ઓપન ગેમ ઝોન-મેરેજ હોલ-પાર્ટી પ્લોટ બંધ રહેશે, ભારે વરસાદ-વાવાઝોડાની આગાહી વચ્ચે સુરત તંત્રનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain Heavy Wind Alert: એક તરફ ચોમાસું જોર પકડી રહ્યું છે અને બીજી તરફ આગામી 30 અને 31 જુલાઈએ પવન સાથે ભારે વરસાદની આગાહીએ સુરત પાલિકા તંત્રને એલર્ટ કરી દીધું છે. અગાઉના ભારે વરસાદ બાદ શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ અને નુકસાનનો અનુભવ કરી ચૂકેલા તંત્રએ આ વખતે વરસાદ પહેલાં જ સાવચેતીના પગલાં શરૂ કરી દીધા છે. સંભવિત ભારે વરસાદ અને પવન વચ્ચે જાનમાલને નુકસાન ટાળવા પાલિકા તંત્રએ તમામ ઝોનના અધિકારીઓને 24 કલાક તૈયાર રહેવા સાથે જોખમી સ્થળો પર તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત તંત્ર એલર્ટ
પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં ICCC ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી બે દિવસની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ગુરુવાર(30 જુલાઈ) બપોર બાદ આગામી બે દિવસ સુધી શહેરમાં આવેલા કામચલાઉ સ્ટ્રક્ચર, ઓપન ગેમ ઝોન, મેરેજ હોલ અને પાર્ટી પ્લોટમાં જાહેર જનતાની અવરજવર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. બાંધકામ સાઈટ પર પણ સલામતીના નિયમો અને SOPનું ચુસ્તપણે પાલન થાય તેની ચકાસણી કરવા અધિકારીઓને તાકીદ કરાઈ છે.
કાચા અને જર્જરિત મકાનોની ચકાસણી કરાશે
ભારે વરસાદમાં કાચા અને જર્જરિત મકાનો જોખમી બની શકે છે, ત્યારે તમામ ઝોનમાં આવા મકાનની ચકાસણી હાથ ધરવા જણાવાયું છે. જોખમી મકાનોમાં રહેતા લોકોને જરૂર જણાય તો અગાઉથી સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા સૂચના અપાઈ છે. પાણી ભરાવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવા નીચાણવાળા વિસ્તારોમાં પણ ખાસ નજર રાખી જરૂર પડે તો લોકોને સમયસર સ્થળાંતર કરાવવા માટે આશ્રય, પીવાનું પાણી, ભોજન અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા તૈયાર રાખવામાં આવશે.
જોખમી હોર્ડિંગ્સ અને સાઈનબોર્ડ તાત્કાલિક દૂર કરવા આદેશ
ભારે પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને જોખમી હોર્ડિંગ્સ અને સાઈનબોર્ડ તાત્કાલિક દૂર કરવા આદેશ કરાયો છે. BRTS કોરિડોરમાં આવેલા જોખમી હોર્ડિંગ્સ અને સાઈનેજ પણ ઉતારી લેવા જણાવ્યું છે. શહેરના ઊંચા હાઈ માસ્ટ ટાવર્સમાં સલામતીની દ્રષ્ટિએ નિરીક્ષણ કરી જોખમ જણાય ત્યાં તેને નીચે ઉતારવાની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
પવન સાથે વરસાદ પડે ત્યારે વૃક્ષો અને તેની ડાળીઓ પડવાથી રસ્તા બંધ થવાની શક્યતા રહે છે. આથી તમામ ઝોનમાં જોખમી અને ઢીલી પડેલી ડાળીઓનું ટ્રિમિંગ ઝડપથી કરવા તથા ગાર્ડન વેસ્ટ તાત્કાલિક નિકાલ કરવા જણાવાયું છે. છૂટા પતરા, નબળા શેડ અને અન્ય કામચલાઉ જોખમી માળખાં પણ દૂર કરવા સૂચના અપાઈ છે.









