Surat

યુએઈમાંથી ડિપોર્ટ કરાયેલા 60 ભારતીયો સુરત એરપોર્ટ પહોંચ્યા, સ્થાનિક કાયદાનો ભંગ કર્યો હતો

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
સુરત: યુએઈમાંથી ડિપોર્ટ કરાયેલા 60 ભારતીય નાગરિકો બુધવારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-274 દ્વારા સુરત એરપોર્ટ પર ઉતર્યા. સ્થાનિક કાયદા ભંગના આરોપસર તેમને પરત મોકલાયા હતા. દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે 'ઇમરજન્સી સર્ટિફિકેટ' આપી મદદ કરી હતી. એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે કડક તપાસ બાદ તેમને બહાર જવા દીધા. મોટાભાગના બિહાર, યુપી અને પંજાબના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુએઈમાંથી ડિપોર્ટ કરાયેલા 60 ભારતીયો સુરત એરપોર્ટ પહોંચ્યા, સ્થાનિક કાયદાનો ભંગ કર્યો હતો

Surat News : સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી સ્થાનિક કાયદા અને નિયમોના કથિત ભંગના આરોપસર ડિપોર્ટ (દેશનિકાલ) કરાયેલા 60 ભારતીય નાગરિકો સુરત આવી પહોંચ્યા છે. બુધવારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-274 મારફતે આ તમામ મુસાફરો સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા હતા. વિદેશમાં કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલા આ નાગરિકો ભારત પરત ફરતા જ એરપોર્ટ પર સુરક્ષા અને ઇમિગ્રેશન એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી.

દુબઈમાં ભારતીય દૂતાવાસે કરી મદદ

મળતી માહિતી મુજબ, આ મુસાફરોને ડિપોર્ટ કરવામાં આવે તે પહેલાં દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy) દ્વારા તેમની વહારે આવીને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. દૂતાવાસ દ્વારા તમામ મુસાફરોને ભારત મુસાફરી કરવા માટે 'ઇમરજન્સી સર્ટિફિકેટ' અથવા 'અસ્થાયી પ્રવાસ દસ્તાવેજો' પૂરા પાડવામાં આવ્યા હતા. UAE સત્તાવાળાઓએ ત્યાંના સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ તમામ લોકોને ભારત પરત મોકલી દીધા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગની કડક ચકાસણી

ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ઇમિગ્રેશન વિભાગ દ્વારા તમામ 60 મુસાફરોની નિયમ મુજબ કડક પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમના પ્રવાસ દસ્તાવેજો અને પૃષ્ઠભૂમિની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ જ તેમને એરપોર્ટની બહાર જવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ડિપોર્ટ કરાયેલા આ મુસાફરોમાં મોટાભાગના લોકો બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબના રહેવાસી છે, જેઓ રોજગારી અર્થે કે અન્ય કારણોસર UAE ગયા હતા.