VIDEO : ઝિમ્બાબ્વે સામે ભારતની શાનદાર જીત: વૈભવ સૂર્યવંશીએ 18 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs Zimbabwe 1ST T20 Match : ઈંગ્લેન્ડ સામેના પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી પર સવાલો ઊભા થઈ રહ્યા હતા, પરંતુ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં જ તેમણે તોફાની ઈનિંગ રમીને ભારતને આક્રમક બેટિંગ કરી જીત અપાવી છે. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ માટે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ઓપનિંગ કરી હતી, જેમાં વૈભવે પ્રથમ ઓવરથી જ વિરોધી બોલરો પર આક્રમણ શરૂ કરી દીધું હતું અને ટીમને વિજય અપાવ્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ 18 બોલમાં ફટકારી અડધી સદી
વૈભવ સૂર્યવંશીએ માત્ર 18 બોલમાં પોતાની તોફાની અડધી સદી પૂરી કરી હતી. 50 રન બનાવ્યા બાદ તેઓ આઉટ થઈ ગયા હતા. વૈભવે 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 19 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેમના આ વિસ્ફોટક પ્રદર્શનથી ક્રિકેટ ફેન્સ અત્યંત ખુશ દેખાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમના પર પ્રશંસાનો વરસાદ થઈ રહ્યો છે.
ઓપનર અભિષેક શર્મા નિષ્ફળ રહ્યા
બીજી તરફ, ઓપનિંગમાં આવેલા અભિષેક શર્મા આ મેચમાં લયમાં જોવા મળ્યા ન હતા. બ્લેસિંગ મુઝારાબાનીના બોલ પર બ્રેડ ઈવાન્સને કેચ આપીને તેઓ આઉટ થયા હતા. તેમણે 8 બોલમાં માત્ર 1 રન જ બનાવ્યો હતો. સીરીઝમાં તેમની પાસે હવે 2 મેચ બાકી છે, જેમાં તેઓ વાપસી કરવાનો પ્રયાસ કરશે.
ઝિમ્બાબ્વેએ બનાવ્યા હતા 125 રન
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી વેસ્લી મધેવેરે સૌથી વધુ 39 રન અને રયાન બર્લે 26 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન સિકંદર રઝા માત્ર 4 રન બનાવીને શિવમ દુબેનો શિકાર બન્યા હતા.
ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન
ભારતીય બોલરોએ પણ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. મયંક યાદવ અને પ્રિન્સ યાદવે ઘાતક બોલિંગ કરીને 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય શિવમ દુબે અને રવિ બિશ્નોઈને 1-1 સફળતા મળી હતી. ભારતે આ શાનદાર જીત સાથે સીરીઝની ધમાકેદાર શરૂઆત કરી છે.









