Sports

સાઈ સુદર્શન બહાર થતાં નંબર-3 પર કોણ રમશે? પડિક્કલની સદીથી ટીમ ઈન્ડિયાની ચિંતા થઈ દૂર

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
શ્રીલંકામાં ભારતીય ટીમ 15 ઓગસ્ટથી 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. પ્રેક્ટિસ મેચમાં દેવદત્ત પડિક્કલે 121 બોલમાં 103 રન ફટકારી સદી પૂરી કરી. સદી બાદ તે રિટાયર્ડ આઉટ થયો. KL રાહુલે 40 અને જાડેજાએ 35 રન બનાવ્યા. શ્રીલંકા ક્રિકેટ XI એ 363/8 રન બનાવી દાવ ડિકલેર કર્યો. જાડેજા, કુલદીપ અને માનવે 2-2 વિકેટ લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

સાઈ સુદર્શન બહાર થતાં નંબર-3 પર કોણ રમશે? પડિક્કલની સદીથી ટીમ ઈન્ડિયાની ચિંતા થઈ દૂર

India vs Sri Lanka Test Series: ભારતીય ટીમને આ મહિને શ્રીલંકા સામે તેની જ ધરતી પર બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગોલના ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ ક્લબમાં યોજાશે. ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમ 'શ્રીલંકા ક્રિકેટ XI' સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ પર રમાઈ રહેલા આ મુકાબલાના બીજા દિવસે (8 ઓગસ્ટ) દેવદત્ત પડિક્કલનો જલવો જોવા મળ્યો. પડિક્કલે 121 બોલમાં 103 રન બનાવ્યા હતા, જેમાં 14 ચોગ્ગા સામેલ છે. પડિક્કલે રમેશ મેન્ડિસના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.

જોકે, સદી પૂરી કર્યા બાદ તરત જ દેવદત્ત પડિક્કલ રિટાયર્ડ આઉટ થઈને પવેલિયન પરત ફર્યો હતો. પડિક્કલે સદી ફટકારીને નંબર-3 પોઝિશન માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. સાઈ સુદર્શન ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે, આવી સ્થિતિમાં ગોલ ટેસ્ટ મેચમાં પડિક્કલનું નંબર-3 પર રમવું હવે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. જોકે, ભારત પાસે નંબર-3 માટે ધ્રુવ જુરેલના રૂપમાં પણ એક વિકલ્પ ઉપલબ્ધ છે.

ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી અને બીજા જ બોલે યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના જ પવેલિયન પરત ફર્યો હતો. યશસ્વીને ફાસ્ટ બોલર વિશ્વ ફર્નાન્ડોએ આઉટ કર્યો હતો. અહીંથી કેએલ રાહુલ અને દેવદત્ત પડિક્કલે બીજી વિકેટ માટે 96 રનની પાર્ટનરશિપ કરી. રાહુલે 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 67 બોલમાં 40 રન બનાવ્યા હતા.

કેએલ રાહુલની વિકેટ કેશરા નુવાંથાએ ઝડપી હતી. રાહુલના આઉટ થયા બાદ રવીન્દ્ર જાડેજા અને પડિક્કલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 72 રનની પાર્ટનરશિપ બની. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે નિરાશ કર્યા અને 2 રનના વ્યક્તિગત સ્કોર પર રમેશ મેન્ડિસનો શિકાર બન્યો. ત્યારબાદ મેન્ડિસે ધ્રુવ જુરેલ (1 રન)ને પણ પવેલિયન ભેગો કરી દીધો હતો.

શ્રીલંકાની પ્રથમ ઈનિંગની હાઈલાઈટ્સ

તમને જણાવી દઈએ કે, શ્રીલંકા ક્રિકેટ XIએ પોતાની પ્રથમ ઈનિંગ્સ 363/8 ના સ્કોર પર ડિકલેર કરી હતી. રવિંદુ રસંથાએ સૌથી વધુ 71 રન બનાવ્યા હતા. બીજી તરફ નિશાન મદુષ્કા (66 રન) અને કેપ્ટન સોનલ દિનુષા (52 રન)એ પણ અડધી સદી ફટકારી હતી. પવન રત્નાયકે (39 રન), પસિંદુ સૂરિયાબંદારા (35 રન), રમેશ મેન્ડિસ (32 રન) અને અહાન વિક્રમસિંઘે (31 રન) પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સ્પિનરો રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથારે બે-બે વિકેટ ઝડપી હતી.

શ્રીલંકા ક્રિકેટ XI: નિશાન મદુષ્કા, રવિંદુ રસંથા, પસિંદુ સૂરિયાબંદારા, પવન રત્નાયકે, અહાન વિક્રમસિંઘે, સોનલ દિનુષા (કેપ્ટન), અંજલા બંડારા (વિકેટકીપર), નિપુણ ધનંજય, લાહિરુ કુમારા, વિશ્વ ફર્નાન્ડો, અસંકા મનોજ, ઈસિથા વિજેસુંદરા, રમેશ મેન્ડિસ, કેશરા નુવાંથા અને દિલુમ સુદીરા.

ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, માનવ સુથાર, સારાંશ જૈન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકિબ નબી અને ગુરનૂર બ્રાર.