Sports

વૈભવ સૂર્યવંશીનો સપાટો: 7 સિક્સર, 7 ચોગ્ગા સાથે 92 રન ફટકાર્યા, તેંડુલકરનો રેકોર્ડ તૂટતા બચ્યો

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઈનલ-1માં બેંગલુરુના CoE ગ્રાઉન્ડ-1 ખાતે ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે મુકાબલો થયો. ઈસ્ટ ઝોનના 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 81 બોલમાં 92 રન ફટકારી સૌનું ધ્યાન ખેંચ્યું. તે સચિનનો સૌથી નાની વયે સદીનો રેકોર્ડ તોડતા ચૂકી ગયો. સેન્ટ્રલ ઝોન પ્રથમ ઈનિંગ્સમાં 266 રન બનાવી શક્યું હતું, જેમાં રિંકુ સિંહના 60 રન મુખ્ય હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈભવ સૂર્યવંશીનો સપાટો: 7 સિક્સર, 7 ચોગ્ગા સાથે 92 રન ફટકાર્યા, તેંડુલકરનો રેકોર્ડ તૂટતા બચ્યો

Duleep Trophy Semi-final 1: દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઈનલ નંબર-1માં ઈસ્ટ ઝોનનો મુકાબલો સેન્ટ્રલ ઝોન સામે થઈ રહ્યો છે. બેંગલુરુ સ્થિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ગ્રાઉન્ડ-1માં રમાઈ રહેલી આ મેચમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર છે. વૈભવે ઈસ્ટ ઝોન માટે પ્રથમ ઈનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી છે. વૈભવે 81 બોલમાં 92 રનની શાનદાર ઈનિંગ રમી જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ છે.

તેંડુલકરનો રેકોર્ડ તૂટતા બચ્યો

15 વર્ષના વૈભવ સૂર્યવંશી પાસે પોતાની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ સદી ફટકારવાની તક હતી, પરંતુ સ્પિનર હર્ષ દુબેના બોલ પર મોટો શોટ ફટકારવાના ચક્કરમાં તે અરશદ ખાનના હાથે કેચ આઉટ થઈ ગયો. જો વૈભવ સદી ફટકારી લેત, તો તે દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી નાની વયે સદી ફટકારનાર બેટ્સમેન બની જાત. હાલ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમણે 17 વર્ષ અને 262 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

વૈભવ સૂર્યવંશીએ સિંગલ લઈને પોતાનું ખાતું ખોલ્યું. ત્યારબાદ બીજી ઓવરમાં યશ ઠાકુરને બે ચોગ્ગા ફટકારીને તેણે મોમેન્ટમ પ્રાપ્ત કર્યું. આ પછી વૈભવે પાછળ વળીને ન જોયું અને નબળા બોલ પર આક્રમક પ્રહારો કર્યા. જોકે 40 રનના વ્યક્તિગત સ્કોર પર વૈભવને જીવનદાન પણ મળ્યું, જ્યારે યશ રાઠોડે તેનો આસાન કેચ છોડી દીધો હતો.

ઈનિંગ્સની 15મી ઓવરમાં સ્પિનર સારાંશ જૈનના બોલ પર છગ્ગો ફટકારીને વૈભવે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. દુલીપ ટ્રોફીમાં વૈભવની આ પ્રથમ ફિફ્ટી છે. તેણે આ પહેલાં નોર્થ ઈસ્ટ ઝોન સામે દુલીપ ટ્રોફી ડેબ્યૂ પર માત્ર 8 રન બનાવ્યા હતા.

મેચમાં ટોસ ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સેન્ટ્રલ ઝોનની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 266 રન જ બનાવી શકી હતી. રિંકુ સિંહે 8 ચોગ્ગાની મદદથી 88 બોલમાં 60 રન બનાવ્યા હતા. આર્યન જુયાલ (46 રન) અને યશ ઠાકુર (અણનમ 30 રન)એ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. ઈસ્ટ ઝોન તરફથી મુકેશ કુમાર અને અભિજીત સરકારે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે મોહમ્મદ શમી અને મોહમ્મદ કૌનૈન કુરૈશીએ બે-બે વિકેટ લીધી હતી.

ઈસ્ટ ઝોનની પ્લેઈંગ ઈલેવન

અભિમન્યુ ઈશ્વરન, વૈભવ સૂર્યવંશી, કુમાર કુશાગ્ર, સુદીપ કુમાર ઘરામી, ઈશાન કિશન (વિકેટકીપર/કેપ્ટન), વિરાટ સિંહ, મોહમ્મદ કૌનૈન કુરૈશી, અનુકૂલ રોય, અભિજીત સરકાર, મોહમ્મદ શમી અને મુકેશ કુમાર.

સેન્ટ્રલ ઝોનની પ્લેઇંગ ઈલેવન

અમન મોખાડે, આર્યન જુયાલ (વિકેટકીપર), કુણાલ ચંદેલા, યશ રાઠોડ, રજત પાટીદાર (કેપ્ટન), રિંકુ સિંહ, સારાંશ જૈન, હર્ષ દુબે, અરશદ ખાન, યશ ઠાકુર અને આર્યન પાંડે.