Sports

વૈભવ સૂર્યવંશીએ તોડ્યા 5 મોટા વર્લ્ડ રૅકોર્ડ, સચિન તેંડુલકર પણ પાછળ છૂટ્યા! 196ના સ્ટ્રાઇક રેટથી રન ફટકાર્યા

By GS Team
27 Jul 20263 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટના વન્ડરકિડ વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. 15 વર્ષીય વૈભવે 3 મેચમાં 151 રન ફટકારી ભારતને 3-0થી શ્રેણી જીતાડી. તેણે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રૅકોર્ડ તોડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારી. વૈભવ 'પ્લેયર ઑફ ધ સીરિઝ' બનનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈભવ સૂર્યવંશીએ તોડ્યા 5 મોટા વર્લ્ડ રૅકોર્ડ, સચિન તેંડુલકર પણ પાછળ છૂટ્યા! 196ના સ્ટ્રાઇક રેટથી રન ફટકાર્યા

Teenager Rewrites Cricket History Books: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં રાજસ્થાન રોયલ્સ તરફથી ધમાકેદાર પ્રદર્શન કરનાર બિહારના લાલ અને ભારતીય ક્રિકેટના વન્ડરકિડ વૈભવ સૂર્યવંશીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી 3 મેચોની T20I સીરિઝમાં આ 15 વર્ષીય બેટ્સમેને પોતાની વિસ્ફોટક બેટિંગથી રનોનો અંબાર લગાવી દીધો છે. સમગ્ર સીરિઝ દરમિયાન વૈભવે 196.10ના સ્ટ્રાઈક રેટથી 151 રન ફટકાર્યા હતા, જેના કારણે ભારત આ સીરિઝ 3-0થી ક્લીન સ્વીપ કરવામાં સફળ રહ્યું હતું. આ શાનદાર પ્રદર્શનના જોરે વૈભવે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર સહિતના દિગ્ગજોના વર્ષો જૂના ઐતિહાસિક રૅકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે.

ઇંગ્લૅન્ડ સામેની ડેબ્યુ સીરિઝમાં ફ્લોપ રહ્યા બાદ વિવેચકોના નિશાના પર આવેલા વૈભવે ઝિમ્બાબ્વે સામેની સીરિઝમાં મેન ઑફ ધ સીરિઝનો ઍવૉર્ડ જીતીને ટીકાકારોને સણસણતો જવાબ આપ્યો છે. સીરિઝ દરમિયાન આ યુવા સન્સેશને બનાવેલા 5 મોટા રૅકોર્ડ્સ નીચે મુજબ છે:

1. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે અડધી સદી:

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20 મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 18 બોલમાં તોફાની અડધી સદી ફટકારી હતી. માત્ર 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પચાસ રન પૂરા કરીને તેણે નેપાળના કુશલ મલ્લા(15 વર્ષ 340 દિવસ)નો રૅકોર્ડ તોડી વિશ્વમાં સૌથી નાની ઉંમરે હાફ સેન્ચુરી ફટકારવાનો વર્લ્ડ રૅકોર્ડ પોતાના નામે કર્યો છે.

2. 16 વર્ષની ઉંમર પહેલા 2 અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન:

સીરિઝની ત્રીજી અને અંતિમ T20 મેચમાં વૈભવે ફરી એકવાર 49 બોલમાં 81 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ સાથે તે આંતરરાષ્ટ્રીય પુરુષ ક્રિકેટના ઇતિહાસમાં પોતાની ઉંમરના 16 વર્ષ પૂર્ણ કરતાં પહેલા બે વખત 50 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે.

3. સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રૅકોર્ડ ધ્વસ્ત:

વૈભવે ભારત માટે સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો લગભગ ચાર દાયકા જૂનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. સચિને વર્ષ 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે વૈભવે માત્ર 15 વર્ષની ઉંમરે જ આ પરાક્રમ કરી બતાવ્યું છે.

4. કાયમી મેમ્બર દેશોમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી:

ICCના ઍસોસિએટ દેશો તરફથી વૈભવ કરતાં પણ નાની ઉંમરે કેટલાક ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હોઈ શકે છે, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાયમી સભ્ય દેશોમાં 16 વર્ષની ઉંમર પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરે એક કરતાં વધુ અડધી સદી ફટકારવાનું ગૌરવ આજ સુધી વિશ્વનો કોઈ બેટ્સમેન પ્રાપ્ત કરી શક્યો નથી.

5. ક્રિકેટ ઇતિહાસનો સૌથી યુવા 'પ્લેયર ઑફ ધ સીરિઝ':

ઝિમ્બાબ્વે પ્રવાસ પર 3 મેચોમાં સૌથી વધુ 151 રન બનાવનાર વૈભવ સૂર્યવંશીને તેની શાનદાર બેટિંગ માટે 'પ્લેયર ઑફ ધ સીરિઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતના ઇતિહાસમાં આ પ્રતિષ્ઠિત ઍવૉર્ડ જીતનારો દુનિયાનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ સીરિઝ બાદ વૈભવ ભારતીય ક્રિકેટના આગામી સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો છે.