Get The App

સદીનો હીરો કે કિસ્મતનો વિલન? જાણો કેમ વૈભવ સૂર્યવંશી બન્યો IPLનો સૌથી અનલકી પ્લેયર

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
સદીનો હીરો કે કિસ્મતનો વિલન? જાણો કેમ વૈભવ સૂર્યવંશી બન્યો IPLનો સૌથી અનલકી પ્લેયર 1 - image

Vaibhav Unlucky Player: વૈભવ સૂર્યવંશી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના ઇતિહાસમાં ભારતનો સૌથી કમનસીબ ખેલાડી હોય એવી ચર્ચા છે. પ્લેઓફના રોમાંચક મુકાબલા બાદ ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજોનો જવાબને કારણે તેને આ કમનસીબ ખેલાડી માનવામાં આવી રહ્યો છે. IPL 2026ની ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના આ યુવા ઓપનિંગ બેટ્સમેને ફરી એકવાર શાનદાર બેટિંગ કરી, પરંતુ સદીની સાવ નજીક પહોંચીને આઉટ થતાં જ આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું હતું. વૈભવ આ મેચમાં માત્ર 4 રન માટે પોતાની સદી ચૂક્યો હતો અને 96 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, આ બિલકુલ એ જ રીતે થયું જે રીતે તે આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં 97 રનના સ્કોર પર આઉટ થયો હતો. સતત બે મેચમાં સદીની આટલી નજીક આવીને આઉટ થવું એ કોઈ પણ બેટ્સમેન માટે ઘણું પીડાદાયક હોય છે.

એક જ સીઝનમાં ત્રણ વાર 90sમાં આઉટ થનાર પ્રથમ ભારતીય

વૈભવ સૂર્યવંશી આ સીઝનમાં અદ્ભુત ફોર્મમાં રહ્યો છે, પરંતુ કિસ્મત તેની સાથે સંતાકૂકડી રમી રહી છે. આ સીઝનમાં તે કુલ ત્રીજી વખત 90થી 99 રનની વચ્ચે આઉટ થઈને સદી ચૂક્યો છે. આ સાથે જ તે IPL ઇતિહાસમાં એક જ સીઝનમાં ત્રણ વખત 90sમાં આઉટ થનારા પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી સાથે એક જ સીઝનમાં આટલી મોટી કમનસીબી નથી થઈ.

વૈભવ આ સીઝનમાં ક્યારે-ક્યારે સદી ચૂક્યા, તેના પર એક નજર:

93 રન - વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ (લીગ સ્ટેજ)

97 રન - વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (એલિમિનેટર મેચ)

96 રન - વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ (ક્વોલિફાયર-૨ મેચ)

નોંધનીય છે કે આ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તે 103 રનની એક શાનદાર સદી પણ ફટકારી ચૂક્યો છે.

શુભમન ગિલ સાથે કરી હોત બરાબરી

ઓનરૅકોર્ડ વૈભવ સૂર્યવંશીના નામે IPLમાં બે સેન્ચુરી છે. જો આ ત્રણ સેન્ચુરી તેણે પૂરી કરી હોત તો તેના નામે પાંચ સેન્ચુરી થઈ ગઈ હોત. એનાથી તે શુભમન ગિલ અને સંજૂ સૈમસન જેવા સિનિયર પ્સેયરની બરાબરી કરી શક્યો હોત.

સૌથી વધુ IPL સેન્ચુરી

9 - વિરાટ કોહલી

7 - જોસ બટલર

6 - ક્રિસ ગેલ

6 - કેએલ રાહુલ

5- સંજૂ સૈમસન

5 - શુભમન ગિલ

ગ્લેન મેક્સવેલના રૅકોર્ડની કરી બરાબરી

જો ઓલઓવર આઇપીએલ ઇતિહાસની વાત કરીએ તો, વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલના એક અનોખા અને કમનસીબ રૅકોર્ડની બરાબરી કરી લીધી છે. ગ્લેન મેક્સવેલે વર્ષ 2014ની આઇપીએલ સીઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી રમતાં એક જ સીઝનમાં ત્રણ વખત 90sમાં આઉટ થવાનો રૅકોર્ડ બનાવ્યો હતો. હવે વૈભવ આ યાદીમાં જોડાનારો દુનિયાનો બીજા અને ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે.

કમનસીબી વચ્ચે પણ બનાવ્યા બે ઐતિહાસિક રૅકોર્ડ

ભલે વૈભવ ત્રણ સદી ચૂક્યો હોય, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગે આ સીઝનમાં ઘણા મોટા રૅકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે:

1. પ્લેઓફમાં સૌથી વધુ સિક્સરનો નવો કીર્તિમાન:

વૈભવ સૂર્યવંશીએ IPLની એક જ એડિશનના પ્લેઓફ મુકાબલામાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો નવો રૅકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ વર્ષે પ્લેઓફની માત્ર બે જ મેચોમાં 19 છગ્ગા ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. આ પહેલા આ રૅકોર્ડ રિદ્ધિમાન સાહા (2014) અને શુભમન ગિલ(2023)ના નામે હતો, જેમણે પ્લેઓફમાં 11-11 છગ્ગા માર્યા હતા.

2. સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય:

આ સીઝનમાં રનનો પહાડ બનાવતા વૈભવ સૂર્યવંશીએ કુલ 776 રન ફટકાર્યા છે. આ સાથે જ તે આઇપીએલની કોઈ એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને અને ઓલઓવર વર્લ્ડ ક્રિકેટર્સમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ વાંચો: IPL 2026: સચિન તેંડુલકરના વખાણ પર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની પ્રતિક્રિયા, કહ્યું- "મને તો ખબર જ નહોતી, આ ગર્વની વાત છે"

માત્ર 15 વર્ષની નાની ઉંમરે આઇપીએલ જેવા વૈશ્વિક સ્ટેજ પર આવી ધમાકેદાર બેટિંગ કરીને વૈભવે સાબિત કરી દીધું છે કે તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. ભલે કિસ્મતે આ વખતે સાથ ન આપ્યો અને ત્રણ સદીઓ છૂટી ગઈ, પરંતુ તેણે કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ ચોક્કસપણે જીતી લીધા છે.