Sports

વૈભવ સૂર્યવંશીનું પત્તું કપાશે? ઈંગ્લેન્ડ સામે લાજ બચાવવા વર્લ્ડ કપ સ્ટારને ટીમમાં લેવાની તૈયારી

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે બ્રિસ્ટલ ખાતે T20 સિરીઝનો ચોથો મહત્ત્વનો મુકાબલો રમાશે. 0-2થી પાછળ ટીમ ઇન્ડિયા માટે આ 'કરો યા મરો' મેચ છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને કોચ ગૌતમ ગંભીર પ્લેઇંગ XIમાં ફેરફાર કરી શકે છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને બેન્ચ પર બેસાડી સંજુ સેમસનને તક અપાઈ શકે છે, જે 'ઘાયલ સિંહ'ની જેમ મેદાનમાં ઉતરી ટીમને જીત અપાવવા પ્રયાસ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈભવ સૂર્યવંશીનું પત્તું કપાશે? ઈંગ્લેન્ડ સામે લાજ બચાવવા વર્લ્ડ કપ સ્ટારને ટીમમાં લેવાની તૈયારી

Ind vs Eng T20I : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝનો ચોથો મહત્ત્વપૂર્ણ મુકાબલો આજે એટલે કે ગુરૂવારે (9 જુલાઈ) બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાશે. સિરીઝમાં 0-2થી પાછળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયા માટે હવે પ્રતિષ્ઠા બચાવવાનો જંગ છે. ભારત હવે વધુમાં વધુ આ સિરીઝ ડ્રો કરાવી શકે તેમ છે, જેના માટે તેને બાકીની બંને મેચો જીતવી અનિવાર્ય છે. આવી સ્થિતિમાં કેપ્ટન શ્રેયસ અય્યર અને હેડ કોચ ગૌતમ ગંભીરની જોડી પ્લેઇંગ XIમાં ફેરફાર કરવા માટે કેટલાક કડક નિર્ણયો લઈ શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે, શું માત્ર બે મેચ બાદ જ યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીની પ્લેઇંગ XIમાંથી રજા થશે?

વૈભવ સૂર્યવંશીની આક્રમકતા નડી?

15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો હતો. તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે ઇન્ટરનેશનલ મેચ રમનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે. જોકે, વૈભવ પોતાની પ્રથમ બે મેચમાં ખાસ કમાલ કરી શક્યો નથી. તેણે બંને મેચમાં 2-2 સિક્સર જરૂર ફટકારી હતી, પરંતુ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેની બેટિંગમાં સંયમનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પોતાની વિકેટની કિંમત સમજાવવા માટે આજે વૈભવને બેન્ચ પર બેસાડવામાં આવી શકે છે, જેથી તે આગામી સમયમાં વધુ પરિપક્વતા સાથે મેદાન પર ઉતરે.

'ઘાયલ સિંહ' સંજુ સેમસન પર દબાણ અને મોકો

જો વૈભવ સૂર્યવંશીને ચોથી T20માંથી બહાર કરવામાં આવશે, તો પ્લેઇંગ XIમાં સંજુ સેમસનની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. યુકેના આ પ્રવાસ પર સેમસને ત્રણ ઇનિંગ્સ રમી છે, જેમાં તે એક પણ વખત બે આંકડાનો સ્કોર (10 રન) પણ પાર કરી શક્યો નથી. જોકે, સેમસન અગાઉ પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારત માટે તારણહાર બન્યો છે. 2026ના T20 વર્લ્ડ કપની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલમાં તેણે સતત 3 શાનદાર ઇનિંગ્સ રમીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

આજે જો સંજુ સેમસનને તક મળશે, તો તે 'ઘાયલ સિંહ'ની જેમ રમીને પોતાની ફોર્મ સાબિત કરવા અને દબાણની સ્થિતિમાં ટીમ ઇન્ડિયાની લાજ બચાવવા માટે પૂરો દમ લગાવશે. ભારતીય ચાહકોને આશા છે કે સેમસન ફરી એકવાર એક યોદ્ધાની જેમ લડીને ભારતને જીત અપાવશે.