Get The App

'એક દિવસ બધુ ખતમ થઈ જશે...' IPLમાં 9મી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી ઈમોશનલ થયો

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
'એક દિવસ બધુ ખતમ થઈ જશે...' IPLમાં 9મી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી ઈમોશનલ  થયો 1 - image

Virat Kohli 9th IPL Century: આઈપીએલ 2026ની સિઝનમાં રવિવારે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની રોમાંચક મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર બની ગઈ છે. આ મેચમાં કિંગ કોહલીએ પોતાની બેટિંગનો જાદુ ચલાવતા આઈપીએલ કરિયરની 9મી સદી ફટકારી હતી. કોહલીના અણનમ 105 રનની મદદથી આરસીબીએ કેકેઆરને 6 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે.

રેકોર્ડ્સનો નવો રેકોર્ડ

વિરાટ કોહલીએ આ સદી દરમિયાન અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. તે ટી20 ક્રિકેટમાં 14 હજાર રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. તેણે દિગ્ગજ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડીને સૌથી ઓછી ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યો છે. કોહલી હવે આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી પણ બની ગયો છે.

આ પણ વાંચો : કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

એક દિવસ બધું જ પૂરું થઈ જશે...

મેચમાં વિજય અપાવ્યા બાદ જ્યારે વિરાટ કોહલી આ રેકોર્ડ્સ વિશે વાત કરવા આવ્યો ત્યારે તે થોડો ભાવુક દેખાયો હતો. તેણે હૃદયસ્પર્શી વાત કરતા કહ્યું, મને આ સ્તર પર રમવું અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરવી એ મારા માટે ગર્વની વાત છે. મને બેટિંગ ખૂબ ગમે છે અને ક્રિકેટ સાથે મને સાચો પ્રેમ છે. પરંતુ હું જાણું છું કે એક દિવસ આ બધું ખતમ થઈ જશે, તેથી હું મેદાન પરની દરેક ક્ષણને માણવા માંગુ છું. કોહલીએ વધુમાં ઉમેર્યું કે, તે મેદાન પર હંમેશા પોતાનું હૃદય અને આત્મા લગાવી દે છે, કારણ કે તે દરેક ક્ષણનો પૂરો આનંદ લેવા માંગે છે. તેના માટે આંકડાઓ કરતા રમત પ્રત્યેનો પ્રેમ વધુ મહત્વનો છે.

રસપ્રદ મેચ

પ્રથમ બેટિંગ કરતા કેકેઆરએ અંગક્રિશ રઘુવંશીના 71 રન અને રિંકુ સિંહના અણનમ 49 રનની મદદથી 192 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં આરસીબી તરફથી કોહલીએ 60 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોહલી અને દેવદત્ત પડિક્કલ (37 રન) વચ્ચેની 92 રનની ભાગીદારીએ જીતનો પાયો નાખ્યો હતો. આ શાનદાર જીત સાથે આરસીબી હવે 12 મેચમાં 16 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે છે, જ્યારે કેકેઆર 11 મેચમાં 9 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે.