સુરતના ચકચારી ફૈજલ ફટ્ટા હત્યા કેસના 4 આરોપી ઝડપાયા, રેકી કરી મોકો મળતા માર્યા હતા ચપ્પાના ઘા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Crime News : સુરતના ચોક વિસ્તારમાં આવેલા જીલાણી બ્રિજ પર ફૈજલ ઝકરિયા હસન ફટ્ટા નામના યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દિનદહાડે હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ સનસનાટીભરી ઘટના અંગે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
10 લાખની સોપારી આપી 1 લાખ એડવાન્સ ચુકવાયા
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ કાવતરા પાછળ માન દરવાજા વિસ્તારમાં રહેતા મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલનો હાથ હતો. મુખ્ય સૂત્રધાર મુબારક ઉર્ફે મુબાએ ફૈજલની હત્યા કરવા માટે આરોપી અભિષેક ઉર્ફે રોહન અને વસીમ ઉર્ફે વસીયોને 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી, જેમાંથી 1 લાખ રૂપિયા રોકડા એડવાન્સ ચુકવાયા હતા. સોપારી મળ્યા બાદ આરોપીઓએ કૈસરઅલી સૈયદ અને ગોકુલ જાદવ સાથે મળી ફૈજલની રેકી શરૂ કરી હતી.
ઓફિસ બહાર ચોકી પહેરો ભરીને અંજામ આપ્યો
ઘટનાના દિવસે ફૈજલ પોતાની વરીયાળી બજાર સ્થિત ઓફિસે હાજર હતો ત્યારે ચારેય આરોપીઓએ બહાર પહેરો ભર્યો હતો. ફૈજલ મોપેડ લઈને નીકળતાં જ આરોપીઓએ પીછો કરી જીલાણી બ્રિજ પર તેની મોપેડને ટક્કર મારી નીચે પાડી દીધો હતો. ત્યારબાદ ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી રોંગ સાઇડમાં વાહન ચલાવી નાસી છૂટ્યા હતા.
15 ટીમોની રચના કરી મુંબઈ હાઇવે પરથી 4 આરોપી પકડાયા
સુરત પોલીસ કમિશનરના આદેશથી ક્રાઇમ બ્રાંચ અને ચોક બજાર પોલીસની 15 ટીમો રચવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે મુંબઈ હાઇવે પર આવેલી ફાઉન્ટેન હોટેલ અને વેસ્ટર્ન હોટેલ પાસેથી ગણતરીના કલાકોમાં અભિષેક (27), કૈસરઅલી (26), વસીમ (21) અને ગોકુલ (20) ને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર મુબારક હાલ વોન્ટેડ છે.




