IPLમાં મુંબઈ ઇન્ડિયન્સનો નવો કૅપ્ટન કોણ? બે નામ રેસમાં આગળ, હાર્દિક અંગે નવી અપડેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Indians New Captain IPL 2027 : આઇપીએલ 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યાને ઓક્શન પહેલાં અન્ય ટીમમાં ટ્રેડ કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માં ટ્રેડ કરવા માટે વાતચીત કરી હતી. કેકેઆરે બદલામાં ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીનને આપવાની ઓફર કરી હતી, પરંતુ ગ્રીનની ફિટનેસ અને વર્કલોડ અંગે શંકા હોવાથી મુંબઈએ આ ડીલ રદ કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ સાથે પણ કોઈ ચોક્કસ ડીલ ન થતાં હાર્દિક વધુ એક સીઝન માટે મુંબઈ ઇન્ડિયન્સમાં જ રહે તેવી પ્રબળ શક્યતા છે.
નવા કૅપ્ટનની શોધમાં રોહિત શર્માનું માર્ગદર્શન
મુંબઈ ઇન્ડિયન્સનું મેનેજમેન્ટ હવે નવા કૅપ્ટનની શોધમાં છે અને નવી રણનીતિ સાથે આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. મુંબઈને 5 વખત ટ્રોફી અપાવનાર રોહિત શર્મા ફરીથી કૅપ્ટન બનવાના મૂડમાં નથી, પરંતુ તેઓ નવો કૅપ્ટન પસંદ કરવા માટે મેનેજમેન્ટ સાથે મળીને કામ કરી રહ્યા છે. હાલમાં કૅપ્ટન બનવાની રેસમાં બે નામો સૌથી આગળ ચાલી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટ આગામી સીઝન માટે યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ અથવા યુવા બેટ્સમેન તિલક વર્મામાંથી કોઈ એક ખેલાડીને કૅપ્ટન તરીકે જાહેર કરી શકે છે.
સૂર્યકુમાર યાદવ ટીમમાં જ રહેશે, મહેલા જયવર્ધને હેડ કોચ પદે યથાવત્
ફેન્સ માટે સૌથી આશ્વાસનરૂપ બાબત એ છે કે વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જ રહેશે. વર્ષ 2026ની સીઝન તેમના માટે ભલે ખાસ ન રહી હોય, પરંતુ મુંબઈની ટીમ 'વન ફેમિલી'ના સિદ્ધાંત પર ચાલે છે અને એક ખરાબ સીઝનના કારણે પોતાના મેચ વિનર ખેલાડીને મુક્ત કરશે નહીં. આ ઉપરાંત, પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધને પણ આગામી વર્ષે ટીમના હેડ કોચ પદે યથાવત્ રહેશે.
મેગા ઓક્શન પહેલાં મોટા ફેરફારો ટાળવાનો પ્રયાસ
આઇપીએલ 2027 બાદ મોટા પાયે મેગા ઓક્શન યોજાવાનું હોવાથી મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે ટીમમાં બહુ મોટા ફેરફારો કરવાથી બચી રહી છે. મેનેજમેન્ટ ટીમનું સંતુલન જાળવી રાખીને નવા કૅપ્ટનના નેતૃત્વમાં શાનદાર વાપસી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. હાર્દિક પંડ્યા ખેલાડી તરીકે ટીમમાં રહીને યોગદાન આપશે કે કેમ અને નવો કૅપ્ટન કોણ બનશે તે અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.




