Sports

'કુલદીપ યાદવ સાથે હંમેશા અન્યાય કેમ?' વનડેમાં સૌથી વધુ વિકેટ હોવા છતાં બહાર કરાતા દિગ્ગજ લાલચોળ

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે 3rd ODIમાં ભારતની કારમી હાર બાદ ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા ભડક્યા. તેમણે કુલદીપ યાદવને પ્લેઇંગ 11માંથી બહાર રાખવા બદલ ટીમ મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી. ચોપડાએ જણાવ્યું કે, નિર્ણાયક મેચમાં મેચ વિનર કુલદીપને બેન્ચ પર બેસાડવો એ કઈ વ્યૂહરચના છે? જો તે હોત તો 387 રનનો પહાડ જેવો સ્કોર ન બન્યો હોત.

Summarized by AI; it may make mistakes. Check important info

'કુલદીપ યાદવ સાથે હંમેશા અન્યાય કેમ?' વનડેમાં સૌથી વધુ વિકેટ હોવા છતાં બહાર કરાતા દિગ્ગજ લાલચોળ

Aakash Chopra Slams Kuldeep's Exclusion: ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી 3rd ODI મેચમાં ભારતીય ટીમને 27 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પરાજય સાથે જ ભારતે 3 મેચોની વન-ડે સીરિઝ પણ 1-2થી ગુમાવી દીધી છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 387/3નો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો, જેની સામે ભારતીય બોલરો સંપૂર્ણપણે લાચાર નજરે પડ્યા હતા. ટીમ ઇન્ડિયાની આ શરમજનક બોલિંગ અને હાર બાદ ભારતના પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપડાએ મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇંગ 11માંથી બહાર રાખવા બદલ ગુસ્સો વ્યક્ત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.

કુલદીપ યાદવની અવગણના પર આકાશ ચોપડા ભડક્યા

આકાશ ચોપડાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં ભારતીય ટીમના બોલિંગ કોમ્બિનેશન પર આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે ગુસ્સામાં પૂછ્યું કે, જ્યારે ઇંગ્લેન્ડની ધરતી પર અને ખાસ કરીને લોર્ડ્સ જેવી વિકેટ પર જ્યાં મિડલ ઓવર્સમાં વિકેટો ઝડપવી અનિવાર્ય હતી, ત્યાં ભારતના સૌથી સફળ ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇંગ 11માં કેમ સ્થાન ન આપવામાં આવ્યું? આકાશ ચોપડાએ જણાવ્યું,

"તમે એક તરફ કહો છો કે કુલદીપ યાદવ તમારો મેચ વિનર બોલર છે, અને આવી મહત્ત્વની ડિસાઇડર મેચમાં તમે તેને બેન્ચ પર બેસાડી રાખો છો? આ કઈ પ્રકારની વ્યૂહરચના છે? જો કુલદીપ પ્લેઇંગ 11માં હોત તો ઇંગ્લેન્ડના બેટ્સમેનો ક્યારેય 387 રનનો આટલો મોટો સ્કોર ન બનાવી શક્યા હોત."

પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં બોલિંગ સાવ ફ્લોપ રહી

આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ સ્વીકાર્યું હતું કે છેલ્લી 3 ઓવરોમાં બોલરોએ લુટાવેલા 60 રન ટીમને ભારે પડ્યા હતા. પરંતુ આકાશ ચોપડાએ માત્ર ડેથ ઓવર્સ જ નહીં પરંતુ પાવરપ્લેની બોલિંગની પણ આકરી ટીકા કરી છે. તેમણે વીડિયોમાં વિશ્લેષણ કરતા કહ્યું કે, ભારતીય બોલરોએ શરૂઆતથી જ ઇંગ્લેન્ડના ઓપનર્સ બેન ડકેટ (141 રન) અને જેકબ બેથલ (91 રન)ને ઘણી ખરાબ બોલિંગ કરી સરળ રન આપ્યા હતા. પાવરપ્લે બાદ પણ જ્યારે વિકેટની જરૂર હતી ત્યારે કુલદીપ જેવા વિકેટ ટેકિંગ બોલરની ગેરહાજરી સ્પષ્ટપણે વર્તાઈ રહી હતી.

રોહિત-વિરાટની મહેનત પર બોલરોએ ફેરવ્યું પાણી

આકાશ ચોપડાએ રોહિત શર્માના 138 રન, શુભમન ગિલના 77 રન અને વિરાટ કોહલીના 74 રનની લડાયક ઇનિંગ્સના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે,

"બેટ્સમેનોએ 388 રનના વિશાળ ટાર્ગેટ સામે 360 રન બનાવીને પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી. પરંતુ બોલરોના અણઘડ પ્રદર્શન અને ખોટી ટીમ પસંદગીના કારણે બેટ્સમેનોની આ ઐતિહાસિક મહેનત પર પાણી ફરી વળ્યું."

આકાશ ચોપડાના આ વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ પણ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને બોલિંગ લાઇન-અપની આકરી આલોચના કરી રહ્યા છે.