Sports

ભારતીય હોકી ટીમની 'ભગવા' ટી-શર્ટ અંગે હોબાળો, પૂર્વ કેપ્ટને ઉઠાવતા ખેલ જગતમાં શરૂ થઈ ચર્ચા

By GS Team
30 Jul 20263 mins read
TukuTouch Logo
FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ બ્લુને બદલે ભગવા રંગની જર્સીમાં રમતા વિવાદમાં સપડાઈ છે. પૂર્વ કેપ્ટન વીરેન રસ્કીન્હાએ 'મેન ઇન બ્લુ' ઓળખ બદલવા પર નારાજગી વ્યક્ત કરી. જોકે, કેટલાકનું માનવું છે કે જર્સીનો રંગ રાષ્ટ્રધ્વજમાંથી છે. સૂત્રો મુજબ, કલર ક્લેશ નિયમોને કારણે ભગવી જર્સી અપનાવવી પડી છે, પણ સતત આ જ જર્સી પહેરવાથી વિવાદ વધુ ઘેરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય હોકી ટીમની 'ભગવા' ટી-શર્ટ અંગે હોબાળો, પૂર્વ કેપ્ટને ઉઠાવતા ખેલ જગતમાં શરૂ થઈ ચર્ચા

Saffron Jersey Sparks Hockey Controversy: બેલ્જિયમ અને નેધરલેન્ડ્સની યજમાનીમાં રમાઈ રહેલા FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ રમતની સાથે સાથે અત્યારે ટીમ ઈન્ડિયા તેની નવી કિટને લઈને ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. વર્લ્ડ કપની મેચો દરમિયાન ભારતીય હોકી ટીમ પરંપરાગત બ્લુ જર્સીના બદલે સંપૂર્ણ ભગવા રંગની કિટ પહેરીને મેદાન પર ઉતરી છે. જર્સીના આ કલર બદલાવને કારણે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે, જેમાં સ્પોર્ટ્સ જગતના દિગ્ગજો પણ કૂદી પડ્યા છે.

ભારતની ઓળખ 'મેન ઇન બ્લુ' છે, ભગવા નહીં: વીરેન રસ્કીન્હા

ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી વીરેન રસ્કીન્હાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વીરેને ભારતીય ટીમના ફોટો શેર કરતા લખ્યું કે,

"ભારતીય ટીમની આ જર્સી મને બિલકુલ પસંદ નથી આવી રહી. વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમતગમતની ઓળખ 'મેન ઇન બ્લુ' તરીકેની રહી છે. આપણી હોકી ટીમે જ્યારે પણ ઈતિહાસ રચ્યો છે, ત્યારે વાદળી રંગ જ આપણી આગવી ઓળખ રહ્યો છે. અચાનક આ ઓળખને બદલીને સંપૂર્ણ ભગવા રંગની જર્સી આપવાનું કોઈ તાર્કિક કારણ મને સમજાતું નથી."

વીરેન રસ્કીન્હાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને રમતપ્રેમીઓ પણ આ મુદ્દે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો પૂર્વ કેપ્ટનની વાત સાથે સહમત થઈ રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સનું કહેવું છે કે જર્સીનો રંગ રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોમાંથી જ એક છે, તેથી આમાં કોઈ વિવાદ ન હોવો જોઈએ.

FIHના કલર ક્લેશ નિયમોને કારણે બદલવી પડી જર્સી?

સૂત્રો અને અહેવાલો અનુસાર, આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના નિયમો મુજબ, જ્યારે બે ટીમોની જર્સીના રંગ એકસરખા અથવા મળતા આવતા હોય, ત્યારે એક ટીમે પોતાની 'અવે જર્સી' એટલે કે વૈકલ્પિક જર્સી પહેરવી પડે છે. આ વર્લ્ડ કપમાં જર્મની, આર્જેન્ટિના, ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન જેવી ટીમોની હોમ જર્સી પણ વાદળી અથવા તેને મળતા આવતા શેડની છે. ટેલિવિઝન બ્રોડકાસ્ટ અને અમ્પાયરિંગની સરળતા માટે ભારતીય ટીમે હોમ જર્સી તરીકે સ્કાય બ્લુ અને અવે જર્સી તરીકે ભગવા રંગની પસંદગી કરી છે. જોકે, વિવાદ એ વાતનો છે કે ટીમ માત્ર અવે મેચોમાં જ નહીં, પરંતુ સતત આ નવી ભગવી જર્સીમાં જ જોવા મળી રહી છે.

ભૂતકાળમાં ક્રિકેટ ટીમની ભગવી જર્સી પર પણ થયો હતો હોબાળો

રમતગમતમાં ભારતીય ટીમની જર્સીનો રંગ બદલાયો હોય અને વિવાદ થયો હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. આ અગાઉ વર્ષ 2019ના ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે પણ કલર ક્લેશને કારણે પાછળના ભાગે ઓરેન્જ રંગ વાળી જર્સી પહેરી હતી. તે સમયે પણ ભારતમાં રાજકીય સ્તરે ભારે હોબાળો મચ્યો હતો અને વિરોધ પક્ષોએ રમતનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે હોકી વર્લ્ડ કપ 2026માં ફરી એકવાર જર્સીના રંગે સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને વેગ આપ્યો છે.