બાદ યુક્રેનમાં સંભવિત મિશનની તૈયારી રૂપે સૈન્ય અભ્યાસ કરી રહ્યા હતા.




