એસિડ એટેકમાંથી બચ્યો અને વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ! આ ફૂટબોલ ખેલાડીનો સંઘર્ષ જાણી આંખો ભીની થઈ જશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yoane Wissa Create History in FIFA: ફૂટબોલની દુનિયામાં ખેલાડીઓના સંઘર્ષની અનેક વાર્તાઓ જોવા મળે છે, પરંતુ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના સ્ટાર પ્લેયર યોઆને વિસ્સાની કહાની એટલી રોમાંચક અને પ્રેરણાદાયી છે કે તેના પર નેટફ્લિક્સની કોઈ સુપરહિટ મૂવી બની શકે. ફ્રાન્સમાં જન્મેલા અને કારકિર્દીની શરૂઆત એક ગોલકીપર તરીકે કરનારા યોઆને વિસ્સા આજે એક આક્રમક ફોરવર્ડ પ્લેયર છે. તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2026માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની મજબૂત પોર્ટુગલની ટીમ પણ તેમના આક્રમણને રોકી શકી નહોતી અને યોઆને વિસ્સાએ આખી દુનિયા સામે એક અવિશ્વસનીય ઇતિહાસ રચી દીધો છે.
52 વર્ષ બાદ કોંગો માટે ઐતિહાસિક પળ
ફિફા વર્લ્ડ કપ 2026માં એક એવી ઐતિહાસિક ક્ષણ આવી જેણે કોંગોના નાગરિકો અને ફૂટબોલ ટીમને ગર્વથી ભરી દીધી. કોંગોની ટીમ પૂરા 52 વર્ષના લાંબા ગાળા બાદ વર્લ્ડ કપમાં રમી રહી હતી. તેમની સામે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક પોર્ટુગલ હતી.
મેચની શરૂઆતમાં જ 6ઠ્ઠી મિનિટે પોર્ટુગલના જોઆઓ નેવેસે ગોલ કરીને પોતાની ટીમને 1-0ની લીડ અપાવી દીધી હતી. જોકે કોંગોના ખેલાડીઓએ આ દબાણને પોતાના પર હાવી થવા દીધું નહીં. હાફ ટાઇમથી બરાબર પહેલાં, ન્યૂકેસલ યુનાઇટેડના સ્ટ્રાઇકર યોઆને વિસ્સાએ શાનદાર હેડર લગાવીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. આ ગોલ માત્ર કોંગો માટે વર્લ્ડ કપના ઇતિહાસનો સર્વપ્રથમ ગોલ નહોતો, પરંતુ તેનાથી ટીમને એક ઐતિહાસિક ડ્રો પણ મળી ગયો. 29 વર્ષના યોઆને વિસ્સા તે રાત્રે આખા સ્ટેડિયમ અને પોતાના દેશના સાચા હીરો બની ગયા હતા.
2021નો એ ભયાનક એસિડ એટેક
યોઆને વિસ્સાની આ સફર જેટલી શાનદાર દેખાય છે, તેટલી જ તે દર્દનાક રહી છે. વર્ષ 2021માં જ્યારે તેઓ ફ્રાન્સના ક્લબ 'લોરિએન્ટ' માટે રમી રહ્યા હતા, ત્યારે પ્રીમિયર લીગ ક્લબ 'બ્રન્ટફોર્ડ'માં રેકોર્ડ 8.5 મિલિયન પાઉન્ડના ટ્રાન્સફર સાથે જોડાવાના હતા. તે જ સમયે તેમના ઘર પર એક જીવલેણ હુમલો થયો. એક અજાણી મહિલા પોતાને પ્રશંસક ગણાવીને ઓટોગ્રાફ લેવાના બહાને તેમના ઘરમાં ઘૂસી ગઈ અને અચાનક જ યોઆને વિસ્સાના ચહેરા પર એસિડ ફેંકી દીધો. એટલું જ નહીં, તે મહિલાએ તેમની નાની દીકરીનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
યોઆને વિસ્સાએ તે ભયાનક રાતને યાદ કરતાં કોર્ટમાં જણાવ્યું હતું કે, “મેં જેવો દરવાજો ખોલ્યો કે તરત જ મારા ચહેરા પર કોઈ પ્રવાહી ફેંકવામાં આવ્યું. હું જોરથી ચીખી ઉઠ્યો અને મને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. મારી પત્નીએ તાત્કાલિક ઇમરજન્સી સેવાને ફોન કર્યો અને મને હોસ્પિટલ ખસેડાયો. ડોક્ટરોએ કહ્યું કે મારી આંખો સંપૂર્ણપણે બળી ગઈ છે. આ મારા જીવનનો સૌથી મોટું ડરામણું સપનું હતું.”
યોઆને વિસ્સાને બંને આંખોની જટિલ સર્જરી કરાવવી પડી હતી અને પૂરી દ્રષ્ટિ પાછી મેળવવામાં તેમને 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. બાદમાં કોર્ટે ગુનેગાર મહિલાને આ ગુના માટે 18 વર્ષની સખત સજા ફટકારી હતી.
દ્રઢ મનોબળ સાથે મેદાન પર વાપસી
આ હુમલાને કારણે યોઆને વિસ્સા બ્રન્ટફોર્ડ ક્લબમાં મોડા પહોંચ્યા અને પ્રી-સીઝન મેચો પણ મિસ કરી દીધી. જોકે શારીરિક અને માનસિક આઘાત છતાં યોઆને વિસ્સાએ હિંમત હારી નહીં. લોરિએન્ટના તત્કાલીન કોચ ક્રિસ્ટોફ પેલિસિયરે હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી અને તેમના અદભૂત જઝ્બા અને મજબૂત ઇચ્છાશક્તિની પ્રશંસા કરી હતી.
ક્લબ કરિયરમાં ફ્રાન્સના વિવિધ ક્લબોમાં રમ્યા બાદ, યોઆને વિસ્સાએ 2021થી 2025 દરમિયાન બ્રન્ટફોર્ડ માટે 149 મેચ રમીને 49 ગોલ નોંધાવ્યા હતા. ત્યારબાદ, તેઓ આશરે 55 મિલિયન પાઉન્ડની જંગી ટ્રાન્સફર ફી સાથે ન્યૂકેસલ યુનાઇટેડ ક્લબમાં સામેલ થયા. ન્યૂકેસલના મહાન ખેલાડી અલાન શિયરરની આઇકોનિક નંબર 9ની જર્સી પહેરીને ફૂલહમ સામે ગોલ કરવો એ તેમની ક્લબ કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ હતી.
કોંગોનો મુશ્કેલ સમય અને યોઆને વિસ્સાનું સમર્પણ
કોંગો દેશની ફૂટબોલ સફર પણ ઘણી કઠિન રહી છે. ઇબોલા મહામારી અને હોમ ગ્રાઉન્ડ ન હોવા જેવી અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરીને ટીમ 1974 પછી પહેલીવાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શકી છે. અગાઉ ક્લબ ફૂટબોલને પ્રાધાન્ય આપનારા યોઆને વિસ્સાએ આ વખતે વર્લ્ડ કપમાં પોતાના દેશને ગૌરવ અપાવવા માટે મેદાન પર પોતાનું સર્વસ્વ ઝોંકી દીધું હતું અને તેમના આ જ સમર્પણના કારણે આજે કોંગોનું નામ ફૂટબોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયું છે.









